બ્રેકીંગ ન્યુઝ

કલેક્ટરે જિલ્લાના પ્રિન્ટ/ઇલેક્ટ્રોનિક મિડીયાકર્મીઓ સાથે પત્રકાર પરિષદ યોજીને કર્યો સીધો સંવાદ:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર 

નર્મદા જિલ્લાના પ્રિન્ટ/ઇલેક્ટ્રોનિક મિડીયાના માધ્યમકર્મીઓ સાથે પત્રકાર પરિષદ યોજીને શ્રીમતી તેવતિયાએ માધ્યમો સાથે કર્યો સીધો સંવાદ;

તા.૦૮ મીએ નર્મદા જિલ્લાની નાંદોદ અને દેડીયાપાડા વિધાનસભા મત વિભાગની મતગણતરી રાજપીપલામાં શ્રી છોટુભાઇ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય સંકુલમાં હાથ ધરાશે;

  ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૨ અન્વયે રાજ્યમાં પ્રથમ તબક્કામાં તા.૦૧ લી ડિસેમ્બર,૨૦૨૨ ના રોજ નર્મદા જિલ્લામાં યોજાયેલા મતદાનમાં રાજ્યના ૧૯ જિલ્લાઓમાં સરેરાશ કુલ -૭૮.૪૨ ટકા મતદાન સાથે નર્મદા જિલ્લો રાજ્યમાં મોખરે રહ્યા બાદ ગત તા.૦૫ મી ડિસેમ્બર,૨૦૨૨ ના રોજ બીજા તબક્કામાં યોજાયેલા મતદાન બાદ પણ રાજ્યના તમામ જિલ્લાઓની મતદાનની ટકાવારીની પ્રાપ્ત જાણકારી મુજબ બીજા તબક્કાના મતદાનના અંતે પણ નર્મદા જિલ્લો ૭૮.૪૨ ટકાની કુલ સરેરાશ મતદાનની ટકાવારી સાથે પ્રથમ સ્થાને રહેવા પામ્યો છે, જે બદલ નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયાએ આજે રાજપીપલા કલેક્ટરાલય ખાતે યોજેલી પત્રકાર પરિષદમાં માધ્યકર્મીઓના સીધા સંવાદમાં જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લાને આ યશસ્વી સિધ્ધિ હાંસલ કરવામાં જિલ્લાના જાગૃત મતદારો, માધ્યમકર્મીઓ સહિત જિલ્લામાં મહત્તમ મતદાન માટે મતદાર જાગૃતિ કેળવવામાં સહયોગી સૌ કોઇનો હ્રદયપૂર્વક આભાર માની સૌ કોઇને અભિનંદન પાઠવ્યા હતાં.

         નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સુશ્રી જીજ્ઞાબેન દલાલ, મિડીયા નોડલ અધિકારીશ્રી અને નાયબ માહિતી નિયામકશ્રી યાકુબ ગાદીવાલા, ચૂંટણી શાખાના મામલતદાર શ્રીમતી કનકલતાબેન ઠાકર તેમજ નર્મદા જિલ્લાના પ્રિન્ટ/ઇલેક્ટ્રોનિક મિડીયાના માધ્યમકર્મીઓની મોટી સંખ્યાની ઉપસ્થિતિમાં યોજાયેલી ઉક્ત પત્રકાર પરિષદને સંબોધતા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયાએ જાણકારી આપતા વધુમાં ઉમેર્યું હતુ કે, જિલ્લામાં નોંધાવેલા સરેરાશ કુલ-૭૮.૪૨ ટકા મતદાનમાં નાંદોદ મત વિભાગમાં ૭૪.૩૬ ટકા અને દેડીયાપાડા મત વિભાગમાં ૮૨.૭૧ ટકા જેટલાં મતદાનનો સમાવેશ થાય છે.

        તા.૦૮ મી ડિસેમ્બર,૨૦૨૨ ને ગુરૂવારના રોજ રાજપીપલામાં શ્રી છોટુભાઇ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય સંકુલમાં સવારે ૦૮=૦૦ કલાકે ઉક્ત બન્ને વિધાનસભા મત વિભાગની મતગણતરી હાથ ધરાશે, જેમાં નાંદોદ વિધાનસભાની મતગણતરી માટે કેન્દ્રીય ચૂંટણીપંચ તરફથી શ્રી ટી.વી.સુભાષ અને દેડીયાપાડા વિભાગની મતગણતરી માટે શ્રી ઉમેશ પ્રકાશ શુક્લાની નિરીક્ષક તરીકે નિમણૂંક કરાઇ છે. CEO કચેરી દ્વારા મંજૂરી આપેલ કુલ-૬ અધિકારી/કર્મચારીઓના મોબાઇલ ફોન મતગણતરી હોલ ખાતે લઇ જઇ શકશે.

       ઉક્ત બન્ને વિધાનસભા મત વિસ્તારના મતગણતરી કેન્દ્રો ખાતે CCTV ગોઠવવામાં આવ્યા છે. જિલ્લા પોલીસતંત્ર તરફથી તેમની સુરક્ષાના પ્લાન મુજબ જરૂરી પોલીસ, CAPF, CRPF વગેરેનો પર્યાપ્ત સુરક્ષા પ્રબંધ ગોઠવવામાં આવેલ છે. બન્ને ચૂંટણી અધિકારીશ્રીઓ તરફથી ઉમેદવારો, ચૂંટણી એજન્ટ તથા મતગણતરી એજન્ટના ઓળખપત્ર પણ (IDENTITY CARD) ઇસ્યુ કરવામાં આવેલ છે. મતગણતરી કેન્દ્રો ખાતે માઇક્રો ઓબ્ઝર્વર, મતગણતરી સુપરવાઇઝર,મદદનીશ મતગણતરીની નિમણૂંક પણ કરવામાં આવેલ છે.

              પત્રકાર પરિષદ બાદ માધ્યમો સાથેના સંવાદમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સુશ્રી જિજ્ઞાબેન દલાલે મતગણતરી અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, બંને વિધાનસભાની બંને મતવિસ્તારની રાજપીપલા સ્થિત શ્રી અંબુભાઈ પુરાણી વ્યાયામ શાળા ખાતે બે અલગ અલગ હોલ ખાતે બંને એ.સી.ની EVM મારફત ગણતરી થશે. અને પોસ્ટર બેલેટની ECI ના ગાઈડલાઈન પ્રમાણે ગણતરી કરવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, નાંદોદમાં-૨૨ અને દેડીયાપાડામાં-૨૩ રાઉન્ડમાં મતગણતરી થશે. 

               નર્મદા જિલ્લાની મતદાન ટકાવારી સૌથી વધુ હોવાનો શ્રેય જાગૃત જનતાને આપતાં વધુમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સુશ્રી જિજ્ઞાબેન દલાલે જણાવ્યું હતુ કે, સૌ માટે આનંદની વાત છે કે લોકશાહીના આ મહાપર્વમાં જિલ્લા ચૂંટણી તંત્રની સાથે જિલ્લા નાગરિકોએ પણ પોતાની ઉત્સાહભેર ભાગીદારી નોંધાવીને લોકશાહીના આ મહાપર્વને સાચા અર્થમાં સફળ બનાવ્યું છે. અને નર્મદા જિલ્લાનો મતદાન અંગેનો જે ઇતિહાસ રહ્યો છે તેને જાળવી રાખવાની પરંપરા આ વખતે પણ જિલ્લાના જાગૃત મતદારોએ નિભાવી હોવાનું તેમણે ઉમેર્યું હતું.

      અત્રે ઉલ્લેખનીય છે કે, નાંદોદ વિધાનસભા મત વિસ્તારની મતગણતરી માટે ૨૨ અને દેડીયાપાડા મત વિસ્તાર માટે ૨૩ રાઉન્ડમાં મતગણતરી હાથ ધરાશે. જેમાં બન્ને વિધાનસભા વિસ્તારોમાં ૧૪-૧૪ ટેબલ ઉપર મતગણતરી હાથ ધરાશે, જેમાં દરેક ટેબલ દીઠ માઇક્રો ઓબ્ઝર્વર, મતગણતરી સુપરવાઈઝર અને મતગણતરી મદદનીશનો સમાવેશ થાય છે. તેની સાથોસાથ પોસ્ટલ બેલેટની પણ શરૂઆતમાં અલાયદી ગણતરી કરાશે. અને તા.૦૮ મીએ સવારે રેન્ડમાઇઝેશન દ્વારા સંબંધિત અધિકારી/કર્મચારીઓને મતગણતરીની કામગીરીના વિગતવાર હુકમો ઇસ્યુ કરાશે. આમ, નાંદોદમાં અંદાજે ૧૫૫ જેટલાં તેમજ દેડીયાપાડામાં પણ અંદાજે ૧૫૦ થી ૧૫૫ જેટલા અધિકારીઓ/કર્મચારીઓને મતગણતરીની કામગીરીમાં તૈનાત રહેશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है