
શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ, વાંસદા કમલેશ ગાંવિત
નવસારી ખાતે જિલ્લાકક્ષાનો વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમ યોજાયો :
વિશ્વાસથી વિકાસ યાત્રા” અંતર્ગત નવસારીના ટાટા હોલ ખાતે જિલ્લાકક્ષાના કાર્યક્રમમાં રૂા.૧૯.૩૨ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરીને પ્રજાજનોને નવીન વિકાસ કાર્યોની ભેટ ધરી.
ગૌરવશાળી ગુજરાતની વિકાસયાત્રામાં છે બે દાયકાનો વિકાસ અને બે દાયકાનો વિશ્વાસ
– આદિજાતી વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ
નવસારીઃ સરકારશ્રી દ્વારા રાજ્યમાં અનેકવિધ કામોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત માટે બે દિવસીય વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમો યોજાઇ રહયાં છે. જે અંતર્ગત ટાટા મેમોરીયલ હોલ નવસારી ખાતે જિલ્લાકક્ષાનો વિશ્વાસથી વિકાસયાત્રા કાર્યક્રમ આદિજાતી વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની દીર્ઘદષ્ટિનાં પરિણામે ગુજરાત આજે વિકાસની નવી ઊંચાઇઓ સર કરી રહ્યું છે. ત્યારે તેમના દિશા નિર્દેશનમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિકાસયાત્રાને આગળ ધપાવી રહ્યા છે. રાજય સરકારશ્રી દ્વારા સમગ્ર ગુજરાતમાં વિશ્વાસથી વિકાસ યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ તકે આદિજાતી વિકાસ મંત્રીશ્રી નરેશભાઇ પટેલે કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સરકાર પ્રજાકીય સુખાકારીના વિકાસ કામોમાં અવિરત આગળ વધી રહી છે. રાજ્યમાં તથા જિલ્લામાં વિવિધ વિકાસના કામોની હેલીઓ વરસી રહી છે. આજે નવસારી જિલ્લામાં રૂ ૧૯.૩૨ કરોડના ખર્ચે કુલ ૭ કામોનું લોકાર્પણ તથા ખાતમુહુર્ત કરવામાં આવ્યું છે. ડબલ એન્જિનની સરકારે છેવાડાના માનવી સુધી વિકાસના કાર્યો પહોંચાડ્યા છે. તેમજ સરકારશ્રી દ્વારા સ્ત્રી સશકિતકરણની દિશામાં પણ અનેક કામો હાથ ધર્યા છે. ગામડાં વિસ્તારમાં પાકા રસ્તાઓ, શિક્ષણ અને આરોગ્યલક્ષી સુવિધા, અવિરત વીજળીની સુવિધા, નલ સે જલ જેવી અનેકવિધ યોજનાઓ થકી લોકોની સુખાકારીની કાળજી રાખવામાં આવી રહી છે. મંત્રીશ્રીએ વધુમાં આદિજાતિ વિકાસ તેમજ અન્ન નાગરિક પુરવઠા વિભાગની યોજનાકીય માહિતી આપી, લોકોને લાભ લેવા અનુરોધ કર્યો હતો.
નવસારી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભીખુભાઈ આહિરે જણાવ્યું હતું કે, સરકારશ્રી દ્વારા અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ થકી લોકોને લાભ મળ્યો છે. વિશ્વાસથી વિકાસ યાત્રા અંતર્ગત આપના વિસ્તારમાં અનેકવિધ કામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવી રહયું છે. આજે ગુજરાત આખા દેશમાં વિકાસ મોડલ તરીકે ઉભરી રહયું છે.
આ પ્રસંગે નવસારીના ધારાસભ્યશ્રી પિયુષભાઈ દેસાઈએ જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા હંમેશ માટે લોકોની સુખાકારી અને સલામતિની પ્રાથમિકતા રહી છે. સરકાર પણ રાજ્યની સુખાકારી માટે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશા નિર્દેશનમાં આગળ વધી રહી છે. સરકાર દ્વારા અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અમલવારી કરી સાચા અર્થમાં પ્રજાની સરકાર બની છે.
કાર્યક્રમના પ્રારંભમાં જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવે પ્રસંગોચિત ઉદબોધન કર્યુ હતું. નવસારી વિજલપોર નગરપાલિકા પ્રમુખ શ્રી જીગીશભાઇ શાહે નગરપાલિકા વિસ્તારમાં થયેલા વિકાસકામોની રૂપરેખા આપી હતી.
મહાનુભવોના પ્રાસંગિક પ્રવચન બાદ સરકારશ્રીનાં વણથંભી વિકાસના કાર્યોની ફિલ્મ દર્શાવવામાં આવી હતી. ત્યારબાદ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલના વડપણ હેઠળ યોજાયેલ રાજયકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ ઉપસ્થિત રહેલી જનમેદનીએ નિહાળ્યો હતો .
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી અર્પિત સાગર, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ઋષિકેશ ઉપાધ્યાય, અધિક નિવાસી કલેકટરશ્રી કેતન પી.જોશી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી એમ.એસ.ગઢવી, નવસારી પ્રાંત અધિકારી શ્રી રાજેશ બોરડ, પ્રદેશમંત્રી શ્રીમતી શીતલબેન સોની, પદાધિકારીઓ/અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા.