શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ, દિનકર બંગાળ
આદિમજૂથ સમુદાયના વિકાસ માટે સતત ચિંતિત અને પ્રયત્નશીલ સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા મંત્રી શ્રી કુંવરજી હળપતિ :
લાભાર્થીઓને અપાતી સહાયનો સદુપયોગ કરીને આદિમજૂથના સમુદાયો પણ પ્રગતિના સોપાનો સર કરે તેવી અપેક્ષા વ્યક્ત કરતા મંત્રીશ્રી :
વઘઇ ખાતે યોજાયો ડાંગ જિલ્લાનો પીએમ-જનમન અભિયાન કાર્યક્રમ :
કાર્યક્રમના દિવસે ૬૮૪ લાભાર્થીઓને વિવિધ લાભો એનાયત કરાયા : જુદી જુદી ૧૨ યોજનાઓના ૭ હજાર ૧૧૯ લાભાર્થીઓને લાભન્વિત કરવાનો લક્ષ્ય નિર્ધાર
ડાંગ: વંચિતોના વિકાસને વરેલી રાજ્ય અને કેન્દ્ર સરકાર છેવાડાના માનવીઓને પણ વિકાસની મુખ્યધારમાં લાવવા માટે કમર કસી છે. ત્યારે આદિમજૂથમાં સમાવિષ્ટ આદિજાતિના લોકોના વિકાસ પ્રત્યે અગાઉની સરકારે દાખવેલી ઉદાસીનતા ખંખેરવાનું પુણ્ય કાર્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે, તેમ રાજ્યના આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, તથા ગ્રામ વિકાસ રાજયમંત્રી શ્રી કુંવરજીભાઇ હળપતિએ કહ્યું હતું.
ડાંગ જિલ્લાના પીએમ-જનમન કાર્યક્રમમાં બોલતા પ્રભારી મંત્રીશ્રીએ વનબંધુ યોજના જેવી આદિજાતિ કલ્યાણની સૌથી મોટી યોજનાની ભેટ આપવા સાથે વડાપ્રધાનશ્રીએ વાયબ્રન્ટ ગુજરાત જેવા વૈશ્વિક કાર્યક્રમોમાં પણ દેશને ગૌરવ અપાવ્યું છે તેમ જણાવ્યું હતું. પોતાના અધ્યક્ષીય વક્તવ્યમાં શ્રી કુંવરજીભાઇ હળપતિએ આદિવાસી સમાજના ઉત્કર્ષની વિવિધ સામાજિક, આર્થિક, શૈક્ષણિક યોજનાઓ સહિત શ્રેણીબદ્ધ વ્યક્તિગત અને સામુહિક યોજનાઓના સથવારે આદિવાસી સમાજને પગભર કરવાનું કાર્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કરી રહ્યા છે ત્યારે, લાભાર્થીઓને અપાતી સહાયનો સદુપયોગ કરીને, આદિમજૂથના સમુદાયો પણ પ્રગતિના સોપાનો સર કરે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.
ડાંગ જેવા છેવાડેના સરહદી જિલ્લાના સર્વાંગીણ વિકાસ માટે સતત ચિંતિત અને પ્રયત્નશીલ સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા મંત્રી શ્રી કુંવરજીભાઇ હળપતિ એ, આદિવાસી સમુદાયને ગુમરાહ કરતા તત્વોને જડબાતોડ જવાબ આપવાની પણ આ વેળા હાંકલ કરી હતી.
આદિવાસી સમાજને વ્યસન અને અંધશ્રદ્ધામાંથી મુક્ત થઈ વ્યાપક જાગૃતિ સાથે ઉત્કર્ષ યોજનાઓનો લાભ લેવાની હિમાયત કરતા પ્રભારી મંત્રીશ્રીએ શિક્ષણ જ આદિવાસી સમાજ માટે તરણોપાય બની રહેશે તેમ ભારપૂર્વક જણાવ્યું હતું.
આદિજાતિ વિકાસની શ્રેણીબદ્ધ યોજનાઓનો ઉલ્લેખ કરતા ડાંગના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલે આદિવાસી ઉત્કર્ષની સાથે આદિમજૂથના લક્ષિત સમુદાયના પણ સર્વાંગીણ વિકાસ માટે વડાપ્રધાનશ્રી દ્વારા ખૂબ જ સંવેદનશીલ અભિગમ સાથે આ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે તેમ જણાવ્યું હતું.
પોતાના પ્રાસંગિક વક્તવ્યમાં શ્રી પટેલે આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા સરહદી ગામોના વિકાસ માટેની યોજના અંતર્ગત પણ વંચિતોના વિકાસ માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર કવાયત કરી રહી છે ત્યારે, આપણે પણ આ સમુદાયના સર્વાંગીણ વિકાસ માટે સંકલ્પબદ્ધ બનીએ તેવી અપીલ કરી હતી. દરમિયાન જિલ્લા પંચાયત અધ્યક્ષા શ્રીમતી નિર્માળાબેન ગાઈને પણ પોતાનું પ્રાસંગિક વક્તવ્ય રજૂ કર્યું હતું.
વઘઇ સ્થિત કૃષિ મહાવિદ્યાલયના ઓડિટોરિયમ ખાતે યોજાયેલા ડાંગ જિલ્લાના પીએમ-જનમન કાર્યક્રમ દરમિયાન વિવિધ યોજનાઓના લાભાર્થીઓએ તેમના પ્રતિભાવો પણ વ્યક્ત કર્યા હતા.
દરમિયાન સાપુતારાની EMRS (Glr’s) બાળાઓએ પ્રાર્થના તથા સ્વાગત ગીત રજૂ કર્યા હતા. ઉપસ્થિત મહાનુભાવો તથા લાભાર્થીઓએ ભારત સરકાર દ્વારા નિર્મિત વિવિધ ફિલ્મો સહિત રાષ્ટ્રીય કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ નિહાળ્યું હતું. મહાનુભાવોએ દીપ પ્રગટાવી કાર્યક્રમને ખુલ્લો મુકી, યોજનાકીય લાભો એનાયત કર્યા હતા.
કાર્યક્રમના પ્રારંભે પ્રાયોજના વહીવટદાર શ્રી રાજ સુથારે સ્વાગત વક્તવ્ય રજૂ કર્યું હતું. જ્યારે આભારવિધિ મદદનીશ કમિશનર (TASP) શ્રી રણજિત કનુજાએ આટોપી હતી. ઉદઘોષક તરીકે સર્વશ્રી વિજયભાઈ ખાંભુ અને સંદીપભાઈ પટેલે સેવા આપી હતી. કાર્યક્રમ સ્થળે જિલ્લાના જુદા જુદા વિભાગોએ તેમની સેવાઓને પ્રસ્તુત કરતા સ્ટોલ્સ પણ ઉભા કર્યા હતા.
વઘઇના કાર્યક્રમમાં વઘઈ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ચંદરભાઈ ગાવિત, ઉપ પ્રમુખ શ્રીમતી વનિતાબેન ભોયે, ડાંગ જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી મંગળભાઈ ગાવિત, વઘઈ તાલુકા પંચાયતના સદસ્ય શ્રી સંકેતભાઈ બંગાળ, વઘઈના સરપંચ શ્રીમતી સિન્ધુબેન ભોયે, ડાંગ ભાજપા પાર્ટી પ્રમુખ શ્રી કિશોરભાઈ ગાવિત, મહામંત્રી શ્રી રાજુભાઈ ગામિત, હરિરામભાઈ સાવંત, દિનેશભાઇ ભોયે સહિતના પદાધિકારીઓ ઉપરાંત ડાંગના ઇન્ચાર્જ કલેક્ટર શ્રી બી.બી.ચૌધરી, દક્ષિણ ડાંગ વન વિભાગ નાયબ સરંક્ષક શ્રી રવિ પ્રસાદ, પ્રાંત અધિકારી શ્રી પ્રિતેશ પટેલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી હિરલ પટેલ સહિત સંબંધિત અધિકારીઓ, મીડિયાકર્મીઓ તેમજ મોટી સંખ્યામાં આદિમજૂથના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લાના ત્રણેય તાલુકાઓના કુલ ૧૭ ગામો (વઘઇના ૧૨, સુબિરના ૩, અને આહવાના ૨) માં આદિમજૂથના (કોટવાળીયા, કોલઘા, અને કાથોડી) ૬૯૬ કુટુંબો (૨૮૪૫ જનસંખ્યા) સરકારી દફતરે નોંધાયેલા છે. જેમને આ અભિયાન અંતર્ગત જુદી જુદી ૧૧ જેટલી પાયકીય જરૂરિયાતો (રસ્તા, પાણી, વીજળી, આવાસ, શિક્ષણ, આરોગ્ય, પોષણ, છાત્રાલય, કૌશલ્ય વિકાસ, આજીવિકા, અને નેટવર્ક કનેક્ટિવિટી) સહિત આનુષંગિક સેવાઓથી સંતૃપ્ત કરીને, તેમનું સશક્તિકરણ કરવાની કવાયત રાજ્ય અને કેન્દ્ર સરકાર કરી રહી છે.
સને ૨૦૪૭ સુધી ભારતને ‘વિકસિત રાષ્ટ્ર’ બનાવવાના સંકલ્પ સાથે કાર્ય કરી રહેલી સરકારનો ઉદ્દેશ, સમાજના છેક છેવાડેના માનવીને પણ વિકાસની મુખ્ય ધારામાં લાવી સૌનો સાથ, સૌનો વિકાસ, અને સૌના વિશ્વાસ સાથે દેશને ઉન્નત બનાવવાનો છે.
આ માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ Particularly Vulnerable Tribal Groups (PVTGs) ડેવલોપમેન્ટ મિશનનો પ્રારંભ કરી, આ આદિમજૂથ માટે ₹ ૨૪ હજાર ૧૦૪ કરોડની બજેટ જોગવાઈ સાથે દેશના ૧૮ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના ૨૩ હજાર ગામડાઓમાં વસતા ૩૯ લાખ આદિજાતિના લોકોને સ્પર્શતી, વિવિધ યોજનાઓથી લાભાંવિત કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે.
ડાંગ જિલ્લામાં ૧૭ ગામોમાં રહેતા ૬૯૬ કુટુંબોના ૨૮૪૫ લક્ષિત લાભાર્થીઓ પૈકી આ આ અભિયાન અંતર્ગત જિલ્લા વહીવટી તંત્રે ખૂબ જ ટૂંકાગાળામાં વિવિધ યોજનાઓના લાભોથી વંચિત રહી ગયેલા ૩૧૫ લાભાર્થીઓને આધાર કાર્ડ, ૬ લાભાર્થીઓને પીએમ કિસાન સન્માન નિધિ, ૨૪ લોકોના જનધન ખાતા, ૨૫ વ્યક્તિઓને જાતિ પ્રમાણપત્રો, ૯ રેશનકાર્ડ, ૮ લોકોને પીએમ માતૃવંદના યોજના, ૧૭૬ આયુષમાન ભારત કાર્ડ આપી લાભાંવિત કર્યા છે.
જિલ્લા વહીવટી તંત્રના ચોપડે નોંધાયા મુજબ આ ૧૭ ગામોમાં રહેતા ૬૯૬ કુટુંબોના ૨૮૪૫ લક્ષિત લાભાર્થીઓ પૈકી ૫૪૨ પાકા ઘરો (જે પૈકી ૨૯૫ માલિકીની જમીનમાં આવેલા ઘરો), ૬૩૯ વીજ જોડાણ, ૬૪૫ ઘરોમાં નળ જોડાણ, ૫૮૮ ઘરોમાં શૌચાલય નોંધાવા પામ્યા છે. પ્રાથમિક સુવિધાઓથી વંચિત પરિવારોને બાકીની સગવડ સત્વરે મળી રહે તેવા પ્રયાસો જિલ્લા પ્રશાસન કરી રહ્યું છે.
દરમિયાન જિલ્લાના ચૂંટણી તંત્ર દ્વારા ‘મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ’ અંતર્ગત આ લક્ષિત જૂથો પૈકી ૧૧ નવા મતદારોની નોંધણી સાથે, કુલ ૧૭૩૫ જેટલા આદિમજૂથના લાયક મતદારોની મતદારયાદીમાં નોંધણી કરવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા ૨૦૫૩ લોકોનું આયુષ્યમાન એનરોલમેન્ટ કરાયું છે. તો તમામે તમામ ૨૮૪૫ લોકોની સિકલસેલ એનિમિયા તથા લેપ્ટોસ્પાયરોસીસની તપાસ, અને ૨૦૫૩ લોકોનું ટી.બી. સ્ક્રિનિંગ પણ કરવામાં આવ્યુ છે.
આ અભિયાન અંતર્ગત લક્ષિત જૂથો સુધી વિવિધ યોજનાઓની જાણકારી સુપેરે પહોંચાડવા માટે ૮૧ જેટલા સેલ્ફી પોઇન્ટ ઉભા કરવા સાથે ૨૦ વોલ પેઇન્ટિંગ, ૧૭ ગામોમાં હોર્ડિંગ્સ, તથા ૪૦૦ ઘરોમાં યોજનાકીય સાહિત્યનું વિતરણ કરવામાં આવ્યું છે.