
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
પીએમ કેર ફોર ચિલ્ડ્રન સ્કીમ હેઠળ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના અધ્યક્ષ સ્થાને દિલ્હી ખાતેથી ઓનલાઈન કાર્યક્ર્મ યોજાયો:
તાપી જિલ્લામાં જિલ્લા કલેક્ટરશ્રી એચ.કે.વઢવાણિયાની ઉપસ્થિતીમાં “પીએમ કેર ફોર ચિલ્ડ્રન સ્કીમ”નો વર્ચ્યુઅલ કાર્યક્ર્મ નિહાળવામાં આવ્યો:
વ્યારા-તાપી: વૈશ્વિક મહામારી કોવિડ ૧૯-ના સમય ગાળા દરમિયાન માતા-પિતા બન્નેની છત્રછાયા ગુમાવનાર બાળકોને “પીએમ કેર ફોર ચિલ્ડ્રન સ્કીમ” અંતર્ગત લાભોના વિતરણ અગેં આજરોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા વર્ચ્યુયઅલ માધ્યમથી લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તાપી જિલ્લામાં આ કાર્યક્રમ હેઠળ જિલ્લા કલેક્ટરશ્રી એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષસ્થાને તથા ન.પા.પમુખ સેજલ રાણા સહિત અન્ય મહાનુભાવોની ઉપસ્થિતીમાં કાર્યક્રમને જિલ્લા સેવા સદનના સભાખંડથી લાઇવ નિહાળવામાં આવ્યું હતું.
પીએમ કેર ફોર ચિલ્ડ્રન સ્કીમ ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા ૨૯મી મે ૨૦૨૧ના રોજ બાળકો માટે શરૂ કરવામાં આવી હતી.તેનો ઉદ્દેશ્ય ૧૧મી માર્ચ ૨૦૨૦થી શરૂ થતાં સમયગાળા દરમિયાન કોવીડ ૧૯ રોગચાળામાં માતા પિતા બંને ગુમાવ્યા હોય તેવા બાળકોને સહાય કરવાનો છે. આ યોજનાનો ઉદેશ્ય બાળકોની સર્વગ્રાહી સંભાળ અને સુરક્ષા સતત સુનિશ્ચિત કરવાનો છે.
આ યોજના દ્વારા બાળકોને આરોગ્ય વીમો આપી તેમના સ્વાસ્થ્યને સક્ષમ કરવામાં આવ્યું. બાળકોને શિક્ષણ આપી તેમનું ભવિષ્ય સક્ષમ બનાવવામાં આવ્યું. આ બાળકો ૨૩ વર્ષની ઉંમરે પહોંચે ત્યારે આર્થીક સહાય આપી આત્મનિર્ભર અસ્તિત્વ તૈયાર કરવામાં આવશે. તથા આ યોજના હેઠળ બાળકોને ૧૮ વર્ષની ઉંમરથી સ્ટાઈપેન્ડ અપાશે. ૨૩ વર્ષે બાળક પહોંચે ત્યારે તેને રૂ.૧૦ લાખ મળશે. SDRF-MHAના નિર્દેશ અનુસાર પ્રતિ મૃત માતાપિતા દીઠ રૂ.50 હજારનો લાભ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત તેમના શિક્ષણ અને આરોગ્યની વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી છે.
અત્રે નોંધનીય છે કે, તાપી જિલ્લામાં કોરોના કાળ દરમિયાન બન્ને માતા પિતા ગુમાવનાર કોઇ બાળક નથી. પરંતું કોરોના કાળમાં બન્નેમાંથી એકનો સહારો ગુમાવનાર કુલ-૫૧૯ બાળકોને છે. જેઓને બાળ સેવા એક વાલી યોજના અંતર્ગત પ્રતિમાસ ૨૦૦૦ રૂ.ની સહાય આપવામાં આવે છે. આ સાથે જે બાળકોના એક વાલી કોરોના સમયગાળા અગાઉ અવસાન પામેલ હોય અને બીજા વાલી કોરોના સમયગાળામાં અવસાન પામેલ હોય તેવા કુલ-૩૬ બાળકોને રૂ.૪૦૦૦ પ્રતિમાસ ચુકવામાં આવે છે. તાપી જિલ્લામાં આ બન્ને યોજના હેઠળ આજ દિન સુધી કુલ-૮૩,૦૪,૦૦૦ ની સહાય બાળકોના ખાતામાં જમા કરવામાં આવી છે.
તાપી જિલ્લાના વર્ચ્યુઅલ કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.પાઉલ વસાવા, આદિજાતી મદદ કમિશ્નર એચ.એલ.ગામીત, સહિત અન્ય અધિકારી/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.