
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ
ડાંગ જિલ્લામાં શાંતિ પૂર્ણ માહોલમાં સવારે ૭ વાગ્યાથી મતદાન થયું શરૂ:
ગ્રામ્ય વિસ્તારોમાં મતદારોમાં મતદાનને લઈને જોવા મળ્યો ભારે ઉત્સાહ:
યુવા મતદારો સહિત વયોવૃદ્ધ મતદારો પણ મોટી સંખ્યામાં મતદાન મથકે પહોંચ્યા:
જિલ્લા/તાલુકાની ૬૫ બેઠકો માટે કુલ ૧,૯૩,૫૮૮ મતદારો કરશે મતાધિકારનો ઉપયોગ;
પ્રદિપ ગાંગુર્ડે, ડાંગ : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૬ને લઇ, ડાંગ જિલ્લામાં આજ રોજ વહેલી સવારે ૭ વાંગ્યા થી શાંતિ પૂર્ણ માહોલમાં મતદાન શરૂ થયું છે. ડાંગ જિલ્લાની જિલ્લા પંચાયતની ૧૮ બેઠકો માટે ૫૨ અને ત્રણ તાલુકા પંચાયતોની કુલ ૪૭ બેઠકો માટે કુલ ૧૧૬ ઉમેદવારોની ચૂંટણી યોજાઇ રહી છે. જેમાં વહેલી સવાર થી જ મોટી સંખ્યામાં મતદારો મતદાન કરવા પહોચ્યાં છે. યુવા મતદારો સહિત વયોવૃદ્ધ મતદારો પણ મોટી સંખ્યામાં મતદાન મથકે પહોંચી લોકશાહીમાં પોતાની ભાગીદારી નોંધાવી રહ્યાં છે.

ડાંગમાં જિલ્લા પંચાયતની ૧૮ બેઠકો માટે -૫૨ (બાવન) ઉમેદવારો, આહવા તાલુકા પંચાયતની ૧૫ બેઠકો માટે-૩૨, વઘઈ તાલુકા પંચાયતની ૧૬ બેઠકો માટે-૪૦, અને સુબિર તાલુકા પંચાયતની ૧૬ બેઠકો માટે આજે મતદાન થઇ રહ્યું છે. ચૂંટણી પ્રક્રિયાના આ કામ માટે જિલ્લા ચૂંટણી અધિકારી સુશ્રી શાલિની દુહાનના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્રની સમગ્ર ટીમ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિ પૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવેલ છે.

ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લામાં નોંધાયેલા ૯૭ હજાર ૯૩૯ પુરૂષ મતદાર, અને ૯૫ હજાર ૬૪૭ સ્ત્રી મતદારો મળી કુલ કુલ ૧ લાખ ૯૩ હજાર ૫૮૬ મતદારો નોંધાયેલા છે. જેમાં આહવા તાલુકામાં ૪૦ હજાર ૮૬૫ પુરૂષ મતદાર અને ૩૯ હજાર ૯૭૯ સ્ત્રી મળી કુલ ૮૦ હજાર ૮૪૪ મતદારો, વઘઇ તાલુકામાં ૨૮ હજાર ૪૬૨ પુરૂષ મતદાર અને ૨૮ હજાર ૫૯૧ સ્ત્રી મતદારો મળી કુલ ૫૭ હજાર ૦૫૩ મતદારો, તથા સુબીર તાલુકામાં ૨૮ હજાર ૬૧૨ પુરૂષ મતદાર અને ૨૭ હજાર ૦૭૯ સ્ત્રી મતદાર મળી કુલ ૫૫ હજાર ૬૯૧ મતદારો આજે લોકશાહીના આ પર્વમાં પોતાની ભાગીદારી નોંધાવી રહ્યાં છે.

ડાંગ જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કુલ ૩૩૭ મતદાન મથકોએ શાંતિ પૂર્ણ માહોલમાં સવારે ૭ વાગ્યાથી મતદાન શરૂ થયું છે. મતદાન માટે લોકોમાં અનેરો ઉમળકો અને ઉત્સાહ જોવા મળ્યો હતો. મતદારો વહેલી સવારથી જ મતદાન મથકો પર ઉમટયા હતા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

આ સાથે જ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને વહીવટી તંત્ર દ્વારા લોકોને ચૂંટણીનાં પર્વમાં વધુમાં વધુ ભાગ લઈને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરાઈ હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિ પૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે.



