ક્રાઈમ

વઘઈ પોલીસે PhonePe મારફતે રૂ.૪૯,૭૫૦ની છેતરપિંડી કરનાર બીલીમોરાનો શખ્સને ઝડપ્યો:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ

વઘઈ પોલીસે PhonePe મારફતે રૂ.૪૯,૭૫૦ની છેતરપિંડી કરનાર બીલીમોરાનો શખ્સને ઝડપ્યો:

પ્રદિપ ગાંગુર્ડે, ડાંગ: ટેક્નોલોજીનો સહારો લઈ સાયબર છેતરપિંડી આચરતા શખ્સો સામે ડાંગ જિલ્લા પોલીસે લાલ આંખ કરી છે. વઘઈ પોલીસને રૂ.૪૯,૭૫૦ ની UPI છેતરપિંડીના ગુનામાં મોટી સફળતા મળી છે. PhonePe એપ્લિકેશનનો દુરુપયોગ કરી મહિલાના બેંક ખાતામાંથી હજારોની રકમ સગાં-મિત્રોના ખાતા મારફતે ટ્રાન્સફર કરનાર બીલીમોરાના ૨૫ વર્ષીય રાહુલભાઈ ગુલાબભાઈ રાઠોડને પોલીસે ઝડપી પાડ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ફરિયાદી મેહુલભાઈ ઘાટાળની પત્નીના બેંક ખાતામાંથી તેમની જાણ બહાર અલગ-અલગ UPI ટ્રાન્ઝેક્શન દ્વારા રૂ.૪૯,૭૫૦ ઉપડી ગયા હતા. બેંકમાં ખાતાનું બેલેન્સ તપાસતાં સમગ્ર છેતરપિંડીનો પર્દાફાશ થયો હતો. દંપતી UPI એપ્લિકેશનનો ઉપયોગ કરતું ન હોવા છતાં ખાતામાંથી નાણાં ઉપડી જતાં ૧૯૩૦ સાયબર હેલ્પલાઇન પર ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

વઘઈ પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ, બેંકિંગ ટ્રાન્ઝેક્શન અને UPI વ્યવહારોની કડીઓ જોડતાં ચોંકાવનારી હકીકત સામે આવી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપીએ ફરિયાદીની જાણ બહાર તેમનો મોબાઇલ ફોન મેળવી તેમાં PhonePe એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી અને તેનો ઉપયોગ કરી બેંક ખાતા સાથે જોડાયેલી UPI સુવિધા મારફતે નાણાંની ઉચાપત કરી હતી.

પોલીસ તપાસ મુજબ, છેતરપિંડીની રકમ સીધી પોતાના ખાતામાં જમા કરાવવાને બદલે પ્રથમ મિત્રોના ખાતામાં અલગ-અલગ હપ્તામાં ટ્રાન્સફર કરી હતી અને ત્યારબાદ ત્યાંથી પોતાના ખાતામાં મંગાવી હતી. આમ, નાણાંના વ્યવહારોને અલગ-અલગ ખાતાઓ મારફતે ફેરવી સાયબર છેતરપિંડી આચરવામાં આવી હતી.

આ ગુનામાં વઘઈ પોલીસે રાહુલભાઈ રાઠોડ( રહે.ઓરિયા મોરિયા શિવ શક્તિ રો હાઉસની સામે બીલીમોરા)ને ઝડપી પાડી તેની પાસેથી આશરે રૂ. ૧૫ હજાર કિંમતનો મોબાઇલ ફોન કબજે કર્યો છે. અન્ય બેંક ખાતાઓ અને સંભવિત સાગરીતોની સંડોવણી અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક પૂજા યાદવ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ વઘઈ પોલીસે હાથ ધરેલી આ કાર્યવાહીથી સાયબર ઠગોમાં ફફડાટ ફેલાયો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है