Breaking News

તારીખ ૩ જી એ આઠમાં નોરતે દેશના રાષ્ટ્રપતિશ્રીના હસ્તે ગાંધીનગર ખાતેથી થનારું ઇ-ખાતમુહૂર્ત: 

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર 

રાજપીપલાની જી.એમ.ઇ.આર. એસ.મેડિકલ કોલેજ અને હોસ્પિટલનું તા.૩ જી એ આઠમાં નોરતે દેશના રાષ્ટ્રપતિશ્રીના હસ્તે ગાંધીનગર ખાતેથી થનારું ઇ-ખાતમુહૂર્ત: 

    નર્મદા જીલ્લાના રાજપીપળા ખાતે જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલનું ઇ-ખાતમુહૂર્ત ગાંધીનગર સિવિલ હોસ્પિટલથી દેશના મહામહિમ રાષ્ટ્રપતિશ્રી દ્રૌપદી મુર્મુના વરદ હસ્તે આગામી તા. 03 ઓકટોબર, ૨૦૨૨ ના રોજ કરવામાં આવનાર છે. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, કેન્દ્રીય ગૃહમંત્રી તેમજ મુખ્યમંત્રીશ્રી પણ ઉપસ્થિત રહેશે. રાજપીપલા ખાતે નવી જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજને મંજૂરી મળતા નવિન કોલેજ અને હોસ્પિટલ આશરે રૂ. ૫૩૦ કરોડના ખર્ચે નિર્માણ પામનાર છે. જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ એ સમગ્ર વિસ્તારમાં સૌથી મોટી આરોગ્યપ્રદાન સુવિધા બનશે. આ પ્રોજેક્ટ અંતર્ગત કોલેજ, હોસ્પિટલ અને હોસ્ટેલનું બાંધકામ થનાર છે.

                  નર્મદા જિલ્લો એ ગુજરાતના વિકાસશીલ જીલ્લાઓ પૈકીનો એક જીલ્લો છે. તથા વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા, ‘Statue of Unity’ એ નર્મદા જિલ્લા તથા તેના મુખ્ય મથક રાજપીપલાને નવી ઓળખ આપેલ છે, તેને હવે આવનારા વર્ષોમાં જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજ તથા જનરલ હોસ્પિટલ, રાજપીપલા બીજી એક ઓળખ પણ અપાવશે. નવનિર્માણ પામનારી આ જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજ, રાજપીપલામાં MBBS ના સ્નાતક અભ્યાસક્રમ માટે તબીબી શિક્ષણની તમામ અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજ, રાજપીપલાને MBBS ના સ્નાતક અભ્યાસક્રમ માટે NMC તરફથી મંજૂરી મળેલ છે. આ અંતર્ગત દર વર્ષે કુલ-૧૦૦ વિદ્યાર્થીઓને MBBS અભ્યાસક્રમમાં પ્રવેશ આપવામાં આવશે. આ ઉપરાંત સંપૂર્ણ વ્યવસ્થા સાથે Boys હોસ્ટેલ, Girls હોસ્ટેલ, Interns હોસ્ટેલ, Resident હોસ્ટેલ તથા સ્ટાફ ક્વાટર્સ પણ નિર્માણ પામશે.

                    નર્મદા જીલ્લામાં વસવાટ કરતી અંદાજે ૭ લાખની વસ્તીમાંથી લગભગ ૮૫% પ્રજા આદિવાસી છે, જેમના માટે નવનિર્માણ પામનારી જી.એમ.ઇ.આર.એસ. જનરલ હોસ્પિટલ, રાજપીપલા એક આશિર્વાદ સમાન બનીને રહેશે. આ હોસ્પિટલનો લાભ આજુબાજુના નાંદોદ, સાગબારા, ડેડીયાપાડા, તિલકવાડા તથા ગરુડેશ્વરની પ્રજા તથા સીમાવર્તી રાજ્ય મહારાષ્ટ્રની પ્રજા અને Statue of Unity ની મુલાકાતે આવતા લાખો પ્રવાસીઓને મળી રહેશે. આ હોસ્પિટલનું નિર્માણ કુલ ૬ માળનું રહેશે. આ નવનિર્મિત હોસ્પિટલમાં કુલ ૫૪૦ પથારીઓની સગવડ રહેશે. આ હોસ્પિટલ ખાતે બધા વિભાગોની ઓ. પી. ડી. સેવાઓ, દાખલ દર્દીની સેવાઓ, તમામ પ્રકારના ઓપરેશનની સેવાઓ તેમજ તમામ પ્રકારની ઈમરજન્સી સેવાઓ પૂરી પાડવામાં આવશે. આ હોસ્પિટલમાં જનરલ ઓપીડી, મેડિસીન, સર્જરી, પ્રસૂતિ અને સ્ત્રી-રોગ, બાળકોના રોગ, હાડકાંના રોગો, આંખના રોગ, કાન-નાક-ગળાના રોગ, માનસિક રોગ, ચામડીના રોગ, દાંતના રોગ, કસરત વિભાગ, બ્લડ બેન્ક, લેબોરેટરી, એક્સ-રે, સોનોગ્રાફી, ડિસ્પેન્સરી, રસીકરણ તેમજ ડાયાલીસીસ જેવા વિભાગ સંપૂર્ણ રીતે કાર્યરત થશે. આ નવનિર્મિત હોસ્પિટલમાં બધા જ નિષ્ણાંત ડોક્ટરની સેવાઓ પૂરી પાડવામાં આવશે. તમામ સાધનો તથા સવલતોથી સંપૂર્ણ રીતે સજ્જ એવા અદ્યતન ૫ (પાંચ) ઓપરેશન સંકુલના નિર્માણથી જટિલ પ્રકારની બધી સર્જરી પણ સફળતાપૂર્વક પાર પડશે. અહી અદ્યતન કક્ષાના પ્રસૂતિ વિભાગના નિર્માણથી સામાન્ય અને જટીલ એવી સૌ પ્રકારની પ્રસૂતિ પણ સફળતાપૂર્વક કરાવવામાં આવશે. આ હોસ્પિટલમાં બાળરોગોની પણ પૂરેપૂરી સારવાર મળી શકશે. વળી, આ હોસ્પિટલમાં અલાયદા જરૂરી એવા તમામ સાધનોથી સજ્જ આઈ. સી. યુ., આઈ. સી. સી. યુ.એન. આઈ. સી. યુ., પી. આઈ. સી. યુ., સર્જીકલ આઈ. સી. યુ. તથા ઓબસ્ટેટ્રીક આઈ. સી. યુ. ના નિર્માણથી ગંભીર રોગો તથા પરિસ્થિતિઓમાં પણ ખૂબ જ સારી સારવાર અહીં જ ઉપલબ્ધ રહેશે. જી.એમ.ઇ.આર.એસ. હોસ્પિટલ શરૂ થવાથી નર્મદા જીલ્લાના અંતરિયાળ અને પર્વતીય વિસ્તારોમાં વસતા લોકોને મલ્ટી–સ્પેશિયાલિટી હોસ્પિટલના કારણે પોતાના જ જીલ્લામાં ઉચ્ચ કક્ષાની આરોગ્ય તેમજ તબીબી સેવાઓ ઉપલબ્ધ થશે, જેથી અગાઉ સારવાર માટે દૂરના જીલ્લાઓમાં જવા-આવવાની સમસ્યામાંથી છુટકારો મળશે.

                  આમ, જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજ અને હોસ્પિટલનું નિર્માણ થવાથી રાજપીપળા જીલ્લામાં ન તો માત્ર ઉચ્ચ કક્ષાની આરોગ્ય તેમજ તબીબી સેવાઓ ઉપલબ્ધ થશે, પરંતુ સાથોસાથ રોજગારીની નવીન તકોનું પણ નિર્માણ થશે. એકંદરે, આ તમામ સુવિધાઓને કારણે નર્મદા જિલ્લાની પ્રજાના સ્વાસ્થ્ય, ભણતર અને રોજગારીમાં સુધારો થતાં, સૌનું જીવન સુખાકારી અને ગુણવત્તાસભર બનશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है