વિશેષ મુલાકાત

કોરન્ટાઇન રહેલા પરિવારો માટે નિશુલ્ક ટીફીન અને ભોજનની વ્યવસ્થા:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર 

વ્યારા સ્થિત “જય બાબા બર્ફાની” અને “ જૈન સમાજ ખીચડી ઘર” દ્વારા કોરોના કહેર વચ્ચે કોરન્ટાઇન રહેલા પરિવારો માટે નિશુલ્ક ટીફીન અને ભોજનની વ્યવસ્થા:

સમાજમાં રહીને અનામી રહી ફક્ત સેવા કરવાની ઉમદા ભાવના દર્શાવે છે કે માનવતાએ જાતિ-ધર્મથી પર છે:

 વ્યારા-તાપી તા.22: તાપી જિલ્લા કલેક્ટર આર.જે.હાલાણીના નેતૃત્વમાં જિલ્લામાં કોરોનાને કાબૂમાં રાખવા મોટી સફળતા પ્રાપ્ત થઇ છે. હાલ રાજ્યભરમાં તાપી જિલ્લા સહિત કોરોના પગ પસારી રહ્યો છે તેને પગલે જિલ્લા વહિવટી તંત્ર કોવિડ-19 રોગચાળાને અટકાવવા માટે સઘન યાસો કરી રહ્યુ છે. આ સાથે બીજી તરફ વેક્સિનેશનની પ્રક્રિયા પણ પુરજોશમાં ચાલી રહી છે. તંત્રની કામગીરી હંમેશા નાગરિકોના હિતમાં જ હોય છે. આવા સમયે ઘણા નાગરિકો એવા પણ છે જેઓ આવી ગંભીર પરિસ્થિતિમાં લોકોની સેવા માટે તંત્ર સાથે ખડેપગે કામગીરી કરી રહ્યા છે. જેમાંથી એક શ્રેષ્ઠ ઉદાહરણ વ્યારા તાલુકાના ધનસુખભાઈ યાદવ અને તેમના ધર્મપત્નિ સરલાબેન યાદવ દ્વારા ચલાવાતી સ્વૈચ્છિક સંસ્થા “જય બાબા બર્ફાની” અને “ જૈન સમાજ ખીચડી ઘર” છે જેઓએ કોરન્ટાઇન રહેલા લોકો માટે નિશુલ્ક ભોજન અને ટીફીન વ્યવસ્થા શરૂ કરી છે. 

કોરોનાકાળમાં લોકો માટે નિ:શુલ્ક ભોજન તથા ટિફિન સેવા ઊભી કરવી એ જ સાચી સેવા છે. આ સેવા માટે તત્પર એવા ધનસુખભાઈ યાદવ સાથે વાત કરતા જાણવા મળ્યુ કે, છેલ્લા ૮ વર્ષથી ગણપતિ ઉત્સવ દરમિયાન ભંડારા દ્વારા લોકોને નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા તેઓના મંડળ દ્વારા કરવામાં આવે છે. આ ઉપરાંત દર સોમ અને ગુરુવારે વ્યારા સ્થિત જનરલ હોસ્પિટલ ખાતે પોતાની સ્વર્ગીય દિકરી વિભુતીની યાદમાં ભંડારા દ્વારા છેલ્લા અઢી વર્ષથી ગરીબ લોકો માટે નિ:શુલ્ક ભોજનનું આયોજન કરી રહ્યા છે. કોરોના જેવી વિકટ પરિસ્થિતિમાં જ્યારે પરિવારનો કોઇ સદસ્ય હોસ્પિટલમાં દાખલ હોય ત્યારે પરિવારના અમુક સભ્યોને અથવા ક્યારેક આખા પરિવારને કોરાન્ટાઇન કરવામાં આવતા હોય છે. આવા સમયે કોઈના ઘરે ભોજન-પાણીની સુવ્યવસ્થા ન પણ હોય, અને જો કોઇ દુરના ગામડેના લોકો હોય તો દર્દીની સાથે આવાનાર વ્યક્તિ હોસ્પિટલની બહાર બેસી રહે છે. તેઓ પોતાના સ્વાસ્થ્યની કે ખાવા-પીવાની ચિંતાને નેવે મુકી ફક્ત પોતાના સ્વજન સ્વસ્થ થઇ પાછા આવે તેવી જ પ્રાથના કરતા હોય છે. કોરોના જે ઝડપે ફેલાય રહ્યો છે આ જોતા કોઇ સ્વજનના ઘરે જવુ કે કોઇ પાસે મદદ લેવામાં પણ ખચકાટ અનુભવતા હોય છે. આવા લોકોની મદદ કરવાના શુભ આશય સાથે “જય બાબા બર્ફાની”, “જૈન સમાજ ખીચડી” સંસ્થા તથા વ્યારા નગરના સ્વયંસેવક યુવાનો દ્વારા કોરન્ટાઇન રહેલા પરીવાર માટે નિ:શુલ્ક ટીફીન અને જનરલ હોસ્પિટલ વ્યારા ખાતે દર્દીઓના પરિવારજનો માટે નિ:શુલ્ક ભોજનની સેવા ચાલી રહી છે. ભોજનમાં દાળભાત અને શાક હોય છે. ભોજન હંમેશા શુદ્ધ અને સાત્વિક હોય છે જેથી કોઇ પણ વ્યક્તિ આ ભોજનનો લાભ લઇ શકે. કોરોનાની લગતી સરકારશ્રીની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરી આ તમામ વ્યવસ્થા કરવામાં આવે છે.

ધનસુખભાઇએ વધુમાં જણાવ્યું કે, “એક દિવસમાં લગભગ ૧૫૦થી વધુ લોકો ભંડારા દ્વારા તથા ૨૪૭ પરિવારો હાલ ટીફીન સેવા લઇ રહ્યા છે. આ ભંડારાનો એક દિવસનો ખર્ચ ૨૭ હજાર થી ૨૮ હજારનો થાય છે. તાપી જિલ્લાના અનેક સેવાભાવી લોકો દ્વારા મળતા દાન-દક્ષિણા દ્વારા જરૂરીયાતમંદ લોકોને ભંડારાનો લાભ અવિરત મળતો રહ્યો છે. હાલ રમજાનના પવિત્ર માસમાં મુસ્લિમ સમાજના કેટલાક પરીવારો દ્વારા પણ નામ જાણ ન કરવાની શરતે આ ભંડારામાં ખુબ મોટુ દાન આપવામાં આવ્યુ છે. એક વ્યક્તિ દ્વારા દરેક ગુરૂવારના ભંડારનો ખર્ચ આપવામાં આવે છે. જેથી લોકોને મદદ કરવાનું ઉમદા કામ ક્યારેક થંભે નહી.” 

ધનસુખભાઇ સ્થળ ઉપર લોકોને બોલાવી-બોલાવીને જમવાનું આપે છે. ચિંતાતુર લોકો ઘણી વખત ખાવા પૂરતુ ખાઈ લે છે ત્યારે ધનસુખભાઇ આવા લોકોને પ્રેમથી હાલચાલ પુછી સારી રીતે જમવા માટે મનાવે છે. અને તેઓના સ્વજન સાજા થઇ જશે તેવું આશ્વાસન આપે છે. ત્યારે લોકો ભીની આંખે તેમની તરફ જોઈ રહે છે. 

ભંડારામાં ભોજનનો લાભ લીધેલ આવા જ એક વ્યક્તિ કરંજખેડ ગામના રહેવાસી નિકુંજભાઇ કોકણી છે. ધનસુખભાઇને “દાદા” કહી સંબોધતા નિકુંજભાઇ જણાવે છે કે, “મારા મમ્મીને છેલ્લા બે દિવસથી જનરલ હોસ્પિટલ વ્યારા ખાતે દાખલ કર્યા છે. મારી સાથે અન્ય ઘણા લોકો છે જેમના પરિવારમાંથી કોઇ વ્યક્તિ હોસ્પિટલમાં દાખલ છે. આવા સમયે અમને બધાને પરિવારની જેમ સવાર-સાંજ ભોજન આપવાની ખુબ જ સારી વ્યવસ્થા દાદાએ કરી છે. જેના માટે અમે તેઓના ઋણી રહીશું. ભોજન ઘર જેવું જ છે. અમે સૌ દાદાના આભારી છીએ”.

આવા સેવાભાવી લોકો ખરેખર માનવતાના ધણી છે. આવા લોકોની તાપી જિલ્લામાં હયાતીથી તાપી જિલ્લો તેજસ્વી બન્યો છે. કોરોના મહામારીએ સમાજને સામાજીક અંતર જાળવવા મજબુર ભલે કર્યા હોય પરંતુ આવા કપરા સમયમાં લોકોની ઉદારતા અને સેવાની ઉમદા ભાવના દ્વારા માનવતા પણ ખુબ જોવા મળી છે. સમાજમાં રહીને અનામી રહી ફક્ત સેવા કરવાની ઉમદા ભાવના દર્શાવે છે કે માનવતાએ જાતિ-ધર્મથી પર છે.કોરન્ટાઇન રહેલા પરિવારને ભોજન પહોચાડવા ધનસુખભાઇ-૯૪૨૬૮-૭૩૪૪૧ અથવા બંટીભાઇ-૯૩૭૪૪-૪૦૬૧૦નો સંપર્ક કરવા અનુરોધ કર્યો છે. 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है