વિશેષ મુલાકાત

ભરૂચના સંસદસભ્યશ્રી મનસુખભાઇ વસાવાના અધ્યક્ષપદે નર્મદા જિલ્લાકક્ષાની દિશા/વિજીલન્સ અને મોનીટરીંગની યોજાયેલી સમીક્ષા બેઠક:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા

– સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના ઘનિષ્ટ અમલીકરણ થકી લક્ષિત લાભાર્થી/જનસમુદાયને મહત્તમ ફાયદા સાથે લોકોની સુખાકારી વધે તે દિશામાં સૌને સહિયારા પ્રયાસો કરવા સંસદસભ્યશ્રી મનસુખભાઇ વસાવાનો ખાસ અનુરોધ:

– વિકાસ કામોના સુચારૂ અમલીકરણ માટે આંતર વિભાગીય સંકલન વધુ સુદ્દઢ બનાવવાની સાથોસાથ મંજૂર થયેલા વિકાસકામો ઝડપથી હાથ ધરાય તે જોવાની હિમાયત કરતા શ્રી વસાવા :

રાજપીપલા:- ભરૂચના સંસદસભ્યશ્રી અને નર્મદા જિલ્લાકક્ષાની દિશા/વિજીલન્સ અને મોનીટરીંગ સમિતિના અધ્યક્ષશ્રી મનસુખભાઇ વસાવાએ નર્મદા જિલ્લામાં અમલી સરકારશ્રીની પ્રજાકીય વિવિધ કલ્યાણકારી યોજનાઓના ઘનિષ્ટ અમલીકરણ થકી લક્ષિત લાભાર્થી/જનસમુદાયને તેનો મહત્તમ ફાયદો થાય અને લોકોની સુખાકારી વધે તે દિશામાં સૌને સહિયારા પ્રયાસો કરવા ભારપૂર્વકનો ખાસ અનુરોધ કર્યો હતો.

છોટાઉદેપુરના સંસદસભ્યશ્રી અને સમિતિના ઉપાધ્યક્ષ શ્રીમતી ગીતાબેન રાઠવા, નાંદોદના ધારાસભ્યશ્રી પી.ડી.વસાવા, નર્મદા સુગરના ચેરમેનશ્રી ઘનશ્યામભાઇ પટેલ, શ્રીમતી શારદાબેન તડવી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ.જીન્સી વિલીયમ, નિવાસી અધિક કલેક્ટરશ્રી એચ.કે.વ્યાસ, પ્રાયોજના વહિવટદારશ્રી બી.કે.પટેલ સહિત જિલ્લાના સંબંધિત અમલીકરણ અધિકારીશ્રીઓ, સમિતિના અન્ય સભ્યશ્રીઓની ઉપસ્થિતિમાં આજે નર્મદા જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે યોજાયેલી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીથી દિશા/વિજીલન્સ મોનીટરીંગ સમિતિની બેઠકને અધ્યક્ષસ્થાનેથી સંબોધતા સંસદસભ્યશ્રી મનસુખભાઇ વસાવાએ જિલ્લામાં તમામ વિભાગના વિકાસકામોના સુચારૂ અમલીકરણ માટે આંતરવિભાગીય સંકલન વધુ સુદૃઢ બનાવવાની સાથોસાથ મંજૂર થયેલા વિકાસ કામો સંદર્ભે જે તે બાબતમાં હકારાત્મક અભિગમ સહિત તેના યોગ્ય ઉકેલ સાથે ઝડપથી હાથ ધરાય અને પ્રજાજનોને ગુણવત્તાયુક્ત વિકાસ કામોનો શક્ય તેટલો વેળાસર લાભ મળી રહે તે જોવાની પણ તેમણે ખાસ હિમાયત કરી હતી.

સંસદસભ્યશ્રી મનસુખભાઇ વસાવાએ જિલ્લામાં અમલી વિવિધ કલ્યાણકારી યોજનાઓની વિસ્તૃત સમીક્ષા કરતા પ્રધાનમંત્રી આવાસ યોજના, શૌચાલય સુવિધા, મનરેગા હેઠળ રોજગારી, વોટર શેડ સહિતની વિવિધ યોજનાઓના અમલીકરણમાં જે તે ગામ વિસ્તારના અતિ ગરીબ અને જરૂરીયાતમંદ લાભાર્થીની પસંદગી થાય તે જોવાની જરૂરીયાત પર ભાર મૂકવાની સાથોસાથ જિલ્લાના આદિવાસી સમાજના લોકોને સિંચાઇ, આરોગ્ય, શિક્ષણ, પોષણ, સ્વ-રોજગાર, બેન્કીંગ સેવાઓ વગરે જેવા ક્ષેત્રોમાં વિશેષ જાગૃત્તિ કેળવવાની સાથે આદિવાસી વિસ્તારના લોકો તેનો મહત્તમ લાભ લેતા થાય તે દિશાના સક્રિય પ્રયાસો હાથ ધરવા અનુરોધ કર્યો હતો. હાલની કોવિડ-૧૯ ની મહામારીને અનુલક્ષીને ધો-૧૦-૧૨ ના વિદ્યાર્થીઓને તેમના શિક્ષકો મારફત પરીક્ષાલક્ષી સાહિત્ય નિર્માણ અને તેનું વિતરણ કરવા ઉપરાંત I.T.I દ્વારા પણ ઓનલાઇન તાલીમી અભ્યાસક્રમ થકી સજ્જતા કેળવાય તેવા પ્રયાસોની હિમાયત કરી હતી.

આ પ્રસંગે શ્રી મનસુખભાઇ વસાવાએ જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન યોજના, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ બાંહેધરી યોજના, મિશન મંગલમ, ડીઆરડીએની તમામ યોજનાકીય/બિન યોજનાકીય ખર્ચ અને બચત, મધ્યાહન ભોજન, અન્ન નાગરિક પુરવઠા, ટ્રાયબલ સબ-પ્લાન, આરોગ્ય, આઇસીડીએસ, લીડ બેન્ક વોટર શેડ, પાણી પુરવઠા, વાસ્મો, ડીઆઇએલઆર, માર્ગ અને મકાન વિભાગ, કૃષિ-બાગાયત, સિંચાઇ, સહકાર, સમાજ સુરક્ષા, નિરાધાર વૃધ્ધ પેન્શન યોજના, નિરાધાર વિધવા સહાય યોજના, ઇન્દિરા ગાંધી વૃધ્ધ પેન્શન યોજના, રોજગાર અને તાલીમ, મહિલા અને બાળ વિકાસ, વન વિભાગ, નહેરુ યુવા કેન્દ્રો, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, ઇ-ગ્રામ યોજના, રમત-ગમત, ખાણ-ખનીજ, એસ.ટી, આરટીઓ, વિજ વિભાગ, નગરપાલીકા વિસ્તાર સહિતના વગેરે ક્ષેત્રોમાં જિલ્લામાં થયેલી કામગીરીની વિસ્તૃત અને ઝીણવટપૂર્વક સમીક્ષા કરી અમલીકરણ અધિકારીઓને જરૂરી સુચનાઓ સાથે માર્ગદર્શન પૂરૂં પાડ્યું હતું.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है