
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ
ડાંગ જિલ્લામાં છેલ્લા ૧૦ કલાકમાં સરેરાશ ૨૫૩ મી.મી વરસાદ નોંધાયો:
ભારે વરસાદના પગલે સાંજના ૫ વાંગ્યાની સ્થિતિએ જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના ૩૭ માર્ગો અવરોધાયા:
દિનકર બંગાળ, આહવા: રાજ્યના છેવાડે આવેલા વનાચ્છાદિત ડાંગ જિલ્લામા સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે.
જિલ્લાના ડિઝાસ્ટર કક્ષ તરફથી પાપ્ત થયેલી વિગતો અનુસાર આજે એટલે કે તા. ૦૩/૦૭/૨૦૨૬ના રોજ સવારના ૬ વાગ્યાથી સાંજના ૪ વાગ્યા સુધીમા, છેલ્લાં ૧૦ કલાક દરમિયાન સરેરાશ ૨૫૩ મી.મી. વરસાદ (મોસમનો કુલ વરસાદ ૪૨૮.૩૩ મી.મી.) નોંધાવા પામ્યો છે.
વિગતે જોઈએ તો સવારે ૬ વાંગ્યા થી સાંજના ૪ વાંગ્યા સુધીમાં આહવા તાલુકામા ૧૯૭ મી.મી. (મોસમનો કુલ વરસાદ ૩૯૩ મી.મી.), વઘઈ તાલુકામા સૌથી વધુ ૩૩૦ મી.મી. (મોસમનો કુલ વરસાદ ૫૧૨ મી.મી.), અને સુબીર તાલુકામા ૨૩૨ મી.મી. (મોસમનો કુલ વરસાદ ૩૮૦ મી.મી.) મળી જિલ્લામા સરેરાશ ૨૫૩ મી.મી. (મોસમનો કુલ વરસાદ ૪૨૮.૩૩ મી.મી.) વરસાદ નોંધાઈ ચુક્યો છે.
દરમિયાન આ વરસાદને પગલે આજે સાંજના ૫ વાગ્યાની સ્થિતિએ ડાંગ જિલ્લાના જિલ્લા પંચાયત હસ્તકના ૩૭ જેટલા માર્ગો વરસાદી પાણીને લઈ, અવરોધાયા છે. જેમાં વઘઇ તાલુકામાં ૩૦ માર્ગો જેમાં ૧. માનમોડી બેડારમાળ નિંબારપાડા રોડ, ૨. કાંચનપાડા થી સુરગાણા રોડ, ૩. વાંઝટઆંબા કોયલીપાડા રોડ, ૪. ખાતળ ફાટક ટુ ધોડી રોડ, ૫. ધોડવહળ વી.એ. રોડ, ૬. મોટીદાબદર લહાનદાબદર નાનપાડા રોડ, ૭. દોડીપાડા દગડીઆંબા બેડમાળ રોડ, ૮. દોડીપાડા ચિકાર ફળીયા રોડ, ૯. ડુંગરડા વી.એ. રોડ, ૧૦. માછળી ખાતળ રોડ – ૨, ૧૧. પાતળી ગોદડીયા રોડ, ૧૨. ગોદડીયા ટુ પાંડરમાળ રોડ, ૧૩. દોડીપાડા બરડા રોડ, ૧૪. માછળી ચીખલા દિવડ્યાવન રોડ, ૧૫. ધાંગડી કાનત ફળીયા રોડ, ૧૬. દગુનીયા વી.એ. રોડ, ૧૭. બાજ મેઇન રોડ ટુ મલિન રોડ, ૧૮. આહેરેડી નડગચોંડ રોડ, ૧૯. નિંચલા ફળીયા કોયલીપાડા રોડ, ૨૦. વાંઝટઆંબા કોયલીપાડા રોડ, ૨૧. ભેંસકાતરી કાકરદા ભોગડીયા એન્જીપાડા રોડ, ૨૨. ચિખલદા વી.એ. રોડ, ૨૩. ભદરપાડા ચિંચોડ રોડ, ૨૪. આહેરેડી બોરદહાડ રોડ, ૨૫. ગીરા દાબદર રોડ, ૨૬. ચિકાર તળાવ ફળીયા રોડ, ૨૭. પાંઢરમાળ ઉપલા ફળીયા રોડ, ૨૮. મેઇન રોડ ટુ આંબાપાડા ચિંચપાડા ઉગા રોડ, ૨૯. સુસરદા વી.એ. રોડ, ૩૦. કાલીબેલ પાંઢરમાળ વાંકન રોડ, જ્યારે આહવા તાલુકામાં કુલ પાંચ માર્ગો જેમાં ૧.જાખાના કોટમદર રોડ, ૨. બારીપાડા ચિરાપાડા રોડ, ૩. રાનપાડા ભાપખલ બારીપાડા રોડ, ૪. ચિકટ્યા ગાઢવી રોડ, ૫. ભવાનદગઢ ધુળચોંડ આમસરળણ રોડ. અને સુબીર તાલુકામાં એક સુબીર તાલુકામાં બે જેમાં ૧. ઢોગીઆંબા લહાનકસાડ મોટીકસાડ રોડ, ૨. કાકડવિહિર ખેરિન્દ્રાં ચમારપાડા રોડ, ક્યાંક કોઝ વે ઓવર ટોપિંગ થવાથી, તો ક્યાંક સ્લેબ ડ્રેઇન ઓવર ટોપિંગ થવાને કારણે અવરોધાયા છે.
જિલ્લા વહીવટી તંત્રે અવરોધાયેલા માર્ગે અવરજવર કરતા વાહન ચાલકો, રાહદારીઓ, પશુપાલકો અને ખેડૂતોને સાવચેતીના ભાગરૂપે આ માર્ગોનો ઉપયોગ નહિ કરવા, અને સૂચવેલ વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની અપીલ પણ કરી છે.
આ ભારે વરસાદ કારણે વિશિષ્ટ ભૌગોલિક પરિસ્થિતિ ધરાવતા ડાંગ જિલ્લામા વૃક્ષો અને ઝાડી ઝાંખરા પડવા, ભૂસ્ખલન થવુ, તેમજ માઈનોર સરફેસ ડેમેજ થવાથી માર્ગો/પુલોને થતુ નુકશાન પૂર્વવત કરવા રાજ્ય માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર શ્રી કેતન કુંકણાના માર્ગદર્શન તેમની ટીમ દ્વારા અવિરતપણે સતત કામગીરી હાથ ધરવામા આવી રહી છે. આહવા વઘઇના મુખ્ય રાજ્ય ધોરીમાર્ગમાં વૃક્ષ ધરાશાહી થતાં માર્ગ અને મકાન વિભાગે તાત્કાલિક વૃક્ષ હટાવી રાહદારીઓ માટે રસ્તો ખુલ્લો મુક્યો હતો.
ડાંગ જિલ્લા કલેક્ટર શ્રી એન.ડી.પરમાર સમગ્ર પરિસ્થિતિ ઉપર નજર રાખી, તંત્રના સંબંધિત વિભાગોને માર્ગદર્શિત કરી રહ્યા છે. દરમિયાન લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારી, કર્મચારીઓને સંભવિત પરિસ્થિતિ ધ્યાને લેતા, તેમનુ કાર્ય મથક નહિ છોડવાની પણ તાકીદ કરવામાં આવી છે.
જિલ્લામા કોઇપણ અનિચ્છનીય બનાવ કે ઘટના બને તો, ડાંગ જિલ્લાના કંટ્રોલ રૂમ નંબર ૦૨૬૩૧ ૨૨૦૩૪૭ તેમજ વૈકલ્પિક નંબર ૬૩૫૫૮૨૦૨૫૨ અને ટોલ ફ્રિ નંબર ૧૦૭૭ ઉપર સંપર્ક સાધવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જણાવવામા આવ્યુ છે.
ઉલ્લેખનિય છે કે, ચોમાસાની ઋતુમાં ડાંગ જિલ્લાની વનાચ્છાદિત પ્રકૃતિને મનભરીને માણવા માટે, પ્રકૃતિપ્રેમી પર્યટકો ડાંગ જિલ્લામાં ઉમટી પડે છે. ત્યારે અહીંના નદી, નાળા, કોતરો, જળધોધ, ખીણ પ્રદેશ, ડુંગરો, વૃક્ષો, વન્યજીવો વિગેરે સાથે સેલ્ફી લેતા કે ફોટોગ્રાફી કરતા લોકો, ક્યારેક અજાણતા જ પોતાના કે અન્યોના જીવનું જોખમ ઊભું કરતા હોય છે. જેમને સભાનપણે અહીંના પ્રાકૃતિક નજારાને માણવા માટે જિલ્લા વહીવટી તંત્રએ અનુરોધ કર્યો છે.
જાહેર માર્ગો કે સાર્વજનિક પર્યટન સ્થળોએ આડેધડ વાહનો પાર્ક નહિ કરવા, જોખમી રીતે સેલ્ફી લેવા કે ફોટોગ્રાફી નહિ કરવા, નદી-નાળા-કોતરો કે જળધોધમા નહિ ઉતરવા, વરસાદી વ્હેણ કે પાણી ભરાયાં હોય તેવા માર્ગો કે પુલો ઉપરથી પસાર નહીં થવા સાથે, ભૂસ્ખલનને કારણે બંધ કરાયેલા માર્ગોનો ઉપયોગ નહિ કરવા, કાયદો વ્યવસ્થા જાળવતા લાશ્કરો અને સ્વયંસેવકોને સહયોગ આપવા જેવી બાબતે, વિશેષ જાગૃતિ સાથે પ્રજાધર્મ નિભાવવા, જિલ્લા વહીવટી તંત્રએ સૌને ફરીવાર અપીલ કરી છે.



