શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર વસાવા
આઝાદીના અમૃતકાળના 75 વર્ષો વીતી ગયા બાદ પણ ઝરી ગામમાં પ્રાથમીક શાળા જ નથી:
સબ : પ્રા. શાળાના અભાવે 42 જેટલા બાળકોએ આશ્રમ શાળાઓમાં ભણવા મજબૂર : 5 જેટલા વિદ્યાર્થીઓએ શિક્ષણ છોડ્યું.
આઝાદીના અમૃતકાળનું વર્ષ ચાલું રહ્યું છે. ત્યારે જાણીને હેરાની થશે કે અંદાજિત 500 જેટલી વસ્તી ધરાવતા નર્મદા જીલ્લાના ડેડીયાપાડાના મોસ્કુટ (વડપાડા) ગ્રામ પંચાયતમાં આવેલા ઝરી ગામમાં હજૂ પ્રાથમિક શાળાની સુવિધા જ નથી.
સરકાર નિરક્ષરતા ધટાડવા તેમજ ડ્રોપ આઉટ રેશિયો ઓછો કરવા શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી, ગુણોત્સવ જેવા વિવિધ કાર્યક્રમો યોજી રૂપિયાનું પાણી કરી વાહવાહી લૂંટવાની ઝુંબેશ ઉઠાવે છે.
જ્યારે અંતરીયાળ વિસ્તારમાં પરિસ્થિતિ કાંઈક અલગ જ હોય છે. મફત અને ફરજિયાત શિક્ષણ અધિનિયમ – 2009 અંતર્ગત 6 થી 14 વર્ષના દરેક બાળકને નજીકની પ્રાથમિક શાળામાં પ્રાથમિક શિક્ષણ પૂરું થાય ત્યાં સુધી મફત અને ફરજીયાત શિક્ષણ મેળવવાનો હક છે. ત્યારે ગામડાઓમાં પ્રાથમિક શિક્ષણની સુવિધા ન હોવાને કારણે બાળકો શિક્ષણ થી વંચિત રહી જાય છે. એટલું ઓછુ હોઈ એમ શાળા મર્જ ના નામે દેડિયાપાડા તાલુકાની કેટલીક પ્રાથમિક શાલાઓ બંધ કરી દેવાઈ. ત્યારે નાનકડા ઝરી ગામના બાળકોનું ભાવિ અંધકારમય દેખાઈ રહ્યું છે. માતા પિતા એ બાળકોને ભણાવવા છે, બાળકોએ શાળાએ જવું પણ છે છતાં ગામમાં શાળા ન હોવાથી કઇ કેટલાયે બાળકોનો અભ્યાસ કરવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
ઝરી ગામમાં ધોરણ 1 થી 5 માં આવતાં 42 જેટલા બાળકો તાલુકાની અન્ય આશ્રમ શાળાઓમાં રહી અભ્યાસ કરવા મજબુર છે. જ્યારે 5 જેટલા અત્યંત ગરીબ પરિવારમાંથી આવનારા બાળકોએ આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાને કારણે શિક્ષણ છોડ્યું છે.
ઝરી ગામમાં આવેલી આંગણવાડીમાં ત્રણ થી છ વર્ષના કુલ 26 બાળકો તેમજ પાંચ થી છ વર્ષના કુલ 7 બાળકો સરકારી ચોપડે નોંધાયેલ છે. આટલાં બાળકો નોંધાયેલા હોવા છતાં તંત્ર દ્વારા આ ગામ માટે શાળા ન બનાવી આદિવાસી વિસ્તારના બાળકોનું ભાવિ અંધકારમય બનાવવાનો પ્રયત્ન થઈ રહ્યો હોવાનું ચર્ચાઇ રહ્યું છે. પ્રાથમિક શાળા ન હોવાને કારણે ન છૂટકે આંગણવાડી બાદ આ બાળકો દૂર આવેલી આશ્રમશાળામાં ભણવા મજબુર બને છે. તો કેટલાક શિક્ષણથી દૂર થઈ જાય છે.
ગામના દરેક પરિવારની આર્થિક સ્થિતિ સારી હોતી નથી. માંડ મજૂરી કરીને પેટે પાટા બાંધીને પોતાના બાળકોને ભણાવતા હોય છે. ગામમાં પ્રાથમિક શાળાની સુવિધા હોય તો કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ના રહે. વન અધિકાર અધિનિયમ કલમ 3(૨) અનુસાર વિકાસ માટેના હકના પ્રકારમાં જમીનને ૧૩ પ્રકારની માળખાકીય સુવિધાઓ જેવી શાળા, હોસ્પિટલ, લઘુ સિંચાઇ, પીવાનાં પાણીની સુવિધા વગેરે માટે હક તરીકે મંજૂર કરવામાં આવે છે. ગામમાં પ્રાથમિક શાળાની સુવિધા ઉભી થાય એવી અમારી માંગ છે.
આલેખન : ફતેસિંગ વસાવા. ડેપ્યુટી સરપંચ.