
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
તાપી જિલ્લાના તમામ ગામોમાં સ્વચ્છતાની લહેર….. સ્વચ્છતા શપથ કાર્યક્રમમાં લોકોની ઉત્સાહભેર જનભાગીદારી
તાપી: તાપી જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ દ્વારા માર્ચ મહિનાની ઉજવણી સ્વચ્છતા માર્ચ તરીકે કરવામાં આવી રહી છે. જેને અનુલક્ષીને આજ રોજ જિલ્લાના તમામ તાલુકાઓના ગામોમાં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણની ટીમે ગામના સરપંચશ્રી, તલાટીશ્રીઓ સાથે સંકલન સાધીને ગ્રામજનોને સ્વચ્છતા શપથ લેવડાવી હતી.
મોટા ભાગના ગામોમાં આજ રોજ એક સાથે સ્વચ્છતા શપથ લેવડાવવામાં આવી હતી. જેમાં ગ્રામજનોની ઉત્સાહભેર જનભાગીદારી જોવા મળી છે.
સ્વચ્છતા માર્ચની ઉજવણીનો હેતુ જિલ્લાના તમામ ગામોને ઘન અને પ્રવાહી કચરા વ્યવસ્થાપન, ગ્રામજનો નિયમિત શૌચાલયનો ઉપયોગ કરે, સાફ-સફાઈ કરે તેમજ શૌચાલયની જાળવણી કરે તેમજ તેઓ પ્લાસ્ટિકની થેલીના બદલે કાપડની થેલીનો ઉપયોગ કરતા કરવાનો છે.
જે માટે તાલુકાના સ્ટાફ દ્વારા ગામે-ગામ સતત ફિલ્ડ વિઝિટ કરવામાં આવી રહી છે. જેમાં પ્રચાર પ્રસારની પ્રવૃતિઓ દ્વારા વિવિધ સ્વચ્છતાલક્ષી સંદેશ ગ્રામજનોને પહોચાડવામાં આવી રહ્યા છે.