દેશ-વિદેશ

પ્રધાનમંત્રીએ એકતાનગર ખાતે પ્રવાસીઓ માટે ભુલભુલૈયા ગાર્ડન અને મિયાવાકી ફોરેસ્ટનું કર્યું લોકાર્પણ:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ  નર્મદા સર્જનકુમાર 

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ એકતાનગર ખાતે પ્રવાસીઓ માટે ભુલભુલૈયા ગાર્ડન અને મિયાવાકી ફોરેસ્ટનું કર્યું લોકાર્પણ;

 સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીની પૂર્વ સંધ્યાએ કેવડીયા ખાતે પહોંચેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં નવા બે પ્રવાસન આકર્ષણો, મેઝ (ભુલભુલૈયા) ગાર્ડન અને મિયાવાકી ફોરેસ્ટને પ્રવાસીઓ માટે ખુલ્લા મુક્યાં હતા. આ પ્રસંગે તેમની સાથે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ જોડાયા હતા.

 વડાપ્રધાનશ્રીએ તકતી અનાવરણ દ્વારા મેઝ (ભુલભુલૈયા) ગાર્ડન અને મિયાવાકી ફોરેસ્ટનું લોકાર્પણ કરી તેને નિહાળી નિર્માણ પામેલ આ બંને સ્થળોની વિગતવાર જાણકારી મેળવી હતી.

  ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન અને દિશા નિર્દેશમાં ફક્ત ૮ મહિનાના ટુંકા ગાળામાં એકતાનગર ખાતે મેઝ (ભુલભુલૈયા) ગાર્ડનનું નિર્માણ કરવામાં આવ્યું છે. ૩ એકર વિસ્તારમાં ફેલાયેલો આ મેઝ ગાર્ડન સમગ્ર દેશમાં સૌથી મોટો મેઝ ગાર્ડન છે, જે કુલ ૨૧૦૦ મીટરનો પાથવે ધરાવે છે. કેવડિયા ખાતે બનાવવામાં આવેલ મેઝ ગાર્ડન ‘શ્રીયંત્ર’ ના આકારના યુનિક કોન્સેપ્ટ સાથે ડિઝાઇન કરવામાં આવ્યો છે. એવું માનવામાં આવે છે કે શ્રીયંત્ર વાતાવરણમાં પોઝિટિવ એનર્જી એટલે કે હકારાત્મક ઊર્જા લઇને આવે છે. આ ભુલભુલૈયાની મુલાકાત લેતા પ્રવાસીઓના મન, શરીર અને ઇન્દ્રિયોને આ ગૂંચવણભર્યા રસ્તાઓ પડકારશે, તેમને અવરોધો પર વિજય મેળવવા માટે પ્રેરિત કરશે અને તેમના ડરને દૂર કરવા માટે તેમનામાં સાહસની ભાવનાનો સંચાર કરશે. 

  આ ભુલભુલૈયા બનાવવા માટે અહીંયા અંદાજે કુલ ૧,૮૦,૦૦૦ છોડ લગાવવામાં આવ્યા છે, જેમાં ઓરેન્જ જેમિન (મુરૈયા એક્સોટિકા), મધુકામિની, ગ્લોરી બોવર (ક્લરોડેન્ડ્રમ ઇનરમ) અને મહેંદીના છોડનો સમાવેશ થાય છે. આ સ્થળ મૂળરૂપે ખડકાળ પથ્થરોની ડમ્પિંગ સાઇટ હતી, જે હવે લીલોછમ ભૂપ્રદેશ બની ગઈ છે.

   આ ઉપરાંત વડાપ્રધાનશ્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવેલ મિયાવાકી વન એ જાપાનીઝ બોટાનિસ્ટ અકિરા મિયાવાકી દ્વારા પ્રેરિત ટેક્નીક છે, જે ટુંકા ગાળામાં ગાઢ જંગલોનું નિર્માણ કરવામાં મદદ કરે છે. આ પદ્ધતિમાં એક જ વિસ્તારમાં શક્ય એટલા નજીક વૃક્ષો વાવવામાં આવે છે, જે જગ્યા તો બચાવે જ છે, સાથે જ બાજુ-બાજુમાં વાવેલા રોપાઓ એકબીજાની વૃદ્ધિમાં મદદ કરે છે, અને સૂર્યપ્રકાશને જમીન સુધી પહોંચતા અટકાવે છે, આ પદ્ધતિમાં છોડનો વિકાસ ૧૦ ગણો ઝડપી થાય છે અને પરિણામ સ્વરૂપે ૩૦ ગણું વધુ ગાઢ જંગલ ઊભું થાય છે. મિયાવાકી પદ્ધતિ માત્ર ૨ થી ૩ વર્ષમાં જંગલ ઊભું કરવામાં મદદરૂપ થાય છે. 

   એકતાનગર ખાતે ૨ એકર વિસ્તારમાં મિયાવાકી જંગલ વિકસાવવામાં આવી રહ્યું છે. જેમાં જરૂરી તમામ મૂળભૂત સુવિધાઓ વિકસાવવામાં આવી છે. 

  એકતા નગર ખાતે નિર્માણ પામેલા આ બે પ્રવાસન આકર્ષણોના લોકાર્પણ પ્રસંગે રાજ્યના મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર, એસ.એસ.એન.એલ.ના એમ.ડી.શ્રી જે.પી.ગુપ્તા, મહાનુભાવો અને ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है