શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24X7 વેબ પોર્ટલ
યુવા કર્મશીલ રોમેલ સુતરિયાની એક મિનિટની રીલથી જંગલ જમીનનો મુદ્દો લોકસભા ચુંટણી પહેલા ગરમાયો.
જો પુર્વજોના મંદિર-મસ્જીદ પાછા માંગી શકાય તો આદિવાસીઓ પુર્વજોના જંગલ જમીન પાછાં કેમ ના માંગે?
તાજેતરમાં જાણીતા કર્મશીલ રોમેલ સુતરિયા દ્વારા સોશિયલ મીડિયામાં સહજ ભાવે એક મિનિટનો વિડિયો રીલ ફોર્મેટમાં મુક્યો હતો. જે વિડિયો માં તેઓએ જણાવ્યું હતુ કે “હું આદિવાસી નથી પણ મને એક બહુ મઝાનો વિચાર આવ્યો કે આ દેશમાં બહુ જ બધા ધર્મના , સમુદાયના , જાતિના લોકો પોતાના પુર્ખોના મંદિર – મસ્જીદ પાછા માંગી રહ્યા છે. તો આદિવાસી સમાજ પોતાના પુર્ખોના જંગલો પાછાં કેમ ના માંગે ? મિત્રો જંગલોમાં જો તમે ખોદશો ને તો આજે પણ આદિવાસીયત બહાર આવશે. માંગો…! ફોરેસ્ટ રાઈટ એક્ટ અંતર્ગત ગુજરાતની અંદર ૧,૮૩,૦૦૦ જેટલા દાવાઓ થયેલા છે અડધાથી પણ વધારે દાવાઓ આજદિન સુધી ચકાસણીમાં છે. પણ હરામ બરાબર કોઈ નેતાને વિપક્ષનો હોય કે સત્તા પક્ષના એને આ વિચાર આવે કે જ્યારે પુર્ખોના મંદિર – મસ્જીદ પાછા મંગાઈ રહ્યા છે અમેય અમારા જંગલ જમીન પાછાં માંગીએ. તમે તો યુવાનો છો , નવું નેત્રુત્વ મજબૂત બનાવવાની વાત કરીએ છીએ. પુછો પ્રશ્ન? લોકસભાની ચૂંટણીઓ ટાણે. નમસ્કાર… “
આ શબ્દો થકી આદિવાસીઓના મનની વાત જાણે રોમેલ સુતરિયાએ કરી નાખી હોય તેમ ફેસબુક , ઈન્સ્ટાગ્રામ આને વોટ્સએપ પર ચારેકોર આ વિડિયો વાયરલ તો થયો પણ સામાન્ય ગામો અને ચાની કીટલીઓ ઉપર પણ જંગલ જમીન મુદ્દે લોકો ચર્ચા કરવા લાગ્યા. જંગલ જમીનનો મુદ્દે એક દાયકા પહેલાં આદિવાસીઓ ને રાજકીય પક્ષો અમે જંગલ જમીન અપાવીશું જેવા વાયદા સાથે પક્ષ – વિપક્ષ બધા રાજનીતિ કરતા હતા પરંતુ છેલ્લા ઘણા સમયથી મધ્યમ વર્ગીય નેત્રુત્વ બહાર આવતા જંગલ જમીનનો મુદ્દો રાજનીતિમાં આદિવાસીઓ ની જેમ હાંસિયામાં ધકેલાઈ ગયો હતો.ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ સમયે જંગલ જમીન આંશિક રીતે ચર્ચામાં આવ્યું પરંતુ જંગલ જમીનથી વધુ ધારાસભ્ય ચૈતર વસાવા વધુ ચર્ચામાં રહ્યા હતા.
સમગ્ર મામલે રોમેલ સુતરિયાનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે વર્ષ ૨૦૦૫ માં જંગલ જમીન અધિકાર અધિનિયમ આ દેશની સંસદમાં મંજુર કરવામાં આવ્યો હતો. તે વાતને હવે બે દાયકા થશે. કાયદા મુજબ સામુહિક CFR અર્થાત Community Forest Right અને વ્યક્તિગત એમ બે પ્રકારે જંગલો ઉપર કાયદેસર આદિવાસી સમુદાયને માન્યતા આપવા કાયદો ઘડવામાં આવ્યો હતો. કાયદાની પ્રસ્તાવના કહે છે ઊપનિવેશીક કાળ દરમિયાન આદિવાસી સમુદાય સાથે થયેલા અન્યાયને ન્યાયમાં પરિવર્તિત કરવા આ કાયદો ઘડવામાં આવ્યો છે. ત્રણ પેઢી અર્થાત ૭૫ વર્ષથી જંગલ જમીન ખેડતા આદિવાસી પરિવારોને કાયદા અંતર્ગત તે જંગલ જમીનનો કાયદેસર માલિકી હક્ક આપવા જોગવાઈ છે.
ગુજરાતભરમાં જંગલ જમીન અધિનિયમ ૨૦૦૫/૬ અંતર્ગત ૭,૦૦૦ સામુદાયિક CFR અને વ્યક્તિગત ૧,૮૩,૦૦૦ ની આસપાસ આદિવાસી સમુદાયના દાવાઓ થયેલા હતા જેમાંથી અડધાથી વધુ દાવાની ચકાસણીની પ્રક્રિયા કાયદો બન્યાના બે દાયકા પછી પણ બાકી છે. વિભીન્ન પ્રોજેક્ટમાં ભૂમિ અધિગ્રહણ થતાં રહે છે પરંતુ જંગલ જમીનની કાયદેસર માન્યતા આપી આદિવાસી સમુદાયને આત્મનિર્ભર બનાવવા પક્ષ – વિપક્ષ બન્ને નિરસ જણાતા હોય તેમ લાગી રહ્યું છે. તેવામાં રોમેલ સુતરિયાની એક મિનિટની રીલથી લોકસભાની ચૂંટણીમાં ગણતરીના દિવસો બાકી છે ત્યારે જંગલ જમીનનો મુદ્દો લોકમુખે ચડી ગયો છે. આદિવાસી યુવાનોમાં વ્યાપી રહેલ જાગૃતતા ની સ્થિતિ જોતાં આવા મુદ્દાઓ હવે હાંસિયામાં ધકેલવા રાજકીય પક્ષો માટે સહેલા નહીં રહે તે નક્કી છે.