મારું ગામ મારાં ન્યુઝવિશેષ મુલાકાત

ડાંગમાં મહિલા સુરક્ષા સલામતિ માટે કાર્ય કરતી સંસ્થાઓની કામગીરી તરફ એક નજર :

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા 

આંતર રાષ્ટ્રીય મહિલા દિવસે ડાંગ જિલ્લામાં મહિલા સુરક્ષા સલામતિ માટે કાર્ય કરતી સંસ્થાઓની કામગીરી તરફ એક નજર :

ડાંગ,આહવા: ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ની વાત આવે એટલે મહિલાઓની જાગૃતિ સમાજિક સુરક્ષા, કાયદાકીય માર્ગદર્શન, તાલીમ, અને સશક્તિકરણ ક્ષેત્રે કાર્યરત સંસ્થાઓની પણ વાત કરવી રહી.

૧૮૧-અભયમ :

 મહિલાઓને ઘરેલુ હિંસા સહિતની મુશ્કેલી વેળા તાત્કાલિક સ્થળ ઉપર ધસી જઈને, બચાવ રાહત કામગીરી કરતી ૧૮૧-અભયમ ટીમ, સલાહ માર્ગદર્શન સાથે સમાજની મહિલાલક્ષી યોજનાઓની જાણકારી પણ મહિલાઓ સુધી પહોંચાડે છે. સને ૨૦૧૫ના ૮મી માર્ચના ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ના રોજ થી ૧૮૧-અભયમની આ સફર દરમિયાન, માહે ફેબ્રુ-૨૦૨૩ સુધી ડાંગ જિલ્લામાંથી ૩૯૪૦ ફોન કોલ્સ આ ટીમને મળ્યા હતા. જે પૈકી ૧૩૧૧ ફોન કોલ્સમાં રેસ્ક્યુ વાન મોકલવા સાથે બાકીના તમામ કેસોમાં સલાહ-સૂચન અને માર્ગદર્શનથી મહિલાઓની સલામતિ, સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવી હતી. તેમ અભયમ ટીમના દિપીકા ગામિત અને નેહા મકવાણાએ જણાવ્યુ હતું. 

સખી વન સ્ટોપ સેન્ટર :

 જાહેર અને ખાનગી કોઈ પણ સ્થળે મહિલાઓ હિંસાનો ભોગ બને તો આ સેવાનો લાભ લઈ શકે છે. પીડિત મહિલાને એક જ છત્ર હેઠળ તેને જરૂર હોય તેવી તમામ પ્રકારની સુવિધાઓ પુરી પાડવાનો મુખ્ય હેતુ છે. સખી વન સ્ટોપ સેન્‍ટર દ્વારા મહિલાઓને તાત્કાલિક તબીબી સારવાર, કાયદાકીય માર્ગદર્શન અને સહાય, તથા પોલીસ સહાય પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત મનોવૈજ્ઞાનિક પરામર્શ પણ આપવામાં આવે છે. હિંસાગ્રસ્ત મહિલા પાસે રહેવાની સુવિધા ન હોય તેવા સંજોગોમાં હંગામી ધોરણે આશ્રય પણ તાત્કાલિક ધોરણે પૂરો પાડવામા આવે છે. ડાંગ જિલ્લામા કેન્દ્ર સંચાલક તરીકે ફરજ બજાવતા સ્મિતા ચૌધરીએ કહ્યુ હતું કે, જિલ્લામા તા.૧/૯/૨૦૧૯થી શરૂ કરવામા આવેલા આ સેંટરમાં અત્યાર સુધી ૪૫૦ થી વધુ બહેનોના વિવિધ પ્રકારના કેસોનુ તેઓએ નિરાકરણ કર્યુ છે.

મહિલા સામખ્ય :

 મહિલા સામખ્ય દ્વારા ડાંગ જિલ્લામાં મહિલા સશક્તિકરણના ભાગરૂપે ગ્રામીણ બહેનોનો સર્વાંગીક વિકાસ થાય, તેઓ દરેક ક્ષેત્રે સશક્ત બની પોતે જાતે પોતાના કામ કરતી થાય એ આશયથી મહિલા સામખ્ય કામગીરી કરે છે. સરકારશ્રીની વિવિધ સરકારી યોજનાઓ છેક છેવાડાના લાભાર્થી સુધી પહોંચે, અને તેનો જરૂરિયાતમંદ લાભાર્થીઓ લાભ તે માટે મહિલા સામખ્ય દ્વારા ક્લસ્ટર કક્ષાએ માહિતી કમ કાઉન્સેલિંગ સેન્ટરો ડાંગ જિલ્લામાં કાર્યરત કરાયા હતા. જે સ્થાનિક બહેનો દ્વારા ચલાવવામાં આવતા હતા. લાભાર્થીઓ તેનો મહત્તમ લાભ લઈ શકે ત્યાં સુધી આ સેન્ટરો કાર્યરત હતા, અને તેનો સારો એવો પ્રતિસાદ પણ મળ્યો. ગત ઓગસ્ટ-૨૦૨૨થી સમગ્ર શિક્ષા અભિયાનની જેન્ડર બ્રાન્ચ હેઠળ મહિલા સામખ્ય કાર્યક્રમને મૂકવામાં આવતા, જિલ્લાની સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળાઓની એડોલેસન એજ્યુકેશન પ્રોગ્રામ ‘ઉજાસ ભણી’ અન્વયે આયુષ્યમાન ભારતના શાળા આરોગ્ય કાર્યક્રમ અન્વયે નક્કી થયેલી ૧૧ થી વધુ થીમ આધારિત વિષયવસ્તુ મુજબ, શાળાઓમાં જઈ ધોરણ ૬ થી ૧૨ના બાળકોને હાલ તાલીમ આપવામાં આવી રહી છે. તેમ વલસાડ-ડાંગના કો ઓર્ડિનેટર કનકલતાએ જણાવ્યુ હતું. 

મિશન મંગલમ :

 આત્મનિર્ભર અને સશકત નારીથી આત્મનિર્ભર ભારત નિર્માણ માટે, ડાંગ જિલ્લામાં સને ૨૦૧૧ થી મિશન મંગલમ યોજનાની શરૂઆત કરવામાં આવી છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હસ્તક આ યોજનામાં ૪૦૯૩ જેટલા સખી મંડળો, ૨૪૪ સખી સંઘો, અને ૩૯ હજાર ૬૯૩ મહિલા સભાસદોને જોડીને, આર્થિક રીતે પગભર બનાવાયા છે. વર્ષ દા’ડે દોઢ થી બે લાખનો ચોખ્ખો નફો મેળવી ગ્રામીણ બહેનો મિશન મંગલમ યોજના થકી આર્થિક ઉત્પાદન કરી, આત્મ સન્માન સાથે જીવતી થઈ છે.

મહિલા પોલીસ સ્ટેશન :

 ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે ગત તા.૨૩/૩/૨૦૧૮ થી કાર્યરત મહિલા પોલીસ સ્ટેશનમાં મહિલાઓના પારિવારિક ઝગડાઓ બાબતે કાયદાકીય માર્ગદર્શન સાથે, તેમનું જીવન સુખ શાંતિમય રીતે પસાર થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવે છે. જિલ્લામાં આજદિન સુધી આવા પ્રકારના ૩૨૫ કેસ/અરજીઓ મળવા સાથે, ૩૧ જેટલી અરજીઓ ઉપલી કક્ષાએથી પણ આ પોલીસ સ્ટેશનને મળવા પામી છે. આ તમામ કેસોમાં કાર્યવાહી હાથ ધરતા મહિલા પોલીસ સ્ટેશન દ્વારા અત્યાર સુધીમાં ૯ જેટલા ગુના દાખલ કરવા સાથે, બાકીના કેસોમાં સુખરૂપ સમાધાન કરાવવામાં આવ્યું છે. 

નારી અદાલત :

ગુજરાત રાજ્ય મહિલા આયોગ ગાંધીનગર સંચાલિત નારી અદાલત સોસાયટી ડાંગ- જિલ્લામા વર્ષ 2012-13થી કાર્યરત છે. નારી અદાલતમા અત્યાચારથી પીડિત મહિલા ન્યાય મેળવવા સરળતાથી પોતાની રજૂઆત કરી શકે અને ઝડપથી ન્યાય મેળવી શકે તે માટે નારી અદાલત કાર્યરત છે. નારી અદાલતમા કોઈ પણ પ્રકારની નાણાકીય ફી લેવામા આવતી નથી તમામ કાર્યવાહી વિનામુલ્યે કરી આપવામા આવે છે. 

અરજદાર અરજી નોંધાવીને ગયા બાદ બંને પક્ષકારોને નોટિસ આપવામા આવે છે, અને ત્યારબાદ મહિનાની 10 અને 25 તારીખે બેઠક હોય ત્યારે ગ્રામપંચ સાથે હાજર રહેવા જણાવવામા આવે છે. બંને પક્ષકારોને સાંભળ્યા બાદ બેથી ત્રણ કેશ બેઠકમાં બંને પક્ષકારનો સહકાર મળે તો કેશ ઉકેલાઇ જાય છે. 

નારી અદાલતમા શારીરીક, માનસીક ત્રાસ, છુટાછેડા, ભરણપોષણ, બાળકની કસ્ટડી, વહેમશંકા, બહુપત્નીત્વ જેવા કેશો લેવામા આવે છે. અને અત્યાર સુધી નારી અદાલતમા કુલ 365 જેવા કેશોનો નિકાલ કરી બહેનોનુ સુખદ સમાધાન કરાયુ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है