મારું ગામ મારાં ન્યુઝ

ડાંગ કલેક્ટર એન.ડી.પરમારના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન-વ-ફરિયાદ સમિતિની યોજાઈ બેઠક:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ

ડાંગ કલેક્ટર એન.ડી.પરમારના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન-વ-ફરિયાદ સમિતિની યોજાઈ બેઠક:

ચોમાસા પૂર્વે રસ્તાના સમારકામ, પીવાના પાણી અને ગ્રામીણ પ્રશ્નોના નિકાલ માટે અધિકારીઓને કલેક્ટરશ્રીની તાકીદ:

દિનકર બંગાળ, આહવા: ડાંગ જિલ્લા સેવા સદન, આહવા ખાતે જિલ્લા કલેક્ટર શ્રી એન. ડી. પરમારના અધ્યક્ષ સ્થાને ‘જિલ્લા સંકલન-વ-ફરિયાદ સમિતિ’ની બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રીએ તેમના ક્ષેત્રીય પ્રવાસ દરમિયાન જોયેલી બેઠકોમાં જાણવા મળેલ વહીવટી ક્ષતિઓની પૂર્તતા કરવા, અને ગ્રામીણ પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવવા વિવિધ વિભાગના અમલીકરણ અધિકારીઓને સૂચના આપી હતી.

બેઠક દરમિયાન કલેક્ટરશ્રીએ ગ્રામીણ વિસ્તારોમાં એસ.ટી. બસ સેવાઓ સુદ્રઢ કરવા, છેવાડાના નાગરિકોને પરિવહનની મુશ્કેલી ન પડે તે સુનિશ્ચિત કરવા, આંગણવાડીઓમાં પ્રાથમિક સુવિધાઓ આપવા તેમજ તમામ સી.એચ.સી. અને પી.એચ.સી. કેન્દ્રો પર પૂરતી દવાઓનો જથ્થો ઉપલબ્ધ કરાવવા જણાવ્યું હતું. આ ઉપરાંત લવચાલી-પીપલાઈદેવી માર્ગના નવીનીકરણ અને ચોમાસા પૂર્વે સ્ટેટ તથા નેશનલ હાઈવેના સમારકામ માટે સંબંધિત અધિકારીઓને તાકીદ કરવામાં આવી હતી.

જિલ્લામાં પાણી પુરવઠાની સમીક્ષા કરતા તેમણે બોરવેલ રિચાર્જ, જર્જરિત કૂવાઓનું સમારકામ અને નળ-ટાંકીના લીકેજ ત્વરિત રીપેર કરવા પાણી પુરવઠા અધિકારીઓને આદેશ આપ્યા હતા.

શિક્ષણ ક્ષેત્રે જિલ્લાની શાળાઓમાં સ્વચ્છતા, શેડ, કમ્પાઉન્ડ વોલ અને ઓરડાની સુવિધા સુધારવા તેમજ વિદ્યાર્થીઓ માટે બસની સુવિધા સુનિશ્ચિત કરવા જણાવાયું હતું.

આ ઉપરાંત, એ.જી. ઓડિટ, બાકી કેસો, પેન્શનના પ્રશ્નો, ડીજીટલ કામગીરી, સોલાર રૂફટોપ, પી.જી. પોર્ટલ અને સ્વાગતની અરજીઓ સહિત ‘સંપૂર્ણતા અભિયાન ૨.૦’ ની કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવા પણ સૂચના અપાઇ હતી.

જિલ્લા સંકલન સમિતિની બેઠકની સાથે કાયદો-વ્યવસ્થા, રોડ સેફ્ટી અને ઘન કચરા વ્યવસ્થાપન જેવી શ્રેણીબદ્ધ બેઠકો પણ યોજાઇ હતી, જેમાં જિલ્લા વિકાસ અધિકારી એસ. ડી. તબીયાર અને નાયબ વન સંરક્ષક નીરજકુમાર સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠકનું સંચાલન નિવાસી અધિક કલેક્ટર હિતેશ જણકાટે કર્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है