ખેતીવાડી

વ્યારા ખાતે જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો સાથે “પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ” યોજતા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ ,  24×7  વેબ પોર્ટલ 

તાપી જિલ્લાના વ્યારા ખાતે જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો સાથે “પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ” યોજતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

દેશી ગાય, ગોબર, અને ગૌમૂત્ર કૃષકોની સમૃદ્ધિનો માર્ગ કંડારશે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

ઋષિ અને કૃષિ સંસ્કૃતિના જતન સંવર્ધનની આપણી સૌની સહિયારી જવાબદારી છે- રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

ગાય, અળસિયા, સૂક્ષ્મ જીવાણુ, વર્ષાનું પાણી, અને આચ્છાદન એ પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતોના સાચા મિત્રો છે : રાજ્યપાલશ્રી

 વ્યારા:  રાજ્ય અને દેશના લોકો પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા ખેડૂતો સામે આશાની મીટ માંડી રહ્યા છે. તેમ જણાવતાં ગુજરાતના રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, પ્રાકૃતિક ખેતીના રાજયવ્યાપી અભિયાન બાદ ખેડૂતો અને તેમના ખેત ઉત્પાદનની માંગ વધશે. દેશના લોકો પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને સન્માનની દ્રષ્ટિએ જોશે.

ગાય, ગોબર, અને ગૌમૂત્રનુ મહત્વ વર્ણવતા રાજયપાલશ્રીએ પ્રાકૃતિક ખેતીના માધ્યમથી ‘સર્વજન હિતાય, સર્વજન સુખાય’ ની ભાવના સાથે ખેત ઉત્પાદન કરતા ખેડૂતોને અભિનંદન પાઠવી ખેતીમાં થતા નીંદામણ/કચરાને કંચન સમજવાની અપીલ કરી તેના ઉપયોગનું મહત્વ સમજાવ્યું હતું. રાજ્યપાલશ્રીએ તાપી જિલ્લાના વ્યારામાં પ્રાકૃતિક કૃષિ સંમેલનમાં ઉપસ્થિત ખેડૂતો વચ્ચે જૈવિક ખેતી અને પ્રાકૃતિક ખેતી વચ્ચેનો સૂક્ષ્મ તફાવત સ્પષ્ટ કરી, પ્રાકૃતિક ખેતી અંગેના તેમના વિચારો સ્પષ્ટ કર્યા હતા.

રસાયણ મુક્ત ખેતી, અને જીવામૃતને જીવનનું અમૃત સમજવાની અપીલ કરતાં રાજયપાલશ્રીએ ધરતીનું ધન ફળદ્રુપતા છે તેમ ઉમેર્યું હતું. કેન્દ્ર અને રાજ્ય સરકારોના પ્રયાસોની પ્રસંશા કરતાં રાજ્યપાલશ્રીએ સિદ્ધહસ્ત વૈજ્ઞાનિકો અને અનુભવ પ્રચુર વરિષ્ઠ અધિકારીઓના જ્ઞાન અને સમજણના માર્ગ ઉપર આગળ વધવાની પણ ખેડૂતોને હિમાયત કરી હતી.

રાજ્યપાલશ્રી એ પ્રકૃતિના ચક્રની બારીકાઈ વર્ણવી ધરતીના સૂક્ષ્મ જીવાણુઓની કાર્યપદ્ધતિ સ્પષ્ટ કરી હતી. ગાય, અળસિયા, સૂક્ષ્મ જીવાણુ, વર્ષાનું પાણી, અને આચ્છાદન એ પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતોના સાચામિત્રો છે, તેમ રાજ્યપાલશ્રીએ સદ્રષ્ટાંત સ્પષ્ટ કર્યું હતું. પૃથ્વી અને આકાશના ઓર્ગેનિક કાર્બનનુ સંતુલન જાળવી, ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાથી વિશ્વના તમામ જીવોનુ રક્ષણ કરી શકાય છે તેમ જણાવ્યું હતું.

પ્રાકૃતિક ખેતીને અપનાવીને ખેડૂતો ક્રમશઃ તેનું ઉત્પાદન વધારી શકે છે, તેમ કહી રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ઓછા ખેત ઉત્પાદન સામે રાજ્ય સરકારની સહાય યોજના, અને ગૌ ઉછેર માટે અપાતી સહાયનો ઉલ્લેખ કરીને, પ્રાકૃતિક ખેતીના તજજ્ઞો અવાર-નવાર અહીની મુલાકાત લઈ ખેડૂતોને માર્ગદર્શન આપશે તેમ જણાવ્યું હતું.

પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને રાજ્યની પાંજરાપોળોમાંથી વિનામૂલ્યે દેશી ગાય આપવાની નીતિ તૈયાર થઈ રહી હોવાનું જણાવી રાજ્યપાલશ્રીએ, દેશ આખાના ખેડૂતો અહીંના પરિશ્રમી ખેડૂતો પાસેથી પ્રાકૃતિક ખેતીની તાલીમ લેશે તેવો આશાવાદ વ્યકત કરી, સ્થાનિક ઉત્પાદનોના વેચાણ માટે રાજ્ય સરકાર વ્યવસ્થા ઉપલબ્ધ કરાવી રહી છે તેમ જણાવ્યું હતુ.

ભારતીય નસ્લની ગાયોના જતન સંવર્ધન અર્થે પણ નવી નીતિ અમલી બની રહી છે, તેમ રાજ્યપાલશ્રીએ વધુમાં ઉમેર્યું હતું.

ભાવિ પેઢીને શુદ્ધ હવા, પાણી, જમીન, અને આબોહવા આપવા સાથે સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી આપવાનું પવિત્ર યજ્ઞકાર્ય પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો કરી રહ્યા છે. તેમને રસાયણનો ત્યાગ કરીને સંપૂર્ણ ઝેરમુક્ત ખેતી કરવાનું આહ્વાન પણ રાજયપાલશ્રીએ કર્યુ હતું.

પાડોશી ડાંગ જિલ્લો રાજ્ય અને દેશને પ્રાકૃતિક ખેતી અંગે દિશાદર્શન કરી રહ્યો છે, તેમ જણાવતાં રાજ્યપાલશ્રીએ તાપીના મહેનતકશ ખેડુતો પણ પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે સીમાચિહ્નરૂપ કામગીરી કરશે, તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. તાપીને પ્રાકૃતિક ખેતી માટે પસંદ કરીને રાજ્ય સરકારે ખુબ જ ઉપકારક કાર્ય કર્યું છે તેમ જણાવતાં રાજયપાલશ્રીએ, ખેડૂતોને ખુશહાલ અને સમૃદ્ધ થવાના સાધુવાદ સાથે આશીર્વચન પાઠવ્યા હતા. પોતાના સ્વાનુભાવો વર્ણવતા રાજ્યપાલશ્રીએ, જિલ્લા કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીની આગેવાની હેઠળની સમગ્ર ટીમ તાપીના સંનિષ્ઠ પ્રયાસોની સરાહના કરી હતી.

ઉલ્લેખનીય છે કે, રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સ્વયં પ્રાકૃતિક ખેતીના પ્રખર હિમાયતી, અને આગ્રહી છે. તેમના માર્ગદર્શન, અને રસને કારણે રાજ્યમાં પ્રાકૃતિક ખેતીને ઉત્તરોતર નવી દિશા મળતી રહે છે. પ્રાકૃતિક ખેતી દ્વારા શુધ્ધ, સાત્વિક અન્ન મળી રહે, અને ડાયાબિટીસ, હાઇપર ટેન્શન, કેન્સર, જેવા રોગોથી બચી શકાય છે.

પ્રાકૃતિક ખેતીમાં નુકશાનની સંભાવના ઊભી થાય, તો રાજ્ય સરકાર ખેડૂતોને યોગ્ય મદદ માટે, પડખે ઊભી રહેવા તત્પર છે. ખેતી પ્રધાન ભારત દેશની ઋષિ અને કૃષિ સંસ્કૃતિને પ્રાકૃતિક ખેતી તરફ દોરીને જમીનની ફળદ્રુપતા વધારવા સાથે, પ્રજાજનોને સ્વાસ્થપ્રદ જીવનશૈલી આપવાનો સ્તુત્ય પ્રયાસ એટલે પ્રાકૃતિક ખેતી, તેવો એક સર્વસામાન્ય સાર્વજનિક મત ઉભો થવા પામ્યો છે.

તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા સ્થિત ડો.શ્યામાપ્રસાદ મુખર્જી ટાઉન હોલ ખાતે “પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ”નુ આયોજન કરાયું હતું. આ પ્રસંગે બારડોલી મત વિસ્તારના સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી સુરજભાઇ વસાવા, વ્યારાના ધારાસભ્ય શ્રી મોહનભાઈ કોંકણી, નિઝરના ધારાસભ્યશ્રી ડૉ. જયરામભાઈ ગામીત, મહુવાના ધારાસભ્ય શ્રી મોહનભાઈ ઢોડિયા આત્માના નિયામક શ્રી એચ.કે.વઢવાણીયા, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાહુલ પટેલ, પદ્મશ્રી રમીલાબેન ગામીત, ખેતીવાડી અધિકારીશ્રી ચેતન ગરાસીયા, તાપી આત્મા પ્રોજેક્ટના અધિકારીશ્રી અલ્કેશભાઇ પટેલ સહિત ઉચ્ચ અધિકારીઓ, પદાધિકારીઓ અને જિલ્લાના એક હજારથી વધુ પ્રગતિશીલ ખેડૂત ભાઇ, બહેનો કાર્યક્રમમાં સહભાગી થયા હતા. પરિસંવાદના પ્રારંભે કલેકટર સુશ્રી ભાર્ગવી દવેએ રાજ્યપાલશ્રી સહિતના મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યુ હતુ. આભારવિધિ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડી.ડી.કાપડીયાએ કરી હતી. ઉદઘોષક તરીકે તાલુકા શિક્ષણાધિકારી શ્રી અરવિંદભાઈ ગામીતે સેવા આપી હતી. 

પત્રકાર : કીર્તનકુમાર ગામીત

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है