
શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
આગામી ૨૭મી એ યોજાનાર વન રક્ષક વર્ગ-૩ની પરીક્ષા સંદર્ભે જિલ્લા ક્લેકટર એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ:
સ્માર્ટ ફોન, સ્માર્ટ પેન, સ્માર્ટ વોચ સહિત ફોરવ્હીલર ગાડીની મેગ્નેટીક ચાવી પરીક્ષા ખડંમાં લઇ જઇ શકાશે નહિં;
વ્યારા-તાપી: ગુજરાત યુનિવર્સિટી પ્રોફેશનલ પરીક્ષા સમિતિ દ્વારા વન રક્ષક વર્ગ-૩ની જગ્યાઓ માટે લેખિત પરીક્ષાનું આયોજન તાપી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આગામી તા.૨૭-૦૩-૨૦૨૨ના રોજ બપોરે ૧૨.૦૦ થી ૦૨.૦૦ કલાક સુધી પરીક્ષા યોજાશે તાપી જિલ્લામાં આ પરીક્ષાઓ ગેરરીતી વગર અને શાંતિપૂર્ણ માહોલમાં યોજાઇ તેના સુચારૂ આયોજનના ભાગરૂપે જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડિયા, નાયબ વન સંરક્ષક આનંદ કુમારની ઉપસ્થિતિમાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે જિલ્લા સેવાસદનના સભાખંડમાં બેઠક યોજાઇ હતી.
કલેકટરશ્રીએ ઉપસ્થિત ઓબઝર્વર તથા તકેદારી અધિકારીઓને સંબોધતા જણાવ્યું હતું કે, કોઇ પણ ઉમેદવાર સ્માર્ટ ફોન, સ્માર્ટ પેન, સ્માર્ટ વોચ, કેલ્ક્યુલેટર, અન્ય કોઇ ઇલેકટ્રોનિક આઇટમો તથા ફોરવ્હીલર ગાડીની મેગ્નેટીક ચાવી પણ પરીક્ષા ખંડમાં લઇને ના પ્રવેશે તેનું ખાસ ધ્યાન રાખવું. પરીક્ષા કેંદ્ર ખાતે સીસીટીવીમાં રેકોર્ડીંગ થનાર હોય વિજ પુરવઠો સતત ચાલુ રહે તે માટે તકેદારી રાખવા જણાવ્યું હતું. આ ઉપરાંત વિદ્યાર્થીઓ માટે સમયસર બસની સુવિધા, માસ્ક, સેનીટાઇઝર અને મેડિકલ ટીમ દ્વારા થર્મલ ગન દ્વારા સ્ક્રીનીંગ સહિત ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવા સંબંધિત અધિકારીઓને સુચનો કર્યા હતા.
બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રી દ્વારા પ્રેશનટેશનના માધ્યમથી ઉપસ્થિત સૌને પરીક્ષાને અનુલક્ષીને વિગતવાર માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, તાપી જિલ્લામાં પરીક્ષા અર્થે ૧૪ કેન્દ્રો ખાતે ૧૮ બિલ્ડિંગ અને ૨૦૫ બ્લોક નકકી કરવામાં આવ્યા છે. જેમાં ૬૧૫૦ ઉમેદવારો પરીક્ષાઓ આપશે. તેમણે અગત્યની માર્ગદર્શક સુચનાઓ આપી સમગ્ર પ્રક્રિયા કોઇ પણ ગેરરીતિ વિના, શાંતિપૂર્ણ માહોલમાં અને સફળતાપુર્વક સંપન્ન થાય તેની જવાબદારી દરેક કર્મચારી/અધિકારીની છે એમ ઉમેર્યું હતું.
બેઠકમાં નિમવામાં આવેલ ઓબઝર્વર, તેકેદારી અધિકારીઓ, સહિત ઉચ્ચ અધિકારી/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.