
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ
ડાંગ જિલ્લામાં રૂ. ૧૨૮.૧૫ કરોડનાં માર્ગ અને બ્રિજનાં કામોને સૈદ્ધાંતિક મંજૂરી:
ડાંગના ધારાસભ્ય વિજયભાઇ પટેલે સરકારનો આભાર વ્યક્ત કર્યો:
દિનકર બંગાળ, આહવા: ડાંગ જિલ્લાના છેવાડાના વિસ્તારો સુધી સુદ્રઢ કનેક્ટિવિટી પૂરી પાડવા અને વાહનવ્યવહાર વધુ સુગમ બનાવવા માટે ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા જિલ્લામાં માર્ગ વિસ્તૃતિકરણ અને મહત્વના મેજર બ્રિજના નિર્માણ કાર્યો માટે કરોડો રૂપિયાની સૈદ્ધાંતિક મંજૂરીઓ આપવામાં આવી છે. આ પ્રજાલક્ષી નિર્ણયો બદલ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ડાંગના ધારાસભ્ય વિજયભાઇ પટેલે રાજ્ય સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.
રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ડાંગ જિલ્લામાં નીચે મુજબના મહત્વના કામોને સૈદ્ધાંતિક મંજૂરી પ્રદાન કરવામાં આવી છે. જેમાં ૧. ગોંડલવિહીર – લશ્કરીયા – સુબીર રોડ પહોળો કરવાનું કામ. જેમાં ગોંડલવિહીર – લશ્કરીયા – સુબીર રોડ (ચેઇનેજ ૬/૦૦ થી ૨૯/૧૭૫) ને ૭.૫૦ મીટરમાંથી ૧૦.૦ મીટર પહોળો (વાયડનીંગ એન્ડ સ્ટ્રેન્ધનીંગ) કરવા માટે ઓ.પી.આર.સી. (OPRC) પદ્ધતિ હેઠળ અંદાજિત રૂ. ૫૧.૯૭ કરોડના કામને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.
૨.વઘઇ – ડુંગરડા – ભેંસકાતરી રોડ પર બોરીગાંવઠા બ્રિજ. જેમાં વઘઇ – ડુંગરડા – ભેંસકાતરી રોડ પર ચેઇનેજ ૮/૨૦૦ થી ૮/૪૦૦ વચ્ચે બોરીગાંવઠા મેજર બ્રિજના નિર્માણ માટે અગાઉ મંજૂર કરાયેલ રૂ. ૧૦૨૧.૩૦ લાખની સામે વધારીને રૂ. ૧૮૩૨.૪૮ લાખ (રૂ. ૧૮.૩૨ કરોડથી વધુ)ની સુધારેલી સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.
૩.આહવા – નવાપુર રોડ પર ત્રણ હાઈ લેવલ મેજર બ્રિજની કામગીરી (DPR મંજૂરી) જેમાં આહવા – નવાપુર રોડ પર ત્રણ સ્થળોએ નવા હાઈ લેવલ બ્રિજ બનાવવા માટે ડી.પી.આર. (DPR) હેઠળ સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. પ્યારચંદ નાળા પર હાઈ લેવલ બ્રિજ (કિ.મી. ૧૦/૮ થી ૧૧/૦) – અંદાજિત રકમ રૂ. ૧૫,૪૭,૫૨,૦૦૦/-, પૂર્ણા નદી પર હાઈ લેવલ બ્રિજ (કિ.મી. ૨૧/૮૦૦ થી ૨૨/૦૦) – અંદાજિત રકમ રૂ. ૧૭,૧૪,૩૫,૦૦૦/-, ઘોઘડ નદી પર હાઈ લેવલ બ્રિજ (કિ.મી. ૨૩/૮૦૦ થી ૨૪/૦) – અંદાજિત રકમ રૂ.૨૫,૨૩,૭૫,૦૦૦/-. જે કુલ અંદાજે રૂ. ૧૨૮ કરોડ ૧૫ લાખ કરોડોના મહત્વપૂર્ણ રસ્તા તથા બ્રિજના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવેલ છે.
આ મહત્વપૂર્ણ માળખાકીય કામો મંજૂર થવાથી ચોમાસા દરમિયાન તેમજ સામાન્ય દિવસોમાં ડાંગ જિલ્લાના ગ્રામીણ અને આંતરરાજ્ય વાહનવ્યવહારને મોટી રાહત મળશે અને સ્થાનિક અર્થતંત્ર તેમજ પ્રવાસનને મોટો વેગ મળશે.
ડાંગ જિલ્લાની જનતાની સુખાકારી અને વિકાસલક્ષી જરૂરિયાતોને ધ્યાને રાખીને આ મહત્વના પ્રોજેક્ટ્સને મંજૂરી આપવા બદલ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઇ પટેલે રાજ્ય સરકાર અને માર્ગ અને મકાન વિભાગનો અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.



