
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ ૨૪x૭ વેબ પોર્ટલ
ચીખલી–ખેરગામમાં ક્રિકેટનો મહોત્સવ: ૨૨ ટીમો વચ્ચે જંગી ટક્કર, માવલી ૧૧ ઘોલાર વિજેતા!
યુવાનોનો જુસ્સો શિખરે: કુકણા સમાજ વિકાસ મંડળ દ્વારા ભવ્ય ક્રિકેટ મહોત્સવ યોજાયો
કમલેશ ગાંવિત, વાંસદા: ચીખલી–ખેરગામ તાલુકામાં કુકણા સમાજ વિકાસ મંડળ દ્વારા સમાજના યુવાનોમાં ખેલદિલી, એકતા અને નેતૃત્વના સંસ્કારો વિકસે તે પવિત્ર હેતુ સાથે તા. ૧૪ અને ૧૫ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ ‘ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન–૧’નું ભવ્ય અને ઐતિહાસિક આયોજન કરવામાં આવ્યું હતું. આ રમતોત્સવનું આયોજન માવલી ક્રિકેટ ગ્રાઉન્ડ તથા કાળિયાપહાડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું, જ્યાં બે દિવસ સુધી ક્રિકેટપ્રેમીઓનો જુસ્સો અને ઉત્સાહ શિખરે જોવા મળ્યો હતો.
ઉદઘાટન સમારંભ ઉત્સાહભર્યા વાતાવરણમાં યોજાયો હતો. ઘોલાર ગામના સરપંચશ્રી, ડેપ્યુટી સરપંચશ્રી, કુકણા સમાજના મંત્રીશ્રી, કારોબારી સભ્યો તથા મોટી સંખ્યામાં ઉપસ્થિત યુવા ખેલાડીઓની ગૌરવસભર હાજરીએ કાર્યક્રમને વિશેષ ભવ્યતા અર્પી હતી. સમાજના આગેવાનો દ્વારા યુવાનોને રમતગમતને જીવનમૂલ્ય તરીકે અપનાવી, સમાજના વિકાસકાર્યોમાં સક્રિય સહભાગી બની નવી ક્રાંતિ સર્જવા પ્રેરણાદાયી સંદેશ આપવામાં આવ્યો હતો.
ટુર્નામેન્ટમાં સમાજના વિવિધ ગામોમાંથી ૨૨ જેટલી ટીમોએ જબરદસ્ત ઉમંગ સાથે ભાગ લીધો હતો. મેદાન પર દરેક ટીમે શ્રેષ્ઠ પ્રદર્શન કરી પોતાની પ્રતિભા અને ટીમસ્પિરિટનો પરિચય આપ્યો હતો. દરેક મુકાબલો રોમાંચ, રણનીતિ અને જઝ્બાથી ભરપૂર રહ્યો હતો, જેના કારણે દર્શકોમાં અનોખો ઉત્સાહ અને કૌતૂહલ જોવા મળ્યું હતું.
ફાઇનલ મુકાબલો માવલી ૧૧ ઘોલાર અને માંડવખડક ૧૧ વચ્ચે અત્યંત જંગી અને કટોકટીભર્યો રહ્યો હતો. મેચ અંતિમ પળ સુધી રોમાંચથી છલકાતી રહી હતી. અંતે માવલી ૧૧ ઘોલાર ટીમે શાનદાર રમત દેખાડી વિજયનો તાજ પહેર્યો હતો, જ્યારે માંડવખડક ૧૧ ટીમે પણ જોરદાર ટક્કર આપી રનર્સ-અપનો ખિતાબ મેળવ્યો હતો. બંને ટીમોના ખેલાડીઓની રમતદિલી અને જુસ્સાને મંડળ દ્વારા હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
આ મહોત્સવને વિશેષ ગૌરવ આપતા ડૉ. ભાવેશ પી. દેશમુખ દ્વારા ટ્રોફી સ્પોન્સર કરવામાં આવી હતી, જે યુવાનો માટે પ્રેરણારૂપ અને ઉત્સાહવર્ધક સાબિત થઈ હતી. ટુર્નામેન્ટમાં વિશાંત ટોપલીયા ‘મેન ઓફ ધ સિરીઝ’ તથા ‘બેસ્ટ બેટર’ તરીકે ચમક્યા હતા. ચાર મેચમાં ૧૪૩ રન અને ૩ વિકેટ મેળવી તેમણે સર્વાંગી પ્રતિભાનું અદ્ભુત પ્રદર્શન કર્યું હતું. ફાઇનલમાં તેજસ થોરાત ‘મેન ઓફ ધ મેચ’ તરીકે ઉજાગર થયા હતા. ૮ બોલમાં ૧૬ રન અને ૨ ઓવરમાં ૧૩ રન આપી ૨ વિકેટ ઝડપી તેમણે ટીમને વિજય સુધી પહોંચાડવામાં નિર્નાયક ભૂમિકા ભજવી હતી.
સમાપન સમારંભે ખેરગામ તાલુકા ભાજપના પ્રમુખ શ્રી લીતેશભાઈ ગાંવિત, ઘોલાર ગામના સરપંચ શ્રી વલ્લભભાઈ દેશમુખ તેમજ કુકણા સમાજના પ્રમુખ અને મંત્રીશ્રીના હસ્તે વિજેતા અને રનર્સ-અપ ટીમોને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. મહાનુભાવોએ ખેલાડીઓને ભવિષ્યમાં રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે પ્રગતિ કરવા શુભેચ્છાઓ પાઠવી હતી.
આ સમગ્ર ક્રિકેટ મહોત્સવને ભવ્ય સફળતા અપાવવા માટે જયંતીભાઈ પવાર, મુકેશભાઈ ભોયા, મિલન પવાર, જય માહલા તથા ગામના તમામ યુવા મિત્રો દ્વારા અવિરત મહેનત અને સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું. તેમના સહકાર, સંકલન અને સમર્પણથી આ ટુર્નામેન્ટ માત્ર રમતગમતનો કાર્યક્રમ નહીં, પરંતુ સમાજની એકતા, શક્તિ અને ઉત્સાહનું પ્રતીક બની ઊભરી આવી હતી.



