શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, સુરત
લિંબાયતની નગર પ્રાથમિક શાળાના બે વિદ્યાર્થીઓએ યોગ સ્પર્ધામાં મેળવી અનોખી સિદ્ધી મેળવી,
રાજ્ય સ્તરીય યોગાસન સ્પર્ધા-૨૦૨૧-૨૨ માં બીજો અને ત્રીજો ક્રમાંક મેળવ્યો;
રાષ્ટ્રીય સ્તરે યોગ સ્પર્ધામાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે;
સુરત: રાજ્ય સરકાર બાળકોના સર્વાંગીણ વિકાસ માટે વિવિધ રમત-ગમત સાથે યોગ પર ભાર મૂકી રહી છે. યોગ અસોસિયેશન, સુરત દ્વારા સુરત ટેનિસ ક્લબ અઠવાલાઈન્સ ખાતે તા.૨૬ સપ્ટે.ના રોજ રાજ્ય સ્તરીય ‘ગુજરાત સ્ટેટ યોગાસન કોમ્પિટિશન-૨૦૨૧-૨૨’ ની સ્પર્ધા યોજાઈ હતી. જેમાં લિંબાયતની શાળા ક્ર.-૨૪૩ ‘શ્રી રામ ગણેશ ગડકરી નગર પ્રાથમિક શાળા’ના બે વિદ્યાર્થીઓ વિજેતા થયાં હતાં. યોગાસન સ્પર્ધાના અંડર-૧૪ ની કેટેગરીમાં ધો.૬ ના વિદ્યાર્થી રોનક મહેન્દ્ર રૂસાણેએ બીજો અને ધો.૮ ના વિદ્યાર્થી રાજ રામકૃષ્ણ પાટીલે ત્રીજો ક્રમાંક મેળવ્યો છે. દૈનિક યોગની પ્રેક્ટીસથી તાલીમબદ્ધ બનેલા બંને વિદ્યાર્થીઓએ સ્પર્ધામાં ૨૨ વિદ્યાર્થીઓને મ્હાત આપી પદક પ્રાપ્ત કર્યો હતો.
શાળાના આચાર્યશ્રી કિશોર વાઘ અને વિદ્યાર્થીઓના માર્ગદર્શક અને શિક્ષક નીતિન પવારે જણાવ્યું હતું કે, ‘શાળામાં થતી રમત-ગમતની વિવિધ પ્રવૃત્તિઓમાં રોનક અને રાજ હમેશાથી અગ્રેસર રહ્યા છે. રાજ્ય સ્તરે પદક પ્રાપ્ત કર્યા બાદ રાષ્ટ્રીય સ્તરે યોગા સ્પર્ધામાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે. આ સ્પર્ધામાં પણ વિજેતા બની સુરતનું ગૌરવ વધારે એવી તેઓએ શુભકામનાઓ પાઠવી હતી.