
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ
છેલ્લા એક મહિનાથી અનડીટેક્ટ રહેલા સાયબર ક્રાઇમના આરોપીને સાપુતારા પોલીસે ઝડપી પાડ્યો:
દિનકર બંગાળ, આહવા: ડાંગ જિલ્લાના પોલીસ અધિક્ષક પૂજા યાદવ તથા નાયબ પોલીસ અધિક્ષક આહવા વિભાગ દ્વારા જિલ્લાના વિવિધ પોલીસ મથકોને અનડીટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલવા તેમજ વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે સખત સૂચનાઓ આપવામાં આવી હતી.
આ સૂચનાઓના અનુસંધાને સાપુતારા પોલીસ સ્ટેશનના સ્ટાફે સઘન તપાસ હાથ ધરી હતી. સાપુતારા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૭૮(૧) તેમજ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ-૨૦૦૦ની કલમ ૬૬(C) અને ૬૭ હેઠળ નોંધાયેલા ગુનામાં ભોગ બનનાર વ્યક્તિના ફોટોગ્રાફ્સ ઇન્સ્ટાગ્રામ પર વાયરલ કરી સાયબર ક્રાઇમ આચરવામાં આવ્યો હતો.
આ ગુનો છેલ્લા એક મહિનાથી અનડીટેક્ટ રહ્યો હતો. જોકે, સાપુતારા પોલીસની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ (સોર્સ)ની મદદથી તપાસ આગળ વધારી આરોપીની ઓળખ મેળવી હતી.
તપાસ દરમિયાન પોલીસે આરોપી વિજયભાઈ મુકુંદભાઈ પવાર, રહે. પીપલપાડા (ગલકુંડ), તાલુકો આહવા, જિલ્લો ડાંગને ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



