આરોગ્યરાષ્ટ્રીય

સુરત અને તાપી જિલ્લામાં રિકન્સ્ટ્રકટીવ સર્જરી કરી રક્તપિત્ત દર્દીઓની વિકૃતિ દૂર કરવામાં આવી:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

છેલ્લા પાંચ વર્ષમા સુરતમાં ૩૨ અને તાપી જિલ્લામાં ૯ રિકન્સ્ટ્રકટીવ સર્જરી કરી રક્તપિત્ત દર્દીઓની વિકૃતિ દૂર કરવામાં આવી:

રાજ્ય સરકારના પ્રયાસોથી અસાધ્ય માનવાનામાં આવતાં રક્તપિતની સારવાર હવે સરળ-સુલભ બની છે,

વર્ષ ૨૦૧૬ થી ૨૦૨૧ દરમિયાન રક્તપિતના કારણે પગમાં બધિરતા ધરાવતાં સુરત-તાપી જિલ્લાના કુલ ૭,૬૪૫ રક્તપિતગ્રસ્તોને માઈક્રોસેલ્યુલર રબર (MCR) પગરખા પૂરા પાડવામાં આવ્યાં, 

——- 

સુરત-તાપી જિલ્લામાં ‘સ્પર્શ લેપ્રસી અવેરનેસ કેમ્પેઈન પખવાડિયા’ અંતર્ગત રક્તપિત જનજાગૃતિ અભિયાન,

———  

સુરત, સોમવાર: વિશ્વમાં દર વર્ષે તા.૩૦ જાન્યુ.ને ‘રક્તપિત દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વભરમાં રક્તપિત રોગને લઈને લોકોમાં જાગૃત્તિ વધે અને તેને રોકવા માટેના સહિયારા પ્રયાસો હાથ ધરી શકાય તે હેતુથી સુરત અને તાપી જિલ્લામાં તા.૩૦ જાન્યુ.-૨૦૨૧ થી ૧૩મી ફેબ્રુ.-૨૦૨૨ દરમિયાન ‘સ્પર્શ લેપ્રસી અવેરનેસ કેમ્પેઈન પખવાડિયા’ અંતર્ગત રક્તપિત જનજાગૃતિ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. 

             પબ્લિક હેલ્થ ઓફિસર અને ડિસ્ટ્રિક્ટ લેપ્રસી ઓફિસરશ્રી ડો.જિજ્ઞેશ પટેલે જણાવ્યું હતું કે, સુરત જિલ્લામાં રક્તપિત રોગનો પ્રમાણદર ૧૦૦૦૦ ની વસ્તીએ ૦.૩૩ અને તાપી જીલ્લામાં રક્તપિત રોગનો પ્રમાણદર ૧૦૦૦૦ ની વસ્તીએ ૧.૧૫ છે. જ્યારે ગુજરાત રાજ્યનો રક્તપિત રોગનો પ્રમાણદર ૧૦૦૦૦ ની વસ્તીએ ૦.૨૮ છે. ડિસે.-૨૦૨૧ ના અંત સુધીમાં વડોદરા, દાહોદ, પંચમહાલ, નર્મદા, છોટાઉદેપુર, મહિસાગર, સુરત, નવસારી, વલસાડ એમ કુલ ૯ હાઈએન્ડેમિક જિલ્લાઓમાં રોગનું પ્રમાણદર ૧ કરતા ઓછું લાવવામાં સફળતા મળી છે. આ અગાઉ રક્તપિતને અસાધ્ય રોગ માનવામાં આવતો હતો, પરંતુ હવે તેનું નિદાન અને સારવાર સરળ બની છે. કેટલાક લોકો માને છે કે, આ રોગ સ્પર્શ કરવાથી ફેલાય છે. જોકે આ વાત તદ્દન ખોટી છે. રક્તપિત સ્પર્શ કરવાથી ફેલાતો નથી. સંક્રામક રોગ હોવા છતાં પણ સ્પર્શ કરવાથી, હાથ મિલાવવાથી, સાથે ઉઠાવા-બેસવાથી ફેલાતો નથી.

                  શ્રી પટેલે જણાવ્યું કે, સુરત અને તાપી જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમા અનુક્રમે ૩૨ અને ૯ જેટલી રિકન્સ્ટ્રકટીવ સર્જરી કરી દર્દીઓની વિકૃતિ દૂર કરવામાં આવી છે. સુરત અને તાપી જિલ્લામા વર્ષ ૨૦૧૬-૧૭ થી ૨૦૨૧-૨૨ (ડિસેમ્બર -૨૦૨૧ અંતિત) સુધીમાં અનુક્રમે રક્તપિતના કારણે પગમાં બધિરતા ધરાવતાં કુલ-૫૧૪૬ અને ૨૪૯૯ રક્તપિતગ્રસ્તોને માઈક્રો સેલ્યુલર રબર પગરખાં (એમ.સી.આર.) પુરા પાડ્યા છે. જેના કારણે પગમાં બધિરતા ધરાવતાં રક્તપિતગ્રસ્તોને પગમાં ન રૂઝાય તેવા ચાંદા (અલ્સર) થી બચાવી શકાયા છે. નોંધનીય છે કે, રાજય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા વર્ષોથી રક્તપિતને નાથવા માટે અનેકવિધ પગલા હાથ ધરવામાં આવ્યા છે. કોરોનાકાળની વચ્ચે વર્ષ ૨૦૨૦ થી ‘૨૨ દરમ્યાન રક્તપિતના વણશોધાયેલ દર્દીઓ શોધવા એક્ટિવ કેસ ડિટેકશન એન્ડ રેગ્યુલર સર્વે, સ્પર્શ લેપ્રસી અવેરનેસ કેમ્પેઈન, હાર્ડ ટુ રિચ એરિયા કેમ્પેઈન જેવી ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી. જેમાં જનરલ હેલ્થ સ્ટાફ અને આશાની ટીમો દ્વારા ડોર ટુ ડોર તપાસ કરી રક્તપિતના નવા દર્દી શોધીને ત્વરિત બહુઔષધીય સારવાર આપી રોગમુક્ત કરવામાં આવ્યાં છે. 

આવો જાણીએ રક્તપિત શું છે? 

              રક્તપિત માઈક્રોબેકટેરીયમ લેપ્રસી નામના સૂક્ષ્મ જીવાણુંથી થતો રોગ છે. આ રોગમાં શરીરની ચામડી અને જ્ઞાનતંતુઓને અસર થાય છે. આ રોગ કોઈપણ ઉમરે સ્ત્રી અથવા પુરૂષ એમ બંને જાતિને થઈ શકે છે. સમયસર સારવાર ન કરવામાં આવે તો એક વ્યક્તિથી બીજી વ્યક્તિને શ્વાસોશ્વાસ મારફતે ચેપ લાગી શકે છે. વહેલુ નિદાન અને નિયમિત બહુઅઔષધિય સારવારથી રક્તપિત રોગનો ફેલાવો અને રોગને લીધે આવતી વિકૃતિ /અપંગતા અટકાવી શકાય છે. રક્તપિત રોગના લક્ષણોમાં (૧) શરીરના કોઈપણ ભાગમાં આછું, ઝાંખુ, રતાશ પડતું સંવેદના વિનાનું ચાઠું તેમજ (૨) જ્ઞાનતંતુઓ જાડા થવા તેમજ તેમા દુ:ખાવો થવો એ મુખ્ય છે.

રક્તપિતના દર્દીને સારવાર કયાંથી મળે? 

             રક્તપિત કોઈપણ તબક્કે સંપૂર્ણપણે મટી શકે છે. નજીકના તમામ સરકારી દવાખાના, સબસેન્ટર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર, રેફરલ હોસ્પિટલ, ડિસ્ટ્ર્રીકટ જનરલ હોસ્પિટલ ખાતે એમ.ડી.ટી. મલ્ટી ડ્રગ ટ્રીટમેન્ટ સારવાર વિનામૂલ્યે ઉપલબ્ધ છે, જેનો લાભ લઈને રક્તપિત્તનું ઉત્તમ નિદાન અને ઘનિષ્ઠ સારવાર મેળવી શકાય છે. 

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है