
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઈ માહલા
આહવા: તા: ૮: સંવેદનશીલ રાજ્ય સરકારની ‘મુખ્યમંત્રી બાળ સેવા યોજના’ના ડાંગ જિલ્લાના ૧૧ લાભાર્થીઓને સહાયના ચેકો અર્પણ કરતા ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિત, ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ, અને કલેકટર શ્રી ભાવિન પંડ્યા સહિતના મહાનુભાવોએ ‘કોરોના’ ને કારણે માતાપિતાની છત્રછાયા ગુમાવનારા કમનસીબ બાળકોને ખુબ જ સંવેદના સાથે રાજ્ય સરકાર સધિયારો પૂરો પાડી રહી છે, તેમ જણાવી જિલ્લાના પાત્રતા ધરાવતા એક પણ બાળક આ યોજનાના લાભથી વંચિત ન રહે તેની તકેદારી દાખવવાની અપીલ કરી છે.
વૈશ્વિક મહામારી કોવિડ-૧૯ના સમયગાળા દરમિયાન એટલે કે માર્ચ ૨૦૨૦ થી ડાંગ જિલ્લામા ‘કોરોના’ ને કારણે માતાપિતા બંને ગુમાવનાર અનાથ બાળકો માટે રાજ્ય સરકાર દ્વારા સંવેદનાસ્પર્શી નિર્ણય લઈને ‘મુખ્યમંત્રી બાળ સેવા યોજના’ શરુ કરવામા આવી છે. જે અંતર્ગત ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના ૪ લાભાર્થી બાળકો સહીત વઘઈના ૨, અને આહવા તાલુકાના પાંચ બાળકોને સહાય ચુકવવામા આવી છે. આ ઉપરાંત ભારત સરકારના ‘બાળ સ્વરાજ પોર્ટલ’ ઉપર જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા ‘એક વાલી’ ધરાવતા અન્ય ૫૬ બાળકોની પણ માહિતી રજુ કરવામા આવી છે. જેમને પણ બાળ સુરક્ષા વિભાગની અન્ય યોજનામા નિયત કરાયેલા લાભો મળવાપાત્ર થશે. તેમ કાર્યક્રમના અધ્યક્ષ એવા કલેકટર શ્રી ભાવિન પંડ્યાએ જણાવ્યુ હતુ. તેમણે લાભાર્થી બાળકોને શૈક્ષણિક કીટનુ પણ વિતરણ કર્યું હતુ.
ડાંગ જિલ્લા સેવા સદનના વિડીયો કોન્ફરન્સ હોલ ખાતે ‘કોરોના સંક્રમણ માટેની જાહેર થયેલી માર્ગદર્શિકા’ અનુસાર યોજાયેલા નાનકડા કાર્યક્રમ દરમિયાન ઉક્ત મહાનુભાવો ઉપરાંત નિવાસી અધિક કલેકટર શ્રી પદ્મરાજ ગામીત, જિલ્લાની બાળ કલ્યાણ સમિતિના ચેરમેન શ્રીમતી હંસાબેન પટેલ તથા સભ્યો, જુવેનાઈલ જસ્ટીસ બોર્ડના સભ્યો, અગ્રણી સામાજિક કાર્યકરો અને આગેવાનો એવા આહવાના સરપંચ શ્રી હરિરામ સાવંત, તાલુકા પ્રમુખ શ્રીમતી કમળાબેન રાઉત, અને જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમતી નીલમબેન ચૌધરી, સંબંધિત વિભાગના અધિકારીઓ, લાભાર્થીઓ અને તેમના પાલકો વિગેરએ ઉપસ્થિત રહી તેમની ભૂમિકા અદા કરી હતી. કાર્યક્રમનુ આયોજન તથા વ્યવસ્થા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી જીગ્નેશ ચૌધરી તથા બાળ સુરક્ષા અધિકારી શ્રી ચિરાગ જોશી તથા તેમની સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી. રાજ્ય કક્ષાએ મુખ્યમંત્રીશ્રી સહીત સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી શ્રી ઈશ્વરભાઈ પરમાર તથા મહાનુભાવોએ દ્રશ્ય શ્રાવ્ય માધ્યમથી રાજ્યના તમામ જિલ્લાઓને માર્ગદર્શિત કરીને કાર્યક્રમનો ઉદ્દેશ સ્પસ્ટ કર્યો હતો.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આ વેળા ‘મુખ્યમંત્રી બાળ સેવા યોજના’નો પ્રારંભ કરાવતા જણાવ્યુ હતુ કે, કોરોનામા માતાપિતાની છત્રછાયા ગૂમાવી નિરાધાર બનેલા બાળકોનો આધાર આ સરકાર બની છે. બાળકનો ભવિષ્યનો વિચાર કરીને રાજ્ય સરકાર ‘મુખ્યમંત્રી બાળ સેવા યોજના’ થી નિરાધાર બાળકની પાલક બની છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતમા તા.૧૮ માર્ચ ૨૦૨૦ના દિવસે પ્રથમ કોરોના કેસ નોંધાયો ત્યારથી લઇને અત્યાર સુધીમા કોરોનાથી માતાપિતાનુ અવસાન થતા નિરાધાર બનેલા, છત્રછાયા ખોઇ ચૂકેલા રાજ્યભરના ૭૭૬ બાળકોને દર મહિને રૂ.૪૦૦૦/- સહાય લેખે આ યોજના હેઠળ કુલ રૂ. ૩૧ લાખ ૪ હજાર રૂપિયા લાભાર્થી બાળકોના બેંક ખાતામાં જમા કરાવ્યા હતા.
શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યુ હતુ કે, જ્યા સુધી કોરોના મહામારી રહેશે ત્યા સુધી આવા બાળકો જેમણે પોતાના માતાપિતા ગુમાવ્યા હશે કે માતાપિતાનુ અવસાન કોરોના દરમિયાન થશે, તેવા બાળકોને રાજ્ય સરકાર આ સહાય આપશે. તેમણે કેન્દ્રની પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની સરકારે દેશમા કોરોના મહામારીમા માતાપિતાની છત્રછાયા ગૂમાવી આધાર વિહોણા બનેલા બાળકો માટે પીએમ કેર ફંડમાંથી સહાય આપવાની સંવેદનાસ્પર્શી જાહેરાતને દિન દુ:ખીયાના આંસુ લૂછવાની સંકલ્પબદ્ધતા ગણાવી હતી.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ઉમેર્યું હતુ કે, નિરાધાર બાળકોનું ભાવિ રોળાઇ ન જાય તેની સંપૂર્ણ સંવેદનાથી બાળકના વાલી બનીને આ ‘મુખ્યમંત્રી બાળ સેવા યોજના’થી દર મહિને ૪૦૦૦ની સહાયથી બાળકના આધાર બનવાનો સેવા યજ્ઞ આ રાજ્ય સરકારે આદર્યો છે. તેમને વધુમા કહ્યુ હતુ કે, ‘મુખ્યમંત્રી બાળ સેવા યોજના’નો લાભ ૦ થી ૧૮ વર્ષ સુધીની વયના જે બાળકોના માતા-પિતાનું કોરોનાના સમયગાળામા અવસાન થયું હોય તેવા બાળકોને આવક મર્યાદા ધ્યાનમા લીધા સિવાય દર મહિને રૂ.૪૦૦૦/- ની સહાય રાજ્ય સરકાર આપશે તેમ જણાવી, જે બાળકને ૧૮ વર્ષ પૂર્ણ થયા પછી પણ અભ્યાસ ચાલુ હશે તેવા બાળકને ર૧ વર્ષ સુધી ‘આફટર કેર યોજના’મા આવરી લઇ દર મહિને રૂ.૬ હજારની સહાય સરકાર આપશે. ઉપરાંત ઉચ્ચ અભ્યાસ સાથે જોડાયેલા આવા બાળકો યુવક/યુવતિઓને ર૪ વર્ષ કે અભ્યાસના વર્ષ પૂર્ણ થાય તેમાંથી જે વહેલું હોય ત્યા સુધી ‘આફટર કેર યોજના’મા પ્રતિમાસ રૂ.૬ હજાર ની સહાય મળશે એમ પણ ઉમેર્યું હતું.