
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ , તાપી કીર્તનકુમાર
તાપી જિલ્લામાં બ્લોક લેવલ હેલ્થ મેળાના આયોજન અંગેની વિડિયો કોન્ફરન્સ યોજાઈ:
જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયાના અધ્યક્ષસ્થાને ઉચ્ચ અધિકારીઓ સાથે સુચારૂ આયોજન અંગે બેઠક યોજાઇ:
આગામી ૧૮ થી ૨૨ એપ્રિલ, ૨૦૨૨ દરમિયાન તમામ તાલુકાઓમાં હેલ્થ મેળા યોજાશે.
વ્યારા-તાપી: મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમીલી વેલ્ફેર વિભાગ, ન્યુ દિલ્હી દ્વારા આગામી ૧૮ થી ૨૨ એપ્રિલ, ૨૦૨૨ દરમિયાન ગુજરાત રાજ્યમાં દરેક બ્લોક લેવલે હેલ્થ મેળાનું આયોજન કરવામાં આવેલ છે. જે અન્વયે તાપી જિલ્લાના તમામ ૦૭ તાલુકામાં હેલ્થ મેળાના આયોજન સંબંધે મુખ્ય સચિવશ્રી અને કમિશ્નરશ્રી, આરોગ્ય, કુટુંબ કલ્યાણ અને તબીબી સેવા, ગાંધીનગરના અધ્યક્ષસ્થાને વિડિયો કોન્ફરન્સ યોજાઇ હતી. તાપી જિલ્લામાં બ્લોક લેવલ હેલ્થ મેળાના સુચારૂ આયોજન સંબંધે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયાના અધ્યક્ષ સ્થાને ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં નક્કી થયાનુંસાર તાપી જિલ્લામાં કૂલ-૦૭ બ્લોક હેલ્થ મેળા યોજવામાં આવશે. જેમાં તા.૧૮-૦૪-૨૦૨૨ના રોજ ઉચ્છલ તાલુકામાં પ્રાથમિક શાળા, નારણપુર ખાતે, તથા કુકરમુંડા તાલુકામાં જીવન શિક્ષણ પ્રાથમિક શાળા, ફુલવાડી ખાતે, તા.૧૯-૦૪-૨૦૨૨ના રોજ ડોલવણ તાલુકામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પંચોલ ખાતે, તા.૨૦-૦૪-૨૦૨૨ના રોજ સોનગઢ તાલુકામાં સામુહિક આરોગ્ય કેન્દ્ર, હિંદલા ખાતે, તા.૨૧-૦૪-૨૦૨૨ના રોજ વ્યારા તાલુકામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ચાંપાવાડી, અને નિઝર તાલુકામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, નિઝર ખાતે, તા.૨૨-૦૪-૨૦૨૨ના રોજ વાલોડ તાલુકામાં બલ્લુ કાકા સંકુલ, વિરપોર, બુહારી ખાતે હેલ્થ મેળા યોજાશે.
આ આરોગ્ય મેળા દરમ્યાન આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના વિવિધ પ્રોગ્રામો અને યોજનાઓ વિશે જનજાગૃતિ કરવામાં આવશે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આયુષ્યમાન ભારત કાર્ડ કાઢી આપવાની કામગીરી, વિવિધ કોમ્યુનિકેબલ અને નોન કોમ્યુનિકેબલ ડિસીઝ અંતર્ગત અટકાયતી પગલાં વિશે જનજાગૃતિ, પ્રાથમિક આરોગ્ય સંભાળ અને સેવાઓ અંતર્ગત ઝડપી નિદાન, દવાઓ, ટલીકન્સલ્ટેશન જેવી પ્રવૃત્તિઓ માટે સ્ક્રીનીંગ, આઇ.સી.ડી.એસ વિભાગ દ્વારા પોષણ સંબંધિત જાણકારી, ટીએચઆરનું વિતરણ, વાનગી પ્રદર્શન, તથા ફુડ સેફ્ટી વિભાગ દ્વારા “ઈટ રાઇટ” કેમ્પેઇન હેઠળ સુધ્ધ ખોરાક અને અશુધ્ધ ખોરાકને પારખવાની રીત, ભેળસેળ પારખવાની રીત વગેરે અંગે ડેમોનું પણ આયોજન કરવામાં આવશે. તમામ કાર્યક્ર્મોમાં વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
વિડિયો કોન્ફરન્સમાં મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.પોલ વસાવા, જિલ્લા ક્વોલિટી એસ્યોરેન્સ મેડીકલ ઓફિસરશ્રી ડૉ. કે.ટી. ચૌધરી, પ્રા.શિક્ષણાધિકારી જયેશ ચૌધરી, આઇ.સી.ડી.એસના ઇન્ચાર્જ પ્રોગ્રામ ઓફિસર તન્વી પટેલ, જિલ્લા રમત-ગમત અધિકારી અમરસિંહ રાઠવા, જિલ્લા યુવા વિકાસ અધિકારી અમૃતા ગામીત, સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.