શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
તાપી જિલ્લામાં ગણેશોત્સવ અન્વયે કલેક્ટરશ્રી એચ.કે.વઢવાણીયાની અધ્યક્ષતામાં મંડળના આયોજકો સાથે બેઠક યોજાઈ:
કોઇ પણ ધર્મ કે સમાજની લાગણી દુભાય તેવા કૃત્યો ન કરવા તમામ આયોજકોને ખાસ તકેદારી રાખવા અપીલ કરતા જિલ્લા કલેક્ટરશ્રી એચ.કે.વઢવાણિયા
સાર્વજનિક ગણેશ મહોત્સવમાં પંડાલમાં લાઇટ, સીસીટીવી, ફાયર એક્સટેન્ગ્યુશર, બેરીગેટ મુકવા તથા બનાવેલ મંડપ રાહદારીઓને અડચણ રૂપ ના બને કે કોઇ પણ રોડ બ્લોક ના થાય તેની તકેદારી રાખવા જણાવતા જિલ્લા પોલિસ અધીક્ષક રાહુલ પટેલ
પર્યાવરણને નુકશાનથી બચાવવા અને સ્થાનિક જરૂરીયાતમંદ બહેનોને રોજગારી અપાવવા જિલ્લાની આદિવાસી બહેનો દ્વારા તૈયાર કરવામાં આવેલ ઇકોફ્રેન્ડલી ગણેશ પ્રતિમા અપનાવો:- જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડિયા
વ્યારા: તાપી કલેકટર એચ.કે.વઢવાણીયાના અધ્યક્ષસ્થાને આગામી ગણેશોત્સવ તહેવારને અનુલક્ષીને જિલ્લાના તમામ ગણેશોત્સવ મંડળો સાથે મીટીંગ કરી કેન્દ્રિય/રાજય સરકાર અને હાઇકોર્ટ દ્વારા ગણેશ મૂર્તી અંગેની માર્ગદર્શીકા જણાવી નિયમોના પાલન કરવા ઉપર ભાર મૂકયો હતો. તેમણે આયોજકોને ખાસ જણાવ્યું હતું કે, ઘરમાં નાની ગણેશ પ્રતિમાની સ્થાપનાઓ સિવાય અન્ય તમામ આયોજકોએ પોલીસ સ્ટેશન ખાતે જરૂરી રજીસ્ટ્રેશન કરાવી લેવી ફરજીયાત છે. તહેવાર દરમિયાન કોઇ પણ ધર્મ કે સમાજની લાગણી દુભાય તેવા કૃત્યો ન કરવા તમામ આયોજકોને ખાસ તકેદારી રાખવા અને પીઓપી કે પર્યાવરણને નુકશાનકારક હોય તેવી કોઇ પણ સામગ્રીનો ઉપયોગ ના થયો હોય તેવી જ પ્રતિમા લાવવા સુચનો કર્યા હતા. આ સાથે મૂર્તિનું વિસર્જન તંત્ર દ્વારા તૈયાર કરેલ કૃત્રિમ તળાવોમાં જ થાય તે માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
બેઠકમાં પોલિસ અધિક્ષકશ્રી રાહુલ પટેલે જણાવ્યું હતુ કે, જિલ્લામાં તહેવાર દરમિયાન ગણેશ પ્રતિમાના આગમનથી લઇ વિસર્જન સુધી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા શાંતિપૂર્ણ માહોલમાં તહેવારો ઉજવાય તે માટે આયોજકો દ્વારા ખાસ કાળજી લેવામાં આવે આ સાથે તેમણે વિવિધ મુદ્દાઓ અંગે જરૂરી ચર્ચા કરી હતી. જેમાં સાર્વજનિક ગણેશ મહોત્સવમાં મહત્તમ 5 ફૂટની જ્યારે ઘરમાં મહત્તમ ૨ ફૂટની ગણેશ મૂર્તિનું સ્થાપના કરવા, સાર્વજનિક ગણેશ મહોત્સવમાં પંડાલ/મંડપમાં લાઇટ, સીસીટીવી, ફાયર એક્સટેન્ગ્યુશર, બેરીગેટ મુકવા તથા બનાવેલ મંડપ રોડ ઉપર રાહદારીઓને અડચણ રૂપ ના બને કે કોઇ પણ રોડ બ્લોક ના થાય તેની ખાસ તકેદારી રાખવા જણાવ્યું હતું. આ સાથે પ્રતિમાના આગમન કે વિસર્જન દરમિયાન ડીજેનો અવાજ 90 ડેસીબલ થી વધારે ના હોય, તહેવાર ધ્વનિ પ્રદૂષણનું કારણ ન બને તેની તકેદારી રાખવા અને રાત્રે 10 વાગ્યા પછી ડીજેનો ઉપયોગ ઉપર પ્રતિબંધ મુકવા અંગે જણાવ્યું હતું.
જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડિયાએ આયોજકોને ઇકોફ્રેન્ડલી ગણેશ મૂર્તી અપનાવવા અપીલ કરતા જણાવ્યું હતું કે, તાપી જિલ્લાની સ્થાનિક આદિવાસી બહેનો દ્વારા ખુબ જ ઉચ્ચ ગુણવત્તાની ગણેશ પ્રતિમાઓ ઇકોફ્રેન્ડલી મટીરીયલ દ્વારા તૈયાર કરવામાં આવે છે. જેથી પર્યાવરણને નુકશાનથી બચાવવા અને સ્થાનિક જરૂરીયાતમંદ બહેનોને રોજગારી અપાવવા બોરખડીની સ્નેહા સખી મંડળ મોબાઈલ: 95860 24303 જેની દુકાન વ્યારા રેલવે સ્ટેશન પાસે વન વિભાગ દ્વારા ફાળવેલ દુકાન ખાતે અને કૈવલ સખી મંડળ મો. 9537568008 જેની દુકાન વ્યારા સ્થિત અંબાજી મંદીર કોમ્પ્લેક્ષ ખાતે છે એમ જાણકારી આપી હતી. આ સાથે આયોજકો દ્વારા ગણેશ વિસર્જન કૃત્રિમ તળાવોમાં જ થાય તેની ખાસ તકેદારી રાખવા અપીલ કરી હતી.
આ બેઠકમાં અધિક કલેકટર આર.જે.વલવી, ડીવાયએસપી ચંદ્રસિંહ જાડેજા, વ્યારા પ્રાંત આર.સી.પટેલ, વ્યારા ચીફ ઓફિસર, સોનગઢ ચીફ સોફિસર તથા અન્ય પોલીસ અધિકારીઓ સહિત જિલ્લાના વિવિધ ગણેશ મંડળોના પ્રતિનીધીઓ ઉપસ્થિત રહયા હતા.