
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ
ડાંગના વિકાસકામો સમયસર અને ગુણવત્તાયુક્ત પૂર્ણ કરવા સાંસદ ધવલ પટેલની તાકીદ:
દિનકર બંગાળ, આહવા: ડાંગ જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનીટરિંગ કમિટી (દિશા) ની યોજાયેલી બેઠકમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ વિકાસલક્ષી યોજનાઓની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.
વલસાડ-ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલે આ બેઠકમાં અધ્યક્ષ સ્થાનેથી ઉપયોગી માર્ગદર્શન આપતા, અગાઉની બેઠકના કાર્યવાહી નોંધનું વાચન અને બહાલી આપી, તેના પર થયેલ અમલીકરણની સમીક્ષા કરી હતી.
સાંસદ શ્રી પટેલે આગામી બેઠક માટે જિલ્લાના ત્રણેય તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓને એમના તાલુકાઓને લગતી સમસ્યા/પ્રશ્નો વિગેરે લેખિતમાં રજૂ કરી તેનું સમાધાન મેળવવાની હિમાયત કરી હતી. જિલ્લામા કોઈપણ કાર્યક્રમ કે પ્રોગ્રામ આયોજિત થાય તો તેનો મહત્તમ ઉપયોગ કરીને પ્રજાજનો સુધી સરકારી યોજનાઓનો લાભ પહોંચાડવાની તક ઝડપી લેવા પણ તેમણે જિલ્લાના અમલીકરણ અધિકારીઓને સૂચના આપી હતી.
દિશા જેવી અગત્યની બેઠકમાં ગેરહાજર રહેનાર અમલીકરણ અધિકારીઓ સામે નારાજગી વ્યક્ત કરતા તેમને નોટિસ તલબ કરવાની સૂચના પણ સાંસદશ્રીએ આપી હતી. જિલ્લામાં શાળાકીય બાંધકામમા ગુણવત્તા યુક્ત કામગીરી થાય અને પ્રજાકીય સુખાકારીના વિકાસ કાર્યોમાં કોઈ પણ સંજોગે ઢીલ કે કચાસ ચલાવી નહીં લેવાય તેવી ચેતવણી આપતાં શ્રી ધવલભાઈ પટેલે સમય મર્યાદામાં કામો પૂર્ણ કરવાની તાકિદ કરી હતી.
આ ઉપરાંત વિવિધ વિભાગો દ્વારા અમલમાં મુકાતી કેન્દ્ર પ્રાયોજિત અને રાજ્ય સરકારની મહત્વાકાંક્ષી યોજનાઓની પ્રગતિની વિસ્તૃત ચર્ચા પણ કરવામાં આવી હતી.
ચર્ચામાં ભાગ લેતા ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલ તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી રાજેશભાઈ ગામીતે જિલ્લાના પ્રશ્નો, સમસ્યાઓનો સત્વરે નિકાલ થાય અને પ્રજાજનોને સુશાસનનો અહેસાસ થાય તેવા અભિગમ સાથે પ્રજાકીય કાર્યો હાથ ધરવાની હિમાયત કરી હતી.
દરમિયાન ડાંગ કલેકટર શ્રી એન.ડી.પરમારે જિલ્લાના વિકાસ કાર્યો સમય મર્યાદામાં પૂર્ણ કરવા અમલીકરણ અધિકારીઓને સૂચના આપી હતી
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી એસ.ડી.તબિયારે બેઠકની કાર્યવાહી સંભાળી સાંસદશ્રી સહિતના મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું. અમલીકરણ અધિકારીઓએ પીપીટી મારફત તેમની કામગીરીની વિગતો રજૂ કરી સમીક્ષા હાથ ધરી હતી
સમીક્ષા હેઠળની યોજનાઓમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામિણ રોજગાર બાંહેધરી યોજના (મનરેગા), દીનદયાળ અંત્યોદય યોજના, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ), સ્વચ્છ ભારત મિશન, રાષ્ટ્રીય ગ્રામિણ પીવાના પાણી કાર્યક્રમ, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, રાષ્ટ્રીય આરોગ્ય મિશન, સર્વ શિક્ષા અભિયાન, સંકલિત બાળ વિકાસ યોજના, મધ્યાહન ભોજન યોજના, ડિજિટલ ભારત કાર્યક્રમ, રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના, પરંપરાગત કૃષિ વિકાસ યોજના, સોઇલ હેલ્થ કાર્ડ યોજના, પ્રધાનમંત્રી રોજગારી સર્જન કાર્યક્રમ, સુપોષણ ભારત અભિયાન, બેટી બચાવો-બેટી પઢાવો સહિત વિવિધ કલ્યાણકારી યોજનાઓનો સમાવેશ કરાયો હતો.
બેઠક દરમિયાન એપ્રિલ, મે અને જૂન જાન્યુઆરી ૨૦૨૬-૨૭ સમયગાળા દરમિયાન યોજનાઓના અમલીકરણ અને પ્રગતિની સમીક્ષા કરવા સાથે, અગત્યના પત્રો અને ઠરાવોની નોંધ પણ લેવામાં આવી હતી. તો અધ્યક્ષસ્થાનેથી સૂચિત અન્ય મુદ્દાઓ પર પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
આહવા ખાતે આયોજિત ‘દિશા’ કમિટીની બેઠકમાં જિલ્લા પંચાયતના વિવિધ શાખાના ચેરમેનશ્રીઓ, આહવા, વઘઈ, અને સુબીર તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ, પદાધિકારીઓ, સમિતિ સભ્યો વિગેરેએ ઉપસ્થિત રહી ચર્ચામાં ભાગ લીધો હતો.



