શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા
નર્મદા જિલ્લા ના ૧૨૧ ગામો ને ઇકો સેન્સિટિવ ઝોનમાં સમાવવા નો વિરોધ વધતો જાય છે, અને આ વિરોધ માટે ભાજપ સાંસદ ની સાથે માજી ધારાસભ્ય એ પણ તેમનો સુર પુરાવ્યો છે, ડેડીયાપાડા ભાજપ ના પૂર્વ MLA અને પૂર્વ વનમંત્રી મોતીસિંહ વસાવા એ જિલ્લાના સરપંચોને ઇકો સેન્સેટીવ ઝોનનો આગામી દિવસોમાં મળનારી ગ્રામસભામાં વિરોધ કરતો ઠરાવ કરવા એક પત્ર લખી આહવાન કર્યું છે. માજી ધારાસભ્ય ના જણાવ્યા મુજબ ગ્રામસભામાં મળેલા બંધારણીય હક અનુસૂચિ પાંચ મુજબ તેમજ પેસા એક્ટ મુજબ ગ્રામસભાને તમામ અધિકાર છે, અને એ અધિકારોનો ઉપયોગ કરી ઇકો સેન્સેટીવ ઝોનનો વિરોધ કરતો ઠરાવ કરવા સરપંચોને અપીલ કરી છે, તેમનો આ પત્ર આજે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આ પત્રમાં માજી ધારાસભ્ય ઇકો ઝોનનો વિરોધ કરવા અને તે રદ કરવા સંસદ મનસુખ વસાવાએ વડાપ્રધાનને લખેલા પત્રનો પણ ઉલ્લેખ કર્યો છે, આમ નર્મદા જિલ્લાના ચાર તાલુકાના ૧૨૧ ગામોને ઇકો સેન્સેટીવ ઝોનમાં કેન્દ્ર સરકારે સમાવેશ કરતા હવે સત્તાધારી ભાજપ માંજ તેનો વિરોધ વધતો જાય છે, અને આગામી દિવસોમાં મળનારી ગ્રામ સભામાં પણ ઈકો ઝોન કરતા ઠરાવો થશે તે નિશ્ચિત મનાય છે, ત્યારે કેન્દ્ર સરકાર ભાજપમાં જ વધતા જતા વિરોધી સુર ને ધ્યાનમાં લઇ ઈકો સેન્સીટીવ ઝોન નું જાહેરનામું રદ કરે છે કે કેમ તે એક મોટો પ્રશ્ન છે, તો બીજી બાજુ જિલ્લા વહીવટીતંત્ર અને વન વિભાગે પણ ઈકો સેન્સીટીવ ઝોન ગ્રામજનો માટે નુકસાન કારક નથી અને શા માટે આ જાહેરનામું પ્રસિદ્ધ થયું છે, તેની સ્પષ્ટતા કરતી અખબારી યાદી પણ પ્રસિદ્ધ કરી છે ત્યારે આ મામલે આગામી દિવસોમાં શું નિર્ણય લેવાય છે તે જોવું રહ્યું.