બ્રેકીંગ ન્યુઝ

જિલ્લામાં લગ્ન તથા ધાર્મિક અને સામાજિક પ્રસંગોમાં ધ્વનિ પ્રદૂષણને અનુલક્ષીને અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી તરફથી જાહેરનામું પ્રસિધ્ધ કરાયું:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

નર્મદા જિલ્લામાં લગ્ન તથા ધાર્મિક અને સામાજિક પ્રસંગોમાં ધ્વનિ પ્રદૂષણને અનુલક્ષીને અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી તરફથી પ્રસિધ્ધ કરાયેલું જાહેરનામું: 

       રાજપીપલા :- નર્મદા જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એચ.કે.વ્યાસે તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામાં દ્વારા નર્મદા જિલ્લામાં લગ્ન તથા ધાર્મિક અને સામાજિક પ્રસંગોમાં નાચગાન કે ઘોંઘાટને લીધે ઝગડા તકરાર ન થાય તે માટે ધ્વનિ પ્રદૂષણને અંકુશમાં લેવા તેમજ જિલ્લામાં કોઈપણ પ્રકારની સુલેહ શાંતિનો ભંગ ન થાય અને જાહેર શાંતિ સલામતિ તથા કાયદા પ્રત્યે માન જળવાય તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી નર્મદા જિલ્લાના નિર્દિષ્ટ વિસ્તાર તથા સમય માટે કેટલાંક કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. 

   ઉક્ત જાહેરનામામાં દર્શાવ્યાં મુજબ સરકારી કચેરીઓ, હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થાઓ, અદાલતો અને ધાર્મિક સ્થળોની આજુબાજુના ૧૦૦ મીટરના ઘેરાવાના વિસ્તારને શાંત તરીકે ગણવામાં આવે છે. જેથી શાંત વિસ્તારની આજુબાજુમાં માઈક, લાઉડસ્પીકર તથા ડી.જે. (ડીસ્ક જોકી) સિસ્ટમનો ઉપયોગ કરી શકાશે નહીં. એકબીજા પ્રત્યે ઉશ્કેરણી થાય અને કોમી લાગણી ઉશ્કેરાય તેવા ઉચ્ચારણો/ ગાયનોનો માઈક, લાઉડસ્પીકર તથા ડી.જે.(ડીસ્ક જોકી) સિસ્ટમમાં ઉપયોગ કરી શકાશે નહીં. રસ્તાની ડાબી બાજુ ચાલવા, ટ્રાફિકને અડચણ ન થાય તથા ટ્રાફિકના તમામ નિયમો/ કાયદાઓનો અમલ કરવા તેમજ નાચગાન ગરબા જાહેર માર્ગમાં રોકાઈને કરી શકાશે નહીં. ડી.જે.(ડીસ્ક જોકી) સિસ્ટમ Amblent Air Quality Standard in respect of Noise અંગે નામદાર સુપ્રિમ કોર્ટના વખતોવખતના ચુકાદાના નિર્દેશ તથા ધી નોઈઝ પોલ્યુશન (રેગ્યુલેશન એન્ડ કંટ્રોલ) રૂલ્સ, ૨૦૦૦ ના એન્વાયરમેન્ટ પ્રોટેક્શનની જોગવાઈઓ મુજબ Amblent Air Quality Standard હોવું જોઈએ. તે જોતાં ડી.જે. સિસ્ટમ વગાડવા માટે ઉપર જણાવેલ તમામ પ્રાવધાનો અને જોગવાઈઓનો ઉલ્લંઘન કરતા હોય તે વગાડવા જેવા કૃત્યો કરવા પર પ્રતિબંધ રહેશે. પરંતુ અગાઉથી અધિકૃત પરવાનગીના આધારે ઉપરોક્ત પ્રતિબંધમાંથી છુટછાટ રહેશે.

   તદઅનુસાર, માઈક અને ડી.જે.(ડીસ્ક જોકી) સિસ્ટમ વગાડવા માટે ડી.જે. સિસ્ટમના માલિક કે જે આ સિસ્ટમ ભાડે આપે છે, તેઓએ નજીકના પોલીસ સ્ટેશનમાં નોંધણી કરાવવાની રહેશે. માઈક સિસ્ટમ અને ડી.જે. વગાડવા માટે તેના માલિક/ભાગીદારે પરવાનગી અરજી જે તે વિસ્તારના મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટશ્રીની કચેરીએ કરી, દિન-૦૭ પહેલાં મંજૂરી મેળવી લેવાની રહેશે અને આપેલ શરતોનો ચુસ્તપણે બિનચૂક અમલ કરવાનો રહેશે. શરતોનો ભંગ થયેથી પરવાનગી રદ થયેલ ગણાશે.

વરઘોડા/રેલી, ધાર્મિક, રાજકીય કે સામાજિક શોભાયાત્રાઓના સમય દરમ્યાનમાં ઉપરોક્ત શરતોનો ભંગ કરે અથવા કોઈ અનિચ્છનીય બનાવ બને તો તેની સંપૂર્ણ જવાબદારી પરવાનેદાર/ પરવાનગી લેવા માટે આવનાર વ્યક્તિની રહેશે. નર્મદા જિલ્લા મેજીસ્ટ્રેટના અધિકાર ક્ષેત્રની જાહેર જગ્યામાં અથવા તો જાહેરમાં સાંભળી શકાય તેવી જગ્યામાં માઈક સિસ્ટમ / વાજિંત્રનો ઉપયોગ અધિકૃત કરેલ અધિકારીની લેખિત પરવાનગી સિવાય કરી શકાશે નહીં, તેમજ અવાજનું પ્રદૂષણ ફેલાવી શકાશે નહીં. આવી પરવાનગી માટેની અરજી લેખિતમાં હોવી જોઈએ તેમજ તેનો ઉપયોગ કરનાર વ્યક્તિની સહી હોવી જોઈએ. આવી પરવાનગીની અરજી તેના ઉપયોગ કરવાના હોય તે દિવસના સાત દિવસથી ઓછી નહીં તેટલા સમય પહેલાં પરવાનગી કાઢી આપવા માટે અધિકૃત અધિકારીને અરજી કરવાની રહેશે. પરંતુ વ્યાજબી કારણ દર્શાવતા સાત દિવસ કરતાં ઓછા સમયની અંદર માંગવામાં આવેલ પરવાનગી તેમ કરવા માટે અધિકૃત અધિકારી પોતાની વિવેકબુધ્ધિ અનુસાર આપી શકશે. અરજદાર તથા તેના પ્રતિનિધિએ મળેલ પરવાનગી સાથે માઈક સિસ્ટમ / વાજિંત્રનો ઉપયોગ થાય તે સમયે ઉપરોક્ત જાહેર જગ્યા ઉપર હાજર રહેવું પડશે. ફરજ પરના અધિકારી આ અંગેનો પરવાનો જોવા માંગે ત્યારે પરવાનાધારકોએ રજુ કરવાનો રહેશે.

માઈક સિસ્ટમ / વાજિંત્રનો ઉપયોગ ઉપરોક્ત અવાજની માત્રા દર્શાવતા પત્ર પ્રમાણે સવારના ૦૬:૦૦ કલાકથી રાત્રિના ૨૨:૦૦ કલાક સુધી જ થશે. અવાજ પ્રદૂષણ (નિયમન અને નિયંત્રણ) રૂલ્સ, ૨૦૦૦ ની જોગવાઈઓ પ્રમાણે સામાન્ય રીતે માઈક સિસ્ટમ/ વાજિંત્રનો ઉપયોગ રાત્રિના ૧૦:૦૦ કલાકથી સવારના ૦૬:૦૦ કલાક સુધીના સમય દરમ્યાન વગાડી ન શકાય તેવી જોગવાઈઓ હોઈ, આ સમય માટે કોઈ પરવાનગી આપવામાં આવશે નહીં. તેમજ પરવાનેધારકો આ સમય દરમ્યાન માઈક સિસ્ટમ / વાજિંત્ર વગાડવા ઉપયોગ કરી શકશે નહીં. નોંધ :- ઉપરોક્ત નિયમોની જોગવાઈઓ પ્રમાણે દર વર્ષે સરકારશ્રી તરફથી નક્કી કરેલ દિવસો દરમ્યાન આવી પરવાનગી રાત્રિના ૧૦:૦૦ ના બદલે ૧૨:૦૦ કલાક સુધી મળી શકશે. કોઈપણ વિસ્તારમાં ઘોંઘાટ/અવાજનું હવામાનમાં પ્રમાણ ઉપરોક્ત પત્રકમાં જણાવ્યા મુજબના ડેસીબલ પ્રમાણે દિવસ તથા રાત્રિ દરમ્યાન નામદાર સુપ્રિમ કોર્ટે ઠરાવેલ છે તે પ્રમાણે રાખવાનું રહેશે. આ માત્રાનો ભંગ ન થાય તેની પરવાનેદારે/ પરવાનગી લેનારે તકેદારી રાખવાની રહેશે. 

મંદિરો, ચર્ચ, મસ્જિકોમાં માઈક સિસ્ટમ/ વાજિંત્રનો અવાજ એ રીતે મર્યાદિત કરેલો હોવો જોઈએ કે સંકુલની હદ બહાર જાય નહીં. ગતિમાન વાહનમાં કોઈપણ માઈક સિસ્ટમ/ વાજિંત્રનો ઉપયોગ જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી તરફથી અધિકૃત કરેલ અધિકારીની પરવાનગી સિવાય કોઈપણ હેતુ માટે વાપરવો નહીં અથવા ચલાવવો નહીં. માઈક સિસ્ટમ/વાજિંત્રના ઉપયોગથી આસપાસના રહેવાસીઓ અથવા રાહદારીઓને અડચણ, હરકત, અગવડ, જોખમ, ભય કે નુકશાન અટકાવવા માટે જિલ્લા મેજીસ્ટ્રેટ અથવા તેઓના તરફથી અધિકૃત કરેલ કોઈપણ અધિકારી તેને યોગ્ય લાગે તેટલી મુદ્દત માટે કોઈપણ જગ્યાએ પરવાનો ધરાવનારને માઈક સિસ્ટમ/વાજિંત્ર વાપરવા પર મનાઈ ફરમાવતો હુકમ કરી શકશે. ફરજ પરના પોલીસ અધિકારી દ્વારા ઉપર જણાવેલ નિયમો તથા પરવાનગી પત્રમાં દર્શાવેલ વિસ્તાર અને સમય અંગે કોઈ ભંગ કરે તો વાહન તથા માઈક સિસ્ટમ/ વાજિંત્ર અને તેના ઉપકરણો જપ્ત કરી કાયદેસર કાર્યવાહી કરી શકશે. જેવી ઉક્ત શરતોને આધીન પ્રતિબંધમાંથી છુટછાટ રહેશે.

            આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ વિરુધ્ધ કાર્યવાહી કરવામાં આવશે અને ગુનો નોંધી માલિક, ભાગીદાર, મેનેજર, સંચાલકની ધરપકડ કરી તમામ માઈક સિસ્ટમ ગુન્હાના મુદ્દામાલ તરીકે કબજે કરવામાં આવશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિઓ વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવા માટે નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ તથા તેનાથી ઉપરી પોલીસ અધિકારીશ્રીઓને અધિકૃત કરવામાં આવ્યાં છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है