આરોગ્ય

જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ના અધ્યક્ષસ્થાને રાજપીપલાની સિવીલ હોસ્પિટલ ખાતે જિલ્લા કક્ષાના બ્લોક હેલ્થ મેળાનો પ્રારંભ: 

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર  

જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવાના અધ્યક્ષસ્થાને રાજપીપલાની સિવીલ હોસ્પિટલ ખાતે જિલ્લાકક્ષાના “બ્લોક હેલ્થ મેળા”નો શુભારંભ;

રાજ્યમાં PMJAY અને માં કાર્ડ સહિતની રાષ્ટ્રીય અને રાજ્યસ્તરની વિવિધ આરોગ્યલક્ષી સેવાઓ હવે વધુ સુદ્રઢ અને સરળ બની છે

આરોગ્યની સુલભ સેવાઓ લોકોને ઝડપથી અને સરળતાથી મળી રહે તે હેતુસર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવાના અધ્યક્ષસ્થાને રાજપીપલાની સિવીલ હોસ્પિટલ ખાતે આજે જિલ્લાકક્ષાના પ્રારંભાયેલા “બ્લોક હેલ્થ મેળા” ને દિપ પ્રાગટ્ય દ્વારા ખૂલ્લો મૂક્યો હતો.

જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવાએ પ્રસંગોચિત્ત ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં રાજ્યવ્યાપી બ્લોક હેલ્થ તાલુકા મેળાઓનો આજથી પ્રારંભ કરાયો છે, ત્યારે નર્મદા જિલ્લાના પાંચેય તાલુકાઓના લોકોને આરોગ્યલક્ષી સુવિધાઓ હવે ઘર આંગણે જ મળી રહેશે તેવો દ્રઢ વિશ્વાસ શ્રીમતી વસાવાએ વ્યક્ત કર્યો હતો.

રાજ્યમાં PMJAY અને માં કાર્ડ સહિતની રાષ્ટ્રીય અને રાજ્યસ્તરની વિવિધ આરોગ્યલક્ષી સેવાઓ હવે વધુ સુદ્રઢ અને સરળ બની છે. સરકારશ્રીએ છેવાડાના માનવી સુધી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડીને રાજ્યના સર્વાંગી વિકાસની ગતિને અવિરત ચાલુ રાખી હોવાનું તેમણે ઉમેર્યું હતું. જન જનને મળતી આરોગ્યલક્ષી સેવાઓ વધુ સુદ્રઢ અને સરળ બનાવવામાં આ બ્લોક હેલ્થ મેળા સેતુરૂપ ભુમિકા નિભાવશે.

નર્મદા જિલ્લો ટ્રાયબલ જિલ્લો છે, ત્યારે બ્લોક હેલ્થ મેળા થકી અંતરિયાળ અને છેવાડાના લોકોને હવે રાજપીપલા શહેર કે અન્ય જિલ્લાઓમાં જવું નહી પડે અને સ્પેશીયાલીસ્ટ તબીબો થકી તેમની સારવાર અને નિદાન સરળતાથી કરી શકશે. આરોગ્ય મેળા દ્વારા આયુષ્યમાન કાર્ડ, નિરામય ગુજરાત, ઈ-સંજીવની યોજના સહિત વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓ આ જિલ્લા માટે ખુબ જ અગત્યની બની રહેશે તેવો આશાવાદ શ્રીમતી વસાવાએ સેવ્યો હતો.

આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. કે. પી. પટેલે કહ્યું હતુ કે, રાજ્ય સરકારશ્રી દ્વારા સમગ્ર રાજ્યમાં બ્લોક હેલ્થ મેળા યોજીને લોકોને હવે ઘર આંગણે જ આરોગ્યલક્ષી સુવિધાઓ પુરી પાડવાનો અભિગમ રહેલો છે. આ આરોગ્ય મેળામાં PMJAY કાર્ડ સહિત વિવિધ આરોગ્યલક્ષી સુવિધાઓનો લાભ લોકો સરળતાથી અને વિના મૂલ્યે લઇ શકશે. તા. ૧૮ થી તા. ૨૨ મી એપ્રિલ, ૨૦૨૨ દરમિયાન તાલુકાકક્ષાએ યોજાનારા બ્લોક હેલ્થ મેળાનો વધુમાં વધુ લાભ લેવા ડૉ. કે.પી.પટેલે અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે સિવીલ સર્જન શ્રી ડૉ. જ્યોતિબેન ગુપ્તાએ બ્લોક હેલ્થ મેળામાં આપવામાં આવતી આરોગ્યલક્ષી સેવાઓની વિસ્તૃત જાણકારી પુરી પાડી હતી.

જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા સહિત અન્ય મહાનુભાવોના હસ્તે પાંચ જેટલાં લાભાર્થીઓને PMJAY યોજનાના કાર્ડ વિતરણ કરાયાં હતાં. આ કેમ્પમાં હેલ્થ આઈડી, બ્લડ ડોનેશન કેમ્પ, મોતીયાની તપાસ ઉપરાંત સ્પેશ્યાલીસ્ટમા પીડીયાટ્રીશીયન, ફીજીશીયન, ગાયનેક, ઓર્થોપેડિક, ડેન્ટીસ્ટ, સ્કીન, ઈ. એન. ટી, ટેલી કન્સલ્ટેશન સર્વિસની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી, જેનો અંદાજે ૬૦૦ થી વધુ વ્યક્તિઓએ વિવિધ તીબીબી સેવાઓનો લાભ લીધો હતો.

કાર્યક્રમ પૂર્ણ થયા બાદ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા સહિત અન્ય મહાનુભાવોએ આરોગ્ય મેળા કેમ્પની મુલાકાત લઇ ઉપલબ્ધ તબીબી સેવાઓ વિશે માહિતી મેળવી હતી. આ પ્રસંગે જિલ્લા ક્ષય કેન્દ્રના અધિકારીશ્રી ડૉ. ઝંખનાબેન વસાવા, લેપ્રસી મેડીકલ ઓફીસર શ્રી ડૉ. હિરેન પ્રજાપતિ, આરોગ્યકર્મીઓ, આશાબહેનો વગેરે ઉપસ્થિત રહ્યાં હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है