
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
આંગણવાડીના બહેનો સાચા અર્થમાં માતાયશોદા બનીને બાળકોની સાર-સંભાળ રાખે છે-જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા;
નર્મદા જિલ્લાની ૯૧ જેટલી આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને નિમણૂંક હુકમ એનાયત;
મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તાજેતરમાં આંગણવાડીના કાર્યકર અને તેડાગરની ઓનલાઈન ભરતી કરવામાં આવી છે. તે નિમિત્તે આજે રાજપીપલા ખાતે જિલ્લા પંચાયતના કોન્ફરન્સ હોલમાં નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવાના હસ્તે તેમજ મહિલા અને બાળ વિકાસ યુવા પ્રવૃત્તિના ચેરમેન શ્રીમતી શ્રદ્ધાબેન બારીયા, કારોબારી સમિતિના ચેરમેન શ્રીમતી મમતાબેન તડવી અને રસ્મિતાબેન વસાવાની ઉપસ્થિતિમાં ૯૧ જેટલી બહેનોને નિમણૂંક હુકમ એનાયત કરવામાં આવ્યાં હતાં.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવાએ પોતાના પ્રસંગોચિત ઉદબોધનમાં નર્મદા જિલ્લો આદિજાતિ અને એસ્પિરેશનલ જિલ્લો હોઇ, નાના બાળકોનો આરોગ્ય અને પોષણ જળવાઈ રહે અને ગુણવત્તાવાળું શિક્ષણ પણ મળી રહે તે માટે કામગીરી કરવા હાકલ કરી હતી. સગર્ભા અને ધાત્રી માતાઓને આરોગ્ય અને પોષણ વિશે જાણકારી આપવી તથા બાળકોમાં અને માતાઓની તંદૂરસ્તી તથા પોષણસ્તરમાં સુધારો કરવા માટે પ્રયાસરત રહેવા માટે સૂચન કર્યું હતું. તેની સાથોસાથ સોપવામાં આવેલ તમામ કામગીરી નિષ્ઠાપૂર્વક પૂર્ણ કરવાની હિમાયત કરી હતી. આંગણવાડીના બહેનો સાચા અર્થમાં માતાયશોદા બનીને બાળકોની સાર-સંભાળ રાખે છે. વિવિધ યોજનાઓનો મહત્તમ લાભ આંગણવાડીના લાભાર્થીઓને સમયસર મળી રહે તે માટે ખાસ કાળજી રાખવા શ્રીમતી વસાવાએ વધુમાં ઉમેર્યુ હતું.
કાર્યક્રમના અંતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, વિવિધ સમિતિઓના ચેરમેનશ્રી, સભ્યશ્રી, પ્રોગ્રામ ઓફિસર, વિવિધ ઘટકના બાળ વિકાસ યોજના અધિકારીશ્રી અને કર્મચારીઓ દ્વારા ઉપસ્થિત તમામ નવ નિયુક્ત આંગણવાડીના કાર્યકર અને તેડાગર બહેનોને શુભેચ્છાઓ પાઠવી હતી.