રમત-ગમત, મનોરંજનવિશેષ મુલાકાત

મીની ટુર સમાન પ્રકૃતિ, સંસ્કૃતિ, અને આસ્થાના ત્રિવેણી સંગમ સમાન પદમડુંગરીની મુલાકાત:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર 

પ્રકૃતિ, સંસ્કૃતિ, અને આસ્થાના ત્રિવેણી સંગમ સમાન પદમડુંગરી:

તાપી, નવસારી, અને ડાંગ જિલ્લાના ત્રિભેટે આવેલા પદમડુંગરીમાં કુદરતે છૂટે હાથે સૌંદર્ય વેર્યું છે,

સુરત: તાપી જિલ્લાના દક્ષિણે વહેતી અંબિકા નદીના તીરે લીલીછમ્મ વનરાઈઓની વચ્ચે આવેલુ પદમડુંગરી ગામ, પ્રસિદ્ધ યાત્રાધામ એવા ઉનાઈથી માત્ર ૧૩ જ કિલોમીટરના અંતરે આવેલું છે. વાપી શામળાજી નેશનલ હાઈવે નંબર : ૫૩ ઉપર આવેલા પાઠકવાડી બસ સ્ટેન્ડથી પદમડુંગરીનુ અંતર ૯ કિલોમીટર થાય છે.

પુરાણોમાં પદ્માવતી નગરી તરીકે જેનો ઉલ્લેખ થયેલો જોવા મળે છે તે આજનુ પદમડુંગરી ગામ હોવાની માન્યતા છે. અહીં રાણી પદ્માવતીનુ રાજ હતુ. આ ઉપરાંત અન્ય એક માન્યતા અનુસાર અહીં ડુંગરોની વચ્ચે એક હાથિયો તળાવ હતુ. જેમા પુષ્કળ પદ્મ એટલે કે કમળના રળિયામણા ફૂલો થતા. અહીના રાજા તેમના હાથીઓને અહીં સ્નાન પણ કરાવતા. જેને લીધે પણ આ ગામનુ નામ પદમનગરી, પદમડુંગરી કહેવાતુ.

આ સ્થળ પ્રકૃતિ શિક્ષણ માટે પણ વિખ્યાત છે. રહેવા, જમવાની સુંદર વ્યવસ્થા સાથે જિલ્લા પ્રશાસને વન વિભાગના સહયોગથી અહીં – પાયાકિય સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવી છે. ઈકો ટુરીઝમ કેમ્પ સાઈટ તરીકે આ સ્થળનો વિકાસ હાથ ધરવામા આવ્યો છે.

અહીં જતા માર્ગમા આદિવાસી સમુદાયની શ્રદ્ધાદેવી ઘુસમાઈ માડીનુ સ્થાનક પણ આવેલુ છે. શિલા-પત્થરની ડુંગરીની ટોચે આવેલા આ મંદિરની લોકો પૂજાઅર્ચના સાથે બાધા આખડી પણ રાખતા. એક નિઃસંતાન પરિણિતાને અહીંની માનતા બાદ, ગર્ભાવસ્થાના સંકેત મળતા, તે નિયમિત અહીં પૂજા માટે આવતી. છેલ્લા દિવસો દરમિયાન તેણીથી ડુંગરનું ચઢાણ ન ચઢાતા, તેણે માતાજીને સંબોધીને એ જ્યાં ઊભી હતી ત્યાંથી જ તેની પૂજાનો સ્વીકાર કરવાની વિનંતી કરી. ત્યારે ડુંગરની ટોચ ઉપરથી એક પત્થર ગબડતો ગબડતો આ ગર્ભવતિ સ્રી જ્યાં ઊભી હતી ત્યાં આવીને તેના પગ પાસે જ અટકી ગયો. જ્યાં તેણીએ માતાજીની પૂજાઅર્ચના કરી ધન્યતા અનુભવી. આ જ સ્થળે આજે ઘુસમાઈ માડીની પૂજા કરવામા આવે છે.

બીજી એક માન્યતા અનુસાર પૌરાણિક સમયમા ગોંસાઈ નામનો અસૂર આ વિસ્તારના પ્રજાજનોને ખૂબ રંજાડતો હતો. તેના આ ત્રાસમાંથી છોડાવવા માટે લોકોએ માતાજીને આહ્વાન કરતા, દેવીએ તેના ત્રિશૂળથી આ રાક્ષસનો વધ કર્યો. જેથી આ દેવીનું નામ ઘુસમાઈ માડી પડ્યુ. મંદિર અગાઉ ખૂબ જ પૌરાણિક સમયથી પૂજાતી આ દેવી આજે પણ ક્યારેક ક્યારેક રાત્રીના સમયે, સફેદ વસ્ત્રોમા સજ્જ સ્ત્રી સ્વરૂપે દર્શન દેતી હોવાની માન્યતા છે.

ઘુસમાઈ માડીના મંદિરથી આશરે એકાદ કિલોમીટરના અંતરે શરભંગેશ્વર મહાદેવ મંદિર આવેલુ છે. અહીં ભગવાન શ્રીરામે શરભંગ ઋષિને કુષ્ઠરોગથી સાજા કર્યા હોવાની માન્યતા પ્રચલિત છે. વનમા વિચરણ કરતા ભગવાન શ્રીરામ અને ભ્રાતા લક્ષ્મણ તથા દેવી સીતા પોતાના આશ્રમ તરફ આવી રહ્યા હોવાનુ જણાતા, શરભંગ ઋષિએ તપોબળથી તેનુ શરીર ઢાંકી દીધુ હતુ. ભગવાને તેમને તેના અસલ અવસ્થાના દર્શન કરવાની ઈચ્છા પ્રગટ કરી, અને તેમને કુષ્ઠરોગની અવસ્થામાંથી મુક્ત કર્યા હતા. શરભંગ ઋષિના આશ્રમના આ સ્થળે રામાયાણ યુગથી પણ અતિ પૌરાણિક મહાદેવ મંદિર આવેલુ છે. જ્યાં ભક્તો તેમની મનોકામના પૂર્ણ ક૨વા માટે આવતા હોય છે.

સાંપ્રત સમયમા ખાસ કરીને ‘કોરોના કાળ’ બાદ પ્રકૃતિ અને પ્રાકૃતિક સંશાધનોની અહેમિયત સમજતા લોકો માટે, તાપી જિલ્લાના વન વિભાગે અહીં પ્રજા અને પ્રકૃતિનો સુમેળ સાધતા, કેમ્પ સાઈટના રૂપે એક અવસર પ્રદાન કરવાની સાથે, સ્થાનિક રોજગારીનુ સર્જન પણ કર્યું છે.

પદમડુંગરી કેમ્પ સાઈટની મુલાકાતે આવતા પ્રકૃતિપ્રેમી પર્યટકો, આસપાસના નૈસર્ગીક સ્થળોની મુલાકાત લઈ થ્રિ ડેઈઝ-ટુ નાઈટની વિકેન્ડ ટુર પ્લાન કરી શકે છે.

અહીંથી એટલે કે, પદમડુંગરી થી ઘુસમાઈ માતા : ૪ કિલોમીટર, ઘુસમાઈ માતા થી ઉનાઈ (ઉષ્ણ અંબિકા) : ૭ કિલોમીટર, ઉનાઈ થી જાનકી વન : ૬ કિલોમીટર, જાનકી વન થી દંડક વન (વાંસદા) : ૭ કિલોમીટર, દંડક વન થી અજમલ ગઢ : ૧૫ કિલોમીટર, અને અજમલ ગઢ થી પદમડુંગરી : ૨૫ કિલોમીટર અંતર થાય છે.

આ ઉપરાંત સમય અનુસાર નજીકના રજવાડી નગર વાંસદા અને અહીંનો રાજમહેલ, કેલીયા ડેમ, જૂજ ડેમ, તોરણીયા ડુંગર, ઈકો ડેન-નવતાડ, વાંસદા નેશનલ પાર્ક, તથા અંગ્રેજના સમયથી ચાલતી અને જેને સ્થાનિક ગ્રામજનો ‘સરા ગાડી’ તરીકે ઓળખે છે તે ઐતિહાસિક વઘઈ-બીલીમોરા નેરોગેજ ટ્રેનની સફરનો આનંદ પણ, પ્રવાસીઓ માણી શકે છે.

તાપી, નવસારી, અને ડાંગ જિલ્લાની ત્રિભેટે આવેલા પદમડુંગરી ખાતે કુદરતે છૂટે હાથે સૌંદર્ય વેર્યું છે. ગાઢ વનરાજીની સાથે ખળખળ વહેતા ઝરણા, નદી નાળા સાથે નયનરમ્ય કુદરતી નજારા ને કારણે, અહીં પ્રકૃતિપ્રેમી પર્યટકોનો ભારે ધસારો રહે છે. જેને ધ્યાને લઈને અહીં જિલ્લા પ્રશાસને વન વિભાગના સહયોગથી ઈકો ટુરિઝમ સાઈટની વિકાસ કર્યો છે. પર્યટકો માટેની પાયકીય સુવિધાઓ સાથે અહીં નર્સરી, ગાર્ડન, બટરફ્લાય પાર્ક, સ્થાનિક લોકોના અર્થ ઉપાર્જન અર્થે મિનરલ વિત્ર પ્લાન્ટ, બાળકો માટે વિવિધ એડવેન્ચર ગેમ્સ, શુદ્ધ અને સાત્વિક નાસ્તો, લન્ચ અને ડિનર, તથા પ્રકૃતિના ખોળે રાતવાસો કરવા માટે જુદા જુદા પ્રકારના રૂમ અને ટેન્ટની સુવિધાઓ પણ અહીં ઉપલબ્ધ કરાવવામા આવી છે.

આમ, પ્રકૃતિ-સંસ્કૃતિ અને આસ્થાના ત્રિવેણી સંગમ સમાન ‘પદમડુંગરી’ ની નાનકડી ટુર, પર્યટકો માટે નવિન તાજગીનો અહેસાસ સાબિત થઈ શકે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है