વિશેષ મુલાકાત

હું આદિવાસી અને મારા ગુજરાતનો આદિવાસી સમાજ મારી દ્રષ્ટીએ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર   

૯મી ઓગષ્ટ ‘વિશ્વ આદિવાસી દિવસ’ તરીકે સંયુક્ત રાષ્ટ્રસંઘ એટલે યુનાઇટેડ નેશન, યુનોએ જાહેર કર્યો છે. સમગ્ર વિશ્વમાં રહેલ આદિવાસી સમુદાયો પોતાની ભવ્ય સંસ્કૃતિની ઉજવણી કરી શકે તે માટે આ દિવસને મહત્વ અપાયું છે. આદિવાસી કલા-સંસ્કૃતિ, રીત-રિવાજ, પારંપારિક અમૂલ્ય વારસો એક અનોખી અને આગવી ઓળખ ધરાવે  છે. જેને જાળવી રાખવી આપણ સૌની ફરજ છે. સરકારના સુશાસનના ૫ વર્ષ નિમિત્તે “વિશ્વ આદિવાસી દિવસ” તરીકે ઉજવણી કરીને સરકાર પણ આપણી સાથે છે. એવો સ્પસ્ટ સંદેશો આપવાનો પ્રયત્ન કર્યો, એક તરફ સારું પણ છે, દરેક રાજકીય પાર્ટીઓએ કાર્યક્રમ આયોજન કરીને આદિવાસીઓ પડખે ઉભા છીએ તેવું બતાવવા માટે થાય તેટલો પ્રયત્ન કર્યો, આખરે આપણે સમગ્ર ગુજરાતભરમાં આદિવાસી દિનની ઉજવણી પૂર્ણ કરી,  મારું અંગત માનવું છે કે આદિવાસી દિનની ઉજવણી કોઈને ખુંચતી તો નથી ને..? શું કોઈ સરકારની મજબૂરી છે કે પછી કોઈ ચાલ  તેમણે પણ આ દિન ઉજવવો પડ્યો..?  ચાલો ઉજવણી તો કોઈપણ કરે પણ હોડીંગ્સ અને સ્ટેજ બેનરોમાં અમારા જનનાયક અને રોબીનહુડ ગાયબ અને નેતાઓ ના ફોટોગ્રાફ્સ.! 

હું આદિવાસી એક પણ મારી ઓળખ અનેક સરકારી ચોપડે થી મારી ઓળખ ભુંસાઈ રહી છે, મારા અનેક નામો અપાય રહ્યા છે, રાજકારણ અને  ધર્મ દ્વારા મારા ભાગલાં પડી રહ્યા છે, રાજકીય પાર્ટીઓ મને પોતાનો સ્ટેમ્પ બનાવવા માંગે છે, મારા શુભેચ્છકો, શુભ ચિંતકો  આટલા બધાં  તેમ છતા હું આદિવાસી આજે મારા અસ્તિત્વ માટે સંઘર્ષ કરી રહ્યો છું,  મને આજે પણ આશા છે, એક દિવસ નક્કી મારો માનસીક વિકાસ થશેઃ હું શિક્ષીત અને જાગૃત થઈશ:

સરકાર દ્વારા આદિવાસી સમાજ માટેની સ્ક્રીપ્ટ: (કાર્યક્રમ પુરતી)

આદિવાસી લોકોના ઉત્કર્ષ માટે સરકાર અવિરત કામ કરી રહી છે. શિક્ષણ, ખેતી, આરોગ્ય, વિજળી વિગેરે ઈન્ફ્રાસ્ટ્રકચરના અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. જેથી દરેક આદિવાસીઓનો સામાજિક, સર્વાંગી વિકાસ થઇ શકે: એક જીલ્લા લેવલના કાર્યક્રમમાં મુખ્ય અથિતિ સ્થાને થી સંબોધન કરેલ મંત્રીશ્રીના બે બોલ…મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું કે, ગુજરાતની ગૌરવવંતી આદિવાસી સંસ્કૃતિની પરંપરાને જીવંત રાખવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આદિવાસીઓનો ભવ્ય અને ગૌરવવંતો ઇતિહાસ છે. વર્તમાન સરકારને આદિવાસીઓ પ્રત્યે સંવેદના છે. આદિવાસીઓમાં આઝાદી પહેલાંથી જ રાષ્ટ્રભક્તિ રહેલી છે. તેઓએ અંગ્રેજો અને મોગલો સામે આઝાદી માટે શહીદી વ્હોરી છે. એવા આદિવાસી સમાજના સમતોલ વિકાસ માટે સરકાર સંકલ્પબદ્ધ છે. આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે સરકારે છેલ્લા ૧૩ વર્ષમાં અંબાજીથી ઉમરગામ સુધીની પટ્ટીમાં ૧૪ જિલ્લામાં ૫૩ તાલુકાના ૮૫૮૪ ગામોમાં વનબંધુ યોજના હેઠળ રૂ. ૧૨૦૦ કરોડના કામો કર્યા છે. તથા આગામી પાંચ વર્ષમાં રૂપિયા એક લાખ કરોડની વનબંધુ કલ્યાણ તથા અન્ય યોજનાઓ અંતર્ગત રૂ. ૫૭૭૯૬ કરોડનો ખર્ચ કર્યા છે. તેમ જણાવી આદિવાસી સમાજ કોઈ પણ પડકારોને ઝીલી વૈશ્વિક સ્તરે અગ્રેસર બની સમૃદ્ધ સમાજ અને રાષ્ટ્ર ઘડતરમાં સહયોગી બનશે તેવી આશા વ્યક્ત કરી હતી. આ મંત્રીશ્રીનું ભાષણ હતું.

કદાચ પેલું લોકગીત મારાં માટે બન્યું હોય તેમ લાગે છે, “હરી તારા નામ છે હજાર કયા નામે લખવી કંકોત્રી”..? આજે પણ હું આદિવાસી મારા આર્થિક વિકાસ માટે ધક્કા ખાઉં છું, મહેનત મજુરી કરૂ છું, સ્વાસ્થ્ય સેવા, શિક્ષણ માટે આજે પણ જમીન વેચું છું, ગીરે મુકુ છું, લોન લઉં છું, પશુધન વેચું છું, આજે પણ મારા રક્ષણ માટેના વિશેષ કાયદાઓનો મારાપર દુર ઉપયોગ થાય છે, 

હું અને મારો આદિવાસી સમાજ અમે ગુજરાતમાં ૧૪ થી ૧૫ % ચોપડે વસ્તી ધરાવીએ છીએ, તેમ છતા આજે પણ આર્થિક વિકાસ થી વંચિત છું. મને નથી ખબર હું વંચિત છું કે રખાયો છું..?  મને સંવિધાન વિશેષ અધિકાર આપે છે, મને કાયદો વિશેષ સ્વરક્ષણ આપે છે છતા હું કે પછાત..?  મને ખબર નથી વધુ આંકડાકીય માયા જાળની પણ મારું ગણિત સરળ છે, કુલ બજેટમાં મારો હિસ્સો કેટલાં ટકા.?  જો સરકાર પાછલા 5 વર્ષમાં મારી આદિવાસી સમુદાય પાછળ આગામી પાંચ વર્ષમાં રૂપિયા એક લાખ કરોડની વનબંધુ કલ્યાણ તથા અન્ય યોજનાઓ અંતર્ગત રૂ. ૫૭૭૯૬ કરોડનો ખર્ચ કર્યા છે. તો  આ મંત્રીશ્રી મહોદય નો દાવો કેટલો સાચો?  માથાદીઠ  આદિવાસી વસ્તીને વહેચવામાં આવે તો ૨૦૦૧ની વસ્તી ગણતરી મુજબ દરેક ૭૪.૮૧ લાખ આદિવાસી દીઠ એકને કેટલાં ભાગે આવે..?  અહિયાં તો ફક્ત મારું નામ જ નહિ મારી ગ્રાન્ટ પણ બીજા ચોરી જતાં હોય એવું લાગે છે,

ગુજરાત રાજ્ય  આદિવાસીઓની બહોળી વસ્તી ધરાવનારાં રાજ્યોમાંનું એક છે. ગુજરાતમાં આદિવાસીઓની વસ્તી 1981ની વસ્તીગણતરી પ્રમાણે 48.48 લાખ  હતી, જે ગુજરાતની કુલ વસ્તીના 14.23% થાય છે. આમ ગુજરાતમાં દર સાત વ્યક્તિએ એક આદિવાસી છે અને ભારતના દર દસ આદિવાસીએ એક આદિવાસી ગુજરાતનો છે. વર્ષ ૧૯૯૧ ની વસ્તી ગણતરીમાં આદિવાસી જન સંખ્યા  ૬૧.૬૨ લાખ હતી, અને વર્ષ ૨૦૦૧ ની વસ્તી ગણતરી મુજબ સરકારી આકડો ગુજરાતની કુલ વસ્તી ૫૦૬.૧૧ લાખની જન સંખ્યા આદિવાસીઓની વસ્તી આંક ૭૪.૮૧ લાખ બતાવવામાં આવી છે, જે સમગ્ર વસ્તી માં ૧૫% વસ્તી (આશરે) આદિવાસીઓ  ધરાવે છે, ૧૯૮૧ થી લઇ ૨૦૦૧ સુધીમાં આદિવાસીઓની જનસંખ્યા માં જે વધારો થવો જોઇએ તે થયો નથી, અને ૨૦૧૧ વસ્તી ગણતરી નો આંક ચોકાવનારો છે, કુલ રાજ્ય ની વસ્તી ૬ કરોડ આશરે તેમાં  કુલ આદિવાસીઓની  ટકાવારી 14.75% બતાવવામાં આવી છે,   બાબત એ છે કે સ્ત્રીઓ પુરુષ ની બરોબર હતી તે ઘટીને આજે  ૩૮ લાખ પુરુષો અને ૩૭ લાખ સ્ત્રીઓ આદિવાસી સમાજની વસ્તીના આંક છે, ૧૫% થી ઘટીને 14.75 % પર આપણે આવી ગયાં,  મતલબ સાફ છે, બહુ જલ્દી આપને લુપ્ત થતી જાતિ માં આવી જઈશું,

ગુજરાતમાં છેક અંબાજીથી ઉંમરગામ સુધીના બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સૂરત, નવસારી, તાપી, વલસાડ અને ડાંગ મળી કુલ ૧૪ જીલ્લાઓમાં વધુ  આદિવાસીઓ  વસવાટ કરે છે,  રાજ્યના કુલ ભૌગોલિક વિસ્તારના 14.31% જેટલા વિસ્તારને આવરતી, પટ્ટીમાં આદિવાસી વસ્તીનો ઘણો મોટો ભાગ (80.45%) વસે છે. પણ બે બિલાડીઓને  રોટલો વહેચતાં વાંદરાની વાર્તા દરેક સરકારોને સારી રીતે લાગુ પડે છે,

આખરે મને કોઈ સમજાવે કે પક્ષો મને આર્થિક, સામાજિક વિકાસ કરવાં કરોડો ખર્ચે છે, પણ શા માટે મારા માનસિક વિકાસ માટે શિક્ષીત થવા પર તેઓને પેટમાં દુખે છે…?  મને નથી સમજાતું જો તમે અમને પ્રકૃતિ સાથે જીવનારા સમજો છો, અમે ભારતના મૂળ માલિક છીએ એવું કહો છે, તો શા માટે અમને પ્રકૃતિ થી જુદા પાડો છો..? શા માટે લાઠીચાર્જ કરી ને દારૂ ગોળા છોડો છો..? અમને પક્ષ દ્વારા, ધર્મ દ્વારા, વિસ્તાર દ્વારા શા માટે જુદા પાડો છો ..?  ઈતિહાસ સાક્ષી આપે છે આદિવાસી હજારો વર્ષોથી સંઘર્ષ કરતો આવ્યો છે, હજુ પણ કરે જ છે, એમ  મારું માનવું છે, જો આજે આદિવાસી એક નહિ થાય ત્યાં સુધી આપણા હક્કનું બીજા ખાતા જ રહશે; હું આદિવાસી મારે જાગૃત થવાની જરૂરત છે, મારે વાડા વાદની ચાલને સમજી લેવાની જરૂરત છે, શા માટે આદિવાસીઓ ગ્રુપોમાં ફસાયેલા છે.?  હું સુનીલકુમાર ગામીત આપ સર્વે ભાઈ બહેનોને  આદિવાસી દિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવું છું. (આ લેખ ફક્ત આદિવાસી સમાજની જાગૃતિ માટે છે)

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है