રાષ્ટ્રીય

ઉપરાષ્ટ્રપતિ જગદિપ ધનખડે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ સરદાર પટેલની પ્રતિમાના ચરણોમાં પુષ્પાર્પણ કર્યા :

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર 

સ્ટેચ્યુ ઓફ યુનિટી આપણને સ્વાતંત્ર્ય સેનાનીઓની સિદ્ધિઓ અને મહાન બલિદાનની યાદ અપાવે છે :- ઉપરાષ્ટ્રપતિ શ્રીમાન જગદિપ ધનખડ

સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈને ઉર્જા, સ્ફૂર્તિ, ઉત્સાહ અને પ્રેરણાની અનુભૂતિ થઇ રહી હોવાનું જણાવતા ઉપરાષ્ટ્રપતિ શ્રીમાન જગદિપ ધનખડ

ઉપરાષ્ટ્રપતિશ્રી જગદિપ ધનખડે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ સરદાર પટેલ સાહેબની વિરાટ પ્રતિમાના ચરણોમાં પુષ્પાર્પણ સાથે કરી ભાવવંદના.

આરોગ્યવનની મુલાકાત લઇને ઉપરાષ્ટ્રપતિશ્રી થયા અભિભૂત-ખાટીભીંડી શરબતનો ઉઠાવ્યો લુત્ફ.


રાજપીપલા :- ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રીમાન જગદિપ ધનખડે આજે તેમની ગુજરાતની મુલાકાત દરમિયાન નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલ સાહેબની વિશ્વની સૌથી ઉંચી ૧૮૨ મીટરની પ્રતિમા સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ અતિ વિરાટ સરદાર સાહેબની પ્રતિમાના ચરણોમાં પુષ્પ અર્પણ કરી ભાવવંદના કરી હતી.

સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં ઉપરાષ્ટ્રપતિશ્રી જગદિપ ધનખડ આવી પહોંચતા સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરીટી તરફથી મુખ્ય કારોબારી અધિકારીશ્રી રવિશંકર દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતુ.ઉપસ્થિત ગાઇડ શ્રી મયુર રાઉલ દ્વારા સંસ્કૃત ભાષામાં શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યુ હતુ. ત્યારબાદ ઉપરાષ્ટ્રપતિશ્રી જગદીપ ધનખડે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં આવેલ સમગ્ર દેશમાંથી એકત્રિત કરવામાં આવેલી માટીમાંથી નિર્માણ પામેલ વોલ ઓફ યુનિટીની પણ મુલાકાત લીધી હતી, બાદમાં સરદાર સાહેબના જીવનની ઝાંખી કરાવતા પ્રદર્શનની પણ મુલાકાત લીધી હતી. પ્રદર્શનમાં સરદાર વલ્લભભાઇ પટેલ સાહેબના જીવન-કવન અંગેનું તસ્વીરી પ્રદર્શન પણ તેઓશ્રીએ રસપૂર્વક નિહાળ્યું હતું. સમગ્ર દેશમાંથી એકત્રિત કરવામાં આવેલ લોખંડમાંથી નિર્માણ કરવામાં આવેલ પ્રતિકૃતિની મુલાકાત લઇ રસપૂર્વક નિરીક્ષણ કર્યું હતું. તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરી ખાતેથી લોકમાતા નર્મદા તથા વિંધ્યાચલ અને સાતપુડાની ગિરિમાળાના દર્શન સાથે પ્રાકૃતિક સૌંદર્યનો નજારો માણ્યો હતો.

મા નર્મદાના દર્શનથી પવિત્રતાની અલૌકિક ઉંચાઇએ પહોંચ્યાની અનુભૂતિ પણ કરી હતી, આ તકે પ્રતિમાના નિર્માણના તકનીકી પાસાંઓ સહિતની જરૂરી વિગતો ઉપરાષ્ટ્રપતિને પૂરી પાડવામાં આવી હતી. ત્યારબાદ અતિ વિરાટ સરદાર સાહેબની વિરાટ પ્રતિમાના ચરણોમાં પુષ્પાંજલી અર્પી અખંડ રાષ્ટ્રના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલ સાહેબની ભાવવંદના કરી હતી.

ઉપરાષ્ટ્રપતિશ્રી જગદિપ ધનખડે મુલાકાતપોથીમાં પોતાના પ્રતિભાવમાં જણાવ્યુ હતુ કે, ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના ચરણોમાં – ભારતની સેવામાં ધન્ય, સ્ફૂર્તિ, ઉર્જા, ઉત્સાહ અને પ્રેરણાની અનુભૂતિ થઈ. લોખંડી પુરૂષ અને ભારતને એકીકૃત કરનારને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ, સરદાર સાહેબની પ્રતિમા અને સંગ્રહાલય આપણને સ્વતંત્રતા સેનાનીઓની ઐતિહાસિક સિદ્ધિઓ અને મહાન બલિદાનોની યાદ અપાવે છે, તમામ દેશવાસીઓને, ખાસ કરીને યુવાનોને, રાષ્ટ્રીય તીર્થ સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર સાહેબની પ્રતિમાની મુલાકાત લેવા અને સરદારના જીવન, દ્રષ્ટિ, અદમ્ય વલણ અને આદર્શોથી પ્રેરિત થવા આહવાન કર્યુ છે.

ઉપરાષ્ટ્રપતિશ્રીની આ મુલાકાત દરમિયાન ઉપરાષ્ટ્રપતિના ધર્મપત્ની શ્રીમતી ડૉ. સુદેશ ધનખડ, ગુજરાતના માનનીય રાજયપાલ શ્રીમાન આચાર્ય દેવવ્રત, ગુજરાતના પ્રોટોકોલ રાજયમંત્રી શ્રી જગદીષ વિશ્વકર્મા (પંચાલ) જોડાયા હતા.

સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત બાદ સરદાર સરોવર નર્મદા ડેમની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમ્યાન સરદાર સરોવર નર્મદા ડેમના નિયામકશ્રી સી.વી.નાદપરાએ ડેમની તકનિકી જાણકારી પુરી પાડી હતી. શ્રી ધનખડે નર્મદા ડેમ મારફતે થઇ રહેલા લાભ અંગે જાણકારી મેળવી હતી.

આરોગ્ય વનની મુલાકાતે પહોચેંલા ઉપરાષ્ટ્રપતિશ્રીનું નાયબ વન સંરક્ષક શ્રી પ્રતિક પંડયા અને ડૉ. રામ રતન નાલાએ સ્વાગત કર્યુ હતુ, ત્યારબાદ મહાનુભાવોએ આરોગ્ય વનના ડીજીટલ ઇન્ફોર્મેશન સેન્ટર, ગાર્ડન ઓફ કલર, અરોમા ગાર્ડન, ઔષધ માનવ, આલ્બા ગાર્ડન, લ્યુટીયા ગાર્ડનની મુલાકાત લઇને અભિભૂત થયા હતા. આ સાથે આરોગ્ય વનના સેક્રેડ ગાર્ડનમાં ઉપરાષ્ટ્રપતિશ્રીના હસ્તે રુદ્રાક્ષના છોડનું વાવેતર કરાયું હતું.

ઉપરાષ્ટ્રપતિની એકતાનગરની મુલાકાત દરમ્યાન જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયા, જીલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, જીલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે, અધિક કલેકટર સર્વશ્રી હિમાંશુ પરીખ, શ્રી ધવલ જાની,  શ્રી સી.એ.ગાંધી,  નાયબ કલેકટર સર્વશ્રી શિવમ બારીયા, ડૉ. મયુર પરમાર સાથે રહ્યા હતા. 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है