દક્ષિણ ગુજરાતબ્રેકીંગ ન્યુઝ

અનાથ બાળકોને “મુખ્યમંત્રી બાળ સેવા યોજના” નો ઝડપી- સમયસર લાભ મળી રહે તે જોવા અમલીકરણ અધિકારીઓને અનુરોધ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

કોવિડ-૧૯ ની મહામારીના સમયગાળા દરમિયાન કોરોનાને લીધે માતા કે પિતા ગુમાવનાર એક વાલીવાળા તેમજ માતા-પિતા બંને ગુમાવનાર અનાથ બાળકોને “મુખ્યમંત્રી બાળ સેવા યોજના” નો ઝડપી- સમયસર લાભ મળી રહે તે જોવા અમલીકરણ અધિકારીઓને અનુરોધ;

જિલ્લામાં એક વાલીવાળા કુલ-૩૮ અને બંને માતા-પિતા ગુમાવનાર કુલ-૮ જેટલા બાળકોની NCPCR ની માર્ગદર્શિકા મુજબ બાળ સ્વરાજ પોર્ટલ ઉપર કરાયેલી ઓનલાઈન એન્ટ્રી;

નિવાસી અધિક કલેકટરશ્રી એચ.કે.વ્યાસના અધ્યક્ષપદે યોજાયેલ સમિતિમાં “મુખ્યમંત્રી બાળ સેવા યોજના” ની અમલીકરણ અંગે અપાયું વિસ્તૃત માર્ગદર્શન;

રાજપીપલા :- ગુજરાતમાં માર્ચ-૨૦૨૦ થી કોવિડ-૧૯ ની મહામારીના સમયગાળા દરમિયાન કોરોનાને લીધે જે બાળકે પોતાના માતા કે પિતા ગુમાવ્યા હોય તેવા એક વાલીવાળા કુલ-૩૮ બાળકો તેમજ જે બાળકે પોતાના બંને માતા-પિતા ગુમાવ્યા હોય તેવા કુલ-૮ જેટલા અનાથ બાળકોને જિલ્લા પ્રશાસન તરફથી શોધી કાઢવામાં આવ્યા છે. ભારત સરકારના નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ (NCPCR) દ્વારા આ બાળકોની બાળ સ્વરાજ પોર્ટલ ઉપર કરવાની થતી ઓનલાઈન એન્ટ્રી પણ જિલ્લા પ્રશાસન દ્વારા કરવામાં આવી છે. આવા અનાથ બાળકોને સરકારશ્રીની “મુખ્યમંત્રી બાળ સેવા યોજના” અંતર્ગત જે તે વિભાગની સહાય અને લાભો ઝડપી અને સમયસર મળી રહે તે જોવા નર્મદા જિલ્લાના નિવાસી અધિક કલેકટરશ્રી એચ.કે.વ્યાસે જિલ્લાના અમલીકરણ અધિકારીશ્રીઓને ખાસ અનુરોધ
કર્યો છે.

નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક સુશ્રી સી.એન. ચૌધરી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી સુશ્રી પી.એફ.ખોજા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી ચેતન પરમાર, જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી શ્રીમતી હસીનાબેન મન્સૂરી, CDMO અને સિવિલ સર્જન ડૉ. જ્યોતિબેન ગુપ્તા સહિત સામાજિક ન્યાય અધિકારીતા, અનુસૂચિત જાતિ કલ્યાણ, સમાજ કલ્યાણ, આદિજાતિ વિકાસ, શિક્ષણ, શ્રમ અને રોજગાર વગેરે જેવા વિભાગોના અમલીકરણ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં રાજપીપલા કલેકટરાલય ખાતે નિવાસી અધિક કલેકટરશ્રી એચ.કે.વ્યાસના અધ્યક્ષપદે તાજેતરમાં ગત સોમવારે યોજાયેલી બેઠકને સંબોધતા શ્રી વ્યાસે જિલ્લામાં હાલમાં નોંધાયેલ આવા અનાથ બાળકો ઉપરાંત સંબંધિત અધિકારીશ્રીઓને તેમની વિભાગીય ક્ષેત્રિય કામગીરી દરમિયાન અન્ય આવા અનાથ બાળકોની જાણકારી ઉપલબ્ધ થયેથી તે અંગેની માહિતી જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રીને પૂરી પાડવા ખાસ અનુરોધ કર્યો હતો.

ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના “મુખ્યમંત્રી બાળ સેવા યોજના” સંદર્ભે કરાયેલા ઠરાવની બાબતો પણ ઉક્ત બેઠકમાં વંચાણે લેવાની સાથોસાથ આ યોજનાના લાભો માટેની પાત્રતા, લાભોની વિગતો અને તે અંગેની જરૂરી શરતો વગેરે બાબતો અંગે પણ આ બેઠકમાં વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડી જરૂરી સમજ અપાઇ હતી.

નિવાસી અધિક કલેકટરશ્રી એચ.કે.વ્યાસે બેઠકમાં કરાયેલી ચર્ચા મુજબ જિલ્લામાં કોરોનાને લીધે અનાથ થયેલા આવા બાળકોને સદરહુ યોજના હેઠળ મળવાપાત્ર તમામ પ્રકારના લાભો શક્ય તેટલા ઝડપથી મળી રહે તે માટે તે અંગેના ફોર્મ ભરાવવાથી માંડીને તમામ પ્રકારની આનુસંગિક કામગીરી સત્વરે હાથ ધરાય તે જોવાની જરૂરિયાત પર ભાર મૂકી હવે પછી આગામી ખૂબ જ ટૂંકા ગાળામાં “એક્શન ટેકન રિપોર્ટ” સાથે સમીક્ષા કરાશે, તેમ પણ તેમણે જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, “મુખ્યમંત્રી બાળ સેવા યોજના”ના લાભો મેળવવા માટેની પાત્રતા જોઈએ તો ૦ થી ૧૮ વર્ષ સુધીની વયજુથના બાળકોના માતા અને પિતા બન્નેનું કોરોના સમયગાળા દરમિયાન અવસાન થયુ હોય તેવા બાળકોને, કોરોનાના સમયગાળા અગાઉ જે બાળકના માતા-પિતા બન્નેનું અવસાન થયુ હોય તે બાળકના પાલક માતા / પિતા પણ જો આ કોરોનાના સમયગાળા દરમિયાન અવસાન પામ્યા હોય તો તેવા ફરીથી અનાથ બનેલ બાળકને, જે બાળકના એક વાલી (માતા કે પિતા) કોરોનાના સમયગાળા અગાઉ અવસાન પામેલ હોય અને બીજા વાલી (માતા કે પિતા) કોરોનાના સમયગાળા દરમિયાન અવસાન પામે તો તેવા કેસમાં પણ નિરાધાર થયેલ બાળકોને આ યોજનાનો લાભ આવક મર્યાદા ધ્યાને લીધા સિવાય મળવાપાત્ર થશે.

તદ્અનુસાર આ યોજના હેઠળ બાળક ૧૮ વર્ષ પુર્ણ કરે ત્યાં સુધી દર માસે બાળક દીઠ રૂપિયા ૪,૦૦૦/- (બાળક જે માસમાં અનાથ થયેલ હોય તે માસથી સહાય મળવા પાત્ર થશે.), ૧૮ વર્ષ પુર્ણ કર્યા પછી જે બાળકનો અભ્યાસ ચાલુ હોય તેને રાજ્ય સરકારની “આફટર કેર યોજના”નો લાભ ૨૧ વર્ષની ઉંમર સુધી મળવા પાત્ર થશે, ૨૧ વર્ષ પુર્ણ કર્યા બાદ પણ જે યુવક / યુવતીઓએ માન્ય અભ્યાસ ચાલુ રાખેલ હશે તો તેમને અભ્યાસ પૂર્ણ થાય અથવા ૨૪ વર્ષની ઉંમર પુરી થાય-એ બેમાંથી જે વહેલુ હોય ત્યાં સુધી તેમને “આફ્ટર કેર યોજના” હેઠળ લાભ આપવામાં આવશે.

માર્ચ-૨૦૨૦ થી કોરોના મહામારીના અંત સુધી આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે, આ યોજનાના લાભ મેળવવા માટેની શરતોમાં જે અનાથ બાળકનું કુટુંબ ગુજરાતનું મુળ વતની હોય અથવા ગુજરાતમાં છેલ્લા દસ વર્ષથી કાયમી વસવાટ કરતુ હોય તેવા બાળકોને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે. ૧૦ વર્ષથી મોટી ઉંમરના બાળકના કેસમાં બાળકના નામનું અલગ બેંક ખાતું અને ૧૦ વર્ષથી નાની ઉંમરના બાળકના કેસમાં વાલીના નામનું ખાતુ ખોલાવી શકાય. (૧૦ વર્ષથી નાની ઉંમરના બાળક જ્યારે ૧૦ વર્ષથી વધુ ઉંમરનું થાય ત્યારે તે બાળકના નામનું અલગ બેંક ખાતુ ખોલાવવાનું રહેશે.) તેમજ સહાય મેળવતા બાળકનો અભ્યાસ ચાલુ હશે ત્યાં સુધી સહાય મળવાપાત્ર રહેશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है