શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
પ્રાથમિક શાળા મૌઝા ખાતે બાળ મેળો અને લાઇફ સ્કીલ મેળો યોજાયો:
નેત્રંગ તાલુકાની પ્રાથમિક શાળા મૌઝા ખાતે બાળ મેળો અને લાઈફ સ્કીલ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના આચાર્ય, શિક્ષકો તેમજ બી.એડ.ના તાલીમાર્થીઓએ વિવિધ વિભાગો પ્રમાણે પ્રવૃત્તિઓ કરાવી હતી.
જેમાં ચાલો શીખીએ અંતર્ગત બટન ટાંકવું, ગેસનો બોટલ જોડવું, કપડાને ઈસ્ત્રી કરવી, દિવાલમાં ખીલી ઠોકવી, કુકરનું ઢાંકણ ખોલવું તેમજ બંધ કરવું, જ્યુસ મશીન ચાલુ-બંધ કરવું, ફ્યુઝ બાંધવો, ફાયર સેફ્ટીની માહિતી વગેરે, પર્યાવરણને જાણો અને માણોની પ્રવૃત્તિઓ, પુસ્તક પ્રદર્શન,વિજ્ઞાનના સાધનોનું પ્રદર્શન, સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં વેસ્ટ માંથી બેસ્ટ, રંગોળી, ચિત્રકામ, મહેંદી વગેરે જેવી પ્રવૃત્તિઓ, હળવાશની પળોની પ્રવૃત્તિઓમાં બાળકોને એસ.આર.એફ.ની WOW બસ દ્વારા મનોરંજન વિડીયો તથા ટોક શોમાં બાળકોએ વિવિધ વિષય ઉપર પોતાના મંતવ્ય રજૂ કર્યા હતા. સામાન્યજ્ઞાન અને કોયડા ઉકેલ વિભાગમાં બાળકોને વિવિધ રમતો અને પ્રશ્નો શીખવવામાં આવ્યા હતા. બાળકોને રોજિંદા જીવનમાં ઉપયોગી એવી ગાણિતિક પ્રક્રિયાઓ કરતા શીખે તે માટે આનંદ મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
જી.સી.ઈ.આર.ટી.ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભરૂચ દ્વારા વિદ્યાર્થીઓની નૈસર્ગિક શક્તિ ના વિકાસ માટે તથા સાહજિક અભિવ્યક્તિ માટે
પ્રાથમિક શાળા મૌઝા ખાતે બાળ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જીવન કૌશલ્ય આધારિત ધોરણ 1 થી 5 માં બાળમેળો અને ધોરણ 6 થી 8 માં લાઈફ સ્કીલ મેળો યોજાયો હતો.
જેમાં બાળકોએ વિવિધ નાસ્તાની સ્ટોલ ઉભી કરી હતી. સાથે સાથે બાળકોને શિક્ષણ અને તાલીમ અપાઈ હતી કે
રાષ્ટ્રધ્વજ કેવી રીતે બાંધવો?
કેવી રીતે ફરકાવવો?
કેવી રીતે સલામી આપવી? તે પણ શીખવવામાં આવ્યું હતું. બાળકો શાળા માંથી જ જીવન ઉપયોગી કૌશલ્યો શીખીને જાય તેવા આશયથી બાળમેળા અને જીવન કૌશલ્ય આધારિત બાળ મેળાનું આયોજન કરવામાં આવે છે.
બાળકોને જીવન ઉપયોગી કૌશલ્યો શીખવવામાં આવ્યા તેમજ વિવિધ કૌશલ્ય વર્ધન પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.
રિપોર્ટર: સર્જન વસાવા, નેત્રંગ