
શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
એકતાનગર (કેવડીયા) ખાતે ભારી ઉદ્યોગ મંત્રાલય દ્વારા ઇન્ડસ્ટ્રી-૪.૦ નેશનલ કોન્ફરન્સ યોજાઈ;
ગુજરાતના એકતાનગરમાં ભવિષ્યના પડકારો માટે સજ્જ બનતું ભારી ઉદ્યોગ મંત્રાલય;
કેન્દ્રીય ભારી ઉદ્યોગ મંત્રાલયના મંત્રીશ્રી ડૉ. મહેન્દ્રનાથ પાંડે અને રાજ્ય મંત્રીશ્રી ક્રિષ્ણપાલ ગુર્જર, ભારી ઉદ્યોગ મંત્રાલયના સચિવશ્રી અરૂણ ગોયલ સહિત વરિષ્ઠ કેન્દ્રીય સચિવશ્રીઓ, ઉદ્યોગ ક્ષેત્રની વિવિધ પ્રતિભાઓ અને વિવિધ ઉદ્યોગના પ્રતિનિધિશ્રીઓની ઉપસ્થિતિમાં અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલ સાહેબની વિશ્વમાં સૌથી ઉંચી પ્રતિમા સ્થળ એકતાનગર (કેવડીયા), ટેન્ટસીટી-૨ ખાતે આજે કેન્દ્રીય ભારી ઉદ્યોગ મંત્રાલય દ્વારા ઇન્ડસ્ટ્રી-૪.૦ વિષય પર યોજાયેલી પરિષદ ખૂલ્લી મુકાઇ હતી. ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ પણ ગાંધીનગર ખાતેથી આ પરિષદમાં વર્ચ્યુઅલી જોડાઇને તેમાં સહભાગી બન્યાં હતાં. ભારે ઉદ્યોગ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ, ઓટોમોબાઈલ ક્ષેત્રના ઉદ્યોગ અગ્રણીઓ અને ટેકનિકલ નિષ્ણાંતોએ પણ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. કર્ણાટકના બેંગલોર સહિત દેશના વિભિન્ન ભાગોમાંથી પણ જુદા જુદા મહાનુભાવો આ પરિષદમાં ઓનલાઇન જોડાયાં હતાં. આ પરિષદમાં ભવિષ્યના પડકારો સંદર્ભે ઉદ્યોગને ડિજીટલ મેન્યુફેક્ચરીંગ માટે સંવેદનશીલ બનાવવા તેમજ વિકસીત ભારતના નિર્માણ માટે ઓટોમેશન અને ઇનોવેશન ઉદ્યોગને પ્રોત્સાહન આપવા વગેરે જેવી બાબતોની ચર્ચા-વિચારણા કરાશે.
આ પ્રસંગે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી તરફથી આજની ઈન્ડસ્ટ્રી ૪.૦ પરિષદ માટે પાઠવાયેલ શુભેચ્છા સંદેશનું કેન્દ્રીય સંયુક્ત સચિવશ્રી દ્વારા વાંચન કરાયું હતું.
ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે તેમના વર્ચ્યુઅલ સંબોધનમાં વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને એક ભારત-શ્રેષ્ઠ ભારતના વિચારક વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી નિર્માણ પામેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં ઇન્ડસ્ટ્રી-૪.૦ ની યોજાયેલી મહત્વપૂર્ણ પરિષદમાં ગુજરાત અને કર્ણાટકને નવી ઇલેક્ટ્રીક બસ સુવિધા પ્રાપ્ત થવા બદલ ગુજરાત અને કર્ણાટકની જનતાને શુભેચ્છા પાઠવવાની સાથે કેન્દ્ર સરકાર અને પ્રધાનમંત્રીશ્રી પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.