
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ
- આહવા ખાતે ધારાસભ્ય વિજયભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ વ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો:
વિવિઘ યોજનાકીય લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે કીટ વિતરણ કરાયું
દિનકર બંગાળ, આહવા: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’ અંતર્ગત ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આવેલ સાંસ્કૃતિક ભવન હોલમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વ ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ વ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે શ્રી વિજયભાઈ પટેલે જણાવ્યું હતું કે, ડાંગ જિલ્લાને દેશનો સૌ પ્રથમ પ્રાકૃતિક જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે, જે આપણાં સૌ માટે ગૌરવની બાબત છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા જે સંકલ્પ વ્યક્ત કર્યો છે, તેને સાકાર કરવા સૌએ એકજૂટ થઈ કાર્ય કરવું જોઈએ. પ્રાકૃતિક ખેતીમાં સરકાર સહયોગ આપે છે ત્યારે તમામ ખેડૂતોએ જાગૃત થઈ પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવો જોઇએ. હાલની પરિસ્થિતિને ધ્યાને લેતાં જમીનની ફળદ્રુપતા વધારવા માટે પ્રાકૃતિક ખેતી અત્યંત મહત્વ બની છે.
રાસાયણિક ખેતીના ગંભીર પરિણામો વિશે જાગૃત કરતા શ્રી વિજયભાઈ પટેલે ઉમેર્યું કે, યુરિયા, ડીએપી અને ઝેરી જંતુનાશકોના અતિશય વપરાશથી જમીનના મિત્ર ગણાતા અળસિયા અને સૂક્ષ્મ જીવાણુઓ નાશ પામ્યા છે. જેના કારણે જ કેન્સર જેવી જીવલેણ બીમારીઓનું મૂળ કારણ બની રહ્યું છે. જો આ પદ્ધતિ ચાલુ રહેશે, તો ભવિષ્યમાં જમીન પથ્થર જેવી કઠણ થઈ જશે અને ખેતી માટે અયોગ્ય બની જશે.
શ્રી પટેલે વધુમાં જણાવ્યું હતું કે, નિર્મળ જીવન જીવવા માટે પ્રાકૃતિક કૃષિ જ એકમાત્ર ઉપાય છે. ડાંગ જિલ્લામાં ખેડૂતો સો ટકા પ્રાકૃતિક ખેતી અપનાવે તે હાલની જરૂરિયાત બની ગઈ છે. આવનાર પેઢી માટે પ્રાકૃતિક ખેતી ખુબ જ જરૂરી છે. સરકાર છેવાડાના માનવી સુધી કલ્યાણકારી યોજનાઓના લાભ પહોંચાડવા માટે પરિણામલક્ષી પ્રયાસ કરી રહી છે, ત્યારે પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વઘારવા મહત્તમ સરકારી યોજનાઓનો લાભ લેવા શ્રી પટેલે ખેડુતોને અનુરોઘ કર્યો હતો. આ વેળા તેમણે પ્રાકૃતિક કૃષિના મોડેલ ફાર્મની મુલાકાત લેવા પણ ખેડૂતોને જણાવ્યું હતું.
આ સાથે જ ડાંગના તમામ લોકોને એક સાથે રહી ગામની સમસ્યા નિવારણ માટે એકજુથ બનવા આહવાન કર્યું હતું. ડાંગ જિલ્લાના આર્થિક વિકાસ માટે ખેતી અને પશુપાલન ખુબ જ મહત્વપૂર્ણ છે, ત્યારે જિલ્લામાં પાણીની સમસ્યાના નિવારણ માટે નદીઓ ઉપર નાના નાના ડેમો બનાવી, ઉપરાંત વિયરો બનાવી, વહી જતું પાણી ડાંગમાં જ રોકવા સાથે જિલ્લામાં સિંચાઈ સુવિધાઓ ઊભી કરવાં માટેના સરકારના પ્રયાસો તેમજ કાર્યો અંગેનો ખ્યાલ આપ્યો હતો. આ સાથે જ પીવાના પાણીની સમસ્યા માટે તાપી આધારિત રૂ.૮૬૬ કરોડની યોજના હાલ પ્રગતિમા છે. જે અંગે ખેડૂતોને આશ્વસ્થ કરી શ્રી વિજયભાઈ પટેલે પીવાના પાણી તેમજ સિંચાઈ માટેની વ્યવસ્થાના ભાગરૂપે સરકાર દ્વારા સ્તુત્ય પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે તેમ જણાવ્યું હતું.
જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રાજેશભાઈ ગામીતે જણાવ્યું હતું કે, રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન હેઠળ પ્રાકૃતિક કૃષિને વેગ મળી રહ્યો છે, ત્યારે આવનારી પેઢીના સ્વાસ્થ્ય અને જમીનની ફળદ્રુપતા જાળવવા માટે ડાંગ જિલ્લાના પ્રત્યેક ખેડૂતો વૈજ્ઞાનિક સમજ કેળવીને સ્વયં પ્રાકૃતિક ખેતી અપનાવીને અન્ય ખેડૂતોને પણ જાગૃત કરે તે અનિવાર્ય છે.
આ કાર્યક્રમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના અધ્યાપકોએ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ, પાક સંરક્ષણ, વૈજ્ઞાનિક પશુપાલન અને વિવિધ બાગાયતી યોજનાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
કાર્યક્રમના પ્રારંભમાં ‘આત્મા’ પ્રોજેક્ટના ડાયરેક્ટર શ્રી સંજય ભગરીયાએ પ્રાકૃતિક સ્વાગત પ્રવચન દ્વારા સૌને આવકાર્યા હતા
આ કાર્યક્રમમાં આઇ ખેડુત પોર્ટલ ઉપર બાગાયતી તેમજ ખેતીવાડી વિભાગની વિવિધ સહાય અને યોજનાઓનો લાભ લેવાં માટે તમામ ખેડુતોને અનુરોધ કરાયો હતો. કાર્યક્રમ બાદ નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલ અને ઉપસ્થિત મહાનુવાઓએ વિવિધ વિભાગોના સ્ટોલ્સનું નિદર્શન કરી માહિતગાર થયા હતાં.
આ પરિસંવાદ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ શ્રીમતી ઉષાબેન પટેલ, સુબીર તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સંજયભાઈ પવાર સહિત જિલ્લા કલેક્ટર શ્રી એન. ડી. પરમાર, અગ્રણીશ્રી કિશોરભાઇ ગાવિત તેમજ જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારી, કર્મચારીઓ, કૃષિ વૈજ્ઞાનિકો તેમજ મોટી સંખ્યામાં ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.


