
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ
સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત સાકરપાતળ ખાતે યોજાયેલા મેગા આરોગ્ય કેમ્પમાં ૫૮૫ દર્દીઓએ લીધો લાભ:
દિનકર બંગાળ, આહવા: પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જાહેર જીવનના ૨૫ વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં સમગ્ર રાજ્યમાં ચાલી રહેલા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના સાકરપાતળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ભવ્ય મેગા આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ ઉષાબેન પટેલ, ભાજપ પ્રદેશ કારોબારી સભ્ય કિશોરભાઈ ગાવીત, સ્થાનિક સરપંચ મંગલેશભાઈ ભોયે સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.
આ પ્રસંગે ઉપસ્થિત અગ્રણીઓએ પ્રધાનમંત્રીના દીર્ઘ સેવાકીય કાર્યકાળને બિરદાવી ઉપસ્થિત ગ્રામજનોને આરોગ્યલક્ષી સુવિધાઓનો પૂરતો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
આ કેમ્પ અંતર્ગત વલસાડ રક્તદાન કેન્દ્રના સહયોગથી આયોજિત રક્તદાન શિબિરમાં ૧૬ રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું. જ્યારે સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટ, ગુરુકુળ સુપા-નવસારીના સહયોગથી યોજાયેલા નેત્ર નિદાન કેમ્પમાં ડૉ. યાજ્ઞિકભાઈ રાઠોડ અને ટીમે ૨૧૯ દર્દીઓની આંખોની તપાસ કરી રાહતદરે ચશ્મા વિતરણ કર્યું હતું તેમજ ફેકો ટેકનોલોજીથી ટાંકા વગરના મોતિયાના નિઃશુલ્ક ઓપરેશન માટે દર્દીઓને સુપા હોસ્પિટલ આવવા-જવાની વ્યવસ્થા સાથે પસંદ કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત સરકારી આયુર્વેદ હોસ્પિટલ-આહવાના વૈદ્ય દિગ્વેશભાઈ ભોયે અને ટીમ દ્વારા આયુર્વેદ નિદાન સારવાર હેઠળ ૨૬૦ દર્દીઓને વિનામૂલ્યે ઔષધિઓ આપવામાં આવી હતી તથા સાંધા અને કમરના દર્દો માટે ૯૦ દર્દીઓને વિશેષ પંચકર્મ (સ્નેહન-સ્વેદન) ચિકિત્સા પૂરી પાડવામાં આવી હતી.
સમગ્ર કેમ્પ દરમિયાન કુલ ૫૮૫ લાભાર્થીઓએ વિવિધ સારવાર મેળવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડૉ. પિયુષભાઈ ભોયા સહિત આરોગ્ય સ્ટાફ, આંગણવાડી તથા આશા વર્કર બહેનો અને સ્થાનિક પંચાયતના હોદ્દેદારોએ ભૂમિકા નિભાવી હતી.



