
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ
ડાંગ જિલ્લામાં ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે આહવામાં ‘જનજાતીય ગૌરવ દિવસ’ ની ભવ્ય ઉજવણી:
આહવાના મુખ્ય માર્ગો ઉપર પરંપરાગત વાજિંત્રો અને ડાંગી નૃત્ય સાથે ભવ્ય રેલી યોજાઈ:
જિલ્લાના ત્રણ રસ્તાઓને બિરસા મુંડા પથ તરીકે નામકરણ કરવામાં આવ્યું:
પ્રદિપ ગાંગુર્ડે, ડાંગ : રાષ્ટ્રનિર્માણમાં જનજાતિય સમાજના ગૌરવપૂર્ણ યોગદાનને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વર્ષ ૨૦૨૧માં બિરસા મુંડાના જન્મદિવસ તા. ૧૫મી નવેમ્બરને ‘જનજાતીય ગૌરવ દિવસ’ તરીકે સમગ્ર દેશમાં ઉજવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે આજરોજ આદિજાતિ વિકાસ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર, ડાંગના સંયુક્ત ઉપક્રમે મહાન આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાત સરકારના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના માનનીય મંત્રી શ્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ, આહવા ખાતે ‘જનજાતીય ગૌરવ દિવસ’ની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણીની કરવામાં આવી હતી. મહાન ધર્મ યોદ્ધા, સમાજસેવક અને સ્વાતંત્ર્ય સેનાની એવા ભગવાન બિરસા મુંડાને તેમની જન્મજયંતીએ હૃદયપૂર્વક વંદન કરીને શ્રી કનુભાઈ દેસાઈએ ઉપસ્થિત સૌને શુભેચ્છાઓ પાઠવી હતી. સ્વાતંત્ર્ય સંગ્રામના આદિવાસી અગ્રીમ યોદ્ધા બિરસા મુંડાના બાળપણ અને તેમની મહાન ગાથાનું વર્ણન કરીને શ્રી કનુભાઈ દેસાઈએ ભગવાન બિરસા મુંડાની મહાત્મા બનવા સુધીની યાત્રાની સગૌરવ ઝાંખી આપી હતી.

આઝાદીમાં મહત્વનું યોગદાન આપનાર આદિવાસી સમુદાયો સ્વતંત્રતા પછી દાયકાઓ સુધી વિકાસથી વંચિત રહ્યા હતા. આજે આદિજાતિ વિકાસમાં ગુજરાત અગ્રેસર છે, તેનો શ્રેય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને આપીને મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની ધુરા સંભાળ્યા બાદ આદિજાતિ વિસ્તાર અને સમુદાયના સર્વાંગીણ વિકાસ માટે કરેલા કાર્યો ને પરિણામે આદિવાસીઓમાં આવેલા સામાજિક શૈક્ષણિક અને આર્થિક પરિવર્તન વિશે વિસ્તૃત વિગતો આપી હતી.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, વર્ષ-૨૦૦૭ માં તત્કાલીન મુખ્યમંત્રીશ્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વનબંધુ કલ્યાણ યોજનાની શરૂઆત કરાવી આદિજાતિ સમુદાયના સર્વાંગી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. દસ મુદ્દા આધારિત આ યોજના અંતર્ગત રોડ કનેક્ટિવિટી, ઘર આંગણે શિક્ષણ, આરોગ્ય, વીજળી, પાણીની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આ યોજના ગુજરાતના આદિવાસીઓ માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ છે. રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા વન બધું કલ્યાણ યોજના -૨ અંતર્ગત ૧ લાખ કરોડ બજેટ મંજુર કરવામાં આવ્યું છે. જે આદિજાતિ લોકોના શિક્ષણ, આરોગ્ય, ખેતી, પાણી વિગેરે માટે કલ્યાણકારી સાબિત થશે. આ સાથે જ સરકારે ડાંગ જિલ્લાને પ્રાકૃતિક જિલ્લો જાહેર કર્યો છે જે માટે જે માટે ડાંગની પ્રાકૃતિક પેદાશો જિલ્લાની આગવી ઓળખ બની છે તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું. આ પ્રસંગે ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રાજેશભાઈ ગામીતે ડાંગ જિલ્લામાં સર્વાંગી વિકાસનો ખ્યાલ આપી જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં PM-JANMAN, ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન, એકલવ્ય મોડેલ સ્કૂલ, શિષ્યવૃત્તિ અને વનધન કેન્દ્રો જેવી યોજનાઓ થકી સમાજનો સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે.

કાર્યક્રમમા આદિજાતી વિભાગના વન અધિકાર અધિનિયમ- ૨૦૦૬ ના ૨૩ વ્યક્તિગત દાવા અંગેના અધિકાર પત્ર વિતરણ તેમજ અગાઉ વિતરણ થયેલ ૪૫૫ લાભાર્થીઓને ૭/૧૨ ના હક્ક અધિકારી પત્રો એનાયત કરવા સાથે, મુખ્યમંત્રી આદિમજુથ સર્વાંગી ઉત્કર્ષ યોજના અન્વયે પશુપાલકો માટેની દુધાળા પશુઓની ખરીદી સહાય યોજના, સંકલિત ડેરી વિકાસ યોજના અંતર્ગત દુધાળા પશુ સહાય યોજના, કુંવરબાઇ મામેરું યોજના, ટેક હોમ રાશન યોજના, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, બેટી બચાવો બેટી પઢાવો વ્હાલી દિકરી યોજના, ફળાઉ ઝાડ રોપા, શાકભાજી માટે સાધન સહાય વિગેરે કુલ ૧૭ વિવિધ યોજનાઓ જિલ્લાના કુલ ૧૫૦૧ લાભાર્થીઓને રૂપિયા ૧૮૧.૨૩ લાખનું વિતરણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને છોટાઉદેપુર ખાતે યોજાયેલ કાર્યક્રમમા વર્ચુઅલ માધ્યમથી ડાંગ જિલ્લામાં કુલ રૂ.૧૦૧.૯૪ કરોડના ખર્ચના ૨ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તેમજ સાપુતારા આદર્શ નિવાસી કન્યા છાત્રાલય અને આહવા લાઈબ્રેરી જે કુલ ૧૭.૦૧ કરોડ ખર્ચે નિર્મિત થયેલ ૨ મકાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે આદિજાતિ વિસ્તારના તાલુકાઓમાંથી પસાર થતાં રસ્તાઓનું નામ “ભગવાન બિરસા મુંડા પથ” રાખવામાં આવેલ છે. જેમાં ડાંગ જિલ્લાના ત્રણ રસ્તાઓ ૧.વઘઇ આહવા રોડ કિ,મી ૯૩/૦ થી ૯૪/૨૦૦ (SH), ૨. વઘઇ ડુંગરડા રોડ કિ.મી ૦/૦ થી ૧/૦૦ (SH) અને ૩. મહાલ સુબીર વારસા રોડ કિ.મી ૧૫/૦૦ થી ૧૭/૬ થી ૪૩/૮ (ODR) ને “ભગવાન બિરસા મુંડા પથ” રાખવામાં આવેલ છે. આહવા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવતી વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ રજૂ કરવામાં આવી હતી. આ ઉપરાત વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને સ્ટેજ પરથી લાભોનું વિતરણ તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓ રમતવીરો અને પ્રગતિશીલ ખેડૂતોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યું હતાં. સાથે જ યોજનાકીય જાણકારીલક્ષી સ્ટોલ, આરોગ્ય અને આઇ.સી.ડી.એસના સ્ટોલ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

દરમિયાન દેશના વડાપ્રધાનશ્રીના ગઢચિરોલી ખાતેથી જનજાતીય ગૌરવ દિવસનું સંબોધન લાઇવ પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભે આહવાના બિરસા મુંડા સર્કલથી સભા સ્થળ સુધી ‘જનજાતિય ગૌરવ દિવસ’ અંતર્ગત ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શોભાયાત્રા યોજાઈ. જેમાં મંત્રીશ્રી સહિતના મહાનુભાવો જોડાયા હતા.

આ પ્રસંગે ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રાજેશભાઈ ગામીત, ઉપ પ્રમુખ શ્રી ઉષાબેન પટેલ, આહવા તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતિ વીણાબેન ગાંગુર્ડે, વઘઈ તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતિ શકુંતલાબેન પાડવી, સુબીર તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સંજયભાઈ પવાર, વાસુર્ણા રાજવી શ્રી ધનરાજસિંહ સૂર્યવંશી, ડાંગ જિલ્લા ભાજપા પ્રભારી શ્રી શિલ્પેશભાઈ દેસાઈ, ભાજપા પ્રમુખ શ્રી સુરેશભાઈ ચૌધરી, સહિતના જિલ્લા અને તાલુકા પંચાયતના પદાધિકારીશ્રીઓ, ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓ તેમજ જિલ્લા કલેક્ટર શ્રી એન. ડી. પરમાર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી કુલદીપસિંહ ઝાલા, ઉત્તર નાયબ વન સંરક્ષક શ્રી મુરારીલાલા મીણા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી એસ.ડી. તબીયાર, પ્રાયોજના વહીવટદારશ્રી ડો. મયુર પરમાર, મદદનીશ વન સંરક્ષક શ્રી જેનીલ દેસાઈ વહીવટી અધિકારીશ્રીઓ, કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.



