વિશેષ મુલાકાતશિક્ષણ-કેરિયર

પુસ્તકાલય ખાતે આઝાદી પર્વને સંબંધિત સાહિત્ય અને શ્રી ઝવેરચંદ મેઘાણીના સહિત્યોના પ્રદર્શનનો શુભારંભ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

તાપી જિલ્લા સરકારી પુસ્તકાલય ખાતે “આઝાદી પર્વને સંબંધિત સાહિત્ય અને શ્રી ઝવેરચંદ મેઘાણીના સહિત્યો”ના પ્રદર્શનનો શુભારંભ:

“લાયબ્રેરીમા નિરવ શાંતી વચ્ચે મનગમતા પુસ્તકો, સામાયિકો મળતા વાંચન માટે એક માહોલ મળે છે. જેના થકી વાંચવાની અને યાદ રાખવાની ક્ષમતા વધતા વધુ વાંચન માટે પ્રેરણા મળે છે.”:-કલેકટરશ્રી એચ.કે.વઢવાણીયા

વ્યારા-તાપી: તાપી જિલ્લાના વ્યારા, મુસારોડ પુલ પાસે આવેલ સરકારી જિલ્લા પુસ્તકાલય ખાતે “આઝાદી પર્વને સંબંધિત સાહિત્ય અને શ્રી ઝવેરચંદ મેઘાણીના સહિત્યોનું પ્રદર્શન” આજે અને તા.૨૪-૦૨-૨૦૨૨ એમ બે દિવસીય પુસ્તક પ્રદર્શન કાર્યક્રમનું આયોજન રમત-ગમત સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગ્રંથાલય ખાતુ ગાંધીનગરના સૌજન્ય અને જિલ્લા ગ્રંથાલય તાપી દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો શુંભારંભ જિલ્લા કલેકટરશ્રી એચ.કે.વઢવાણિયાના વરદ હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો. જિલ્લા યુવા વિકાસ અધિકારી અમૃતા ગામીત સહિત મહાનુભાવોની ઉપસ્થિત રહ્યા હતા. 

અધ્યક્ષસ્થાનેથી કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે, આ લાયબ્રેરીમાં ૨ હજારથી વધુ પુસ્તકો છે નાના બાળકોથી લઇ વડીલો સુધી સૌએ પુસ્તકો સાથે જોડાઇ વાંચન કલા વિકસાવી સરકારી સુવિધાનો લાભ લેવો જોઇએ. તાપી જિલ્લામાં વહિવટી તંત્ર દ્વારા રાત્રી સભાઓ યોજવામાં આવતી હતી જેમાં યુવાનો દ્વારા લાયબ્રેરીની માંગ કરતા હતા. જે દર્શાવે છે કે આપણા બાળકો યોગ્ય રસ્તે વળ્યા છે. તેઓ આજના યુગમાં પુસ્તક અને પુસ્તકાલયનું મહત્વ સમજ્યા છે. લાઇબ્રેરીમા નિરવ શાંતી વચ્ચે મનગમતા પુસ્તકો, સામાયિકો મળતા વાંચન માટે એક માહોલ મળે છે જેના થકી વાંચવાની અને યાદ રાખવાની ક્ષમતા વધે તેમજ વધું વાંચન માટે પ્રેરણા મળે છે.  

કલેકટરશ્રી વઢવાણિયાએ તાપી જિલ્લાની તમામ જનતાને આઝાદીના સંદર્ભમા અને તે સમય દરમિયાન લખાયેલા વિવિધ પુસ્તકોનું વાંચન કરવા અને આ પ્રદર્શનનો લાભ લેવા પુસ્તકાયની મુલાકત લેવા આહવાન કર્યું હતું. તેમણે તાપી જિલ્લાના સાહિત્યકાર અને ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી ચૌધરી ગીતોના પુસ્તકને રાજ્યમાં પ્રથમ પુરસ્કાર મેળવનાર રોશનભાઇ ચૌધરીને આદિવાસી સંસ્કૃતિને પુસ્તકરૂપે સંગ્રહિત કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તથા યુવા પેઢીને ખાસ અપીલ કરતા જણાવ્યું હતું કે, આપણી લુપ્ત થતી સંસ્કૃતિ જાળવી રાખવા અને આગળ ધપાવવા બાળકો અને યુવાઓમાં સંસ્કારો અને સારી ટેવોનું આરોપણ કરવું જરૂરી છે. 

અંતમાં તેમણે પુસ્તકાલયની મુલાકાત લઇ તેની વ્યવસ્થાની સમિક્ષા કરી હતી. જેમાં પુસ્તકાલયમાં બેઠક વ્યવસ્થા માટે ખુરશીઓ ઓછી હોવાનું અનુભવતા તેમણે ગ્રંથપાલને જિલ્લા વહિવટીતંત્રને પુસ્તકાલયમાં ખુટતી બાબતો અંગે દરખાસ્ત તૈયાર કરી મોકલવા જણાવ્યું હતું વધુમાં આ દરખાસ્ત અંગે કાર્યવાહી કરી યોગ્ય ફંડમાંથી સુવિધા પુરી પાડી એક મહિનામાં જ લાઇબ્રેરી સુવિધા સંપન્ન કાર્યરત થશે એમ આશ્વાસન આપ્યુ હતું. 

કારોબારી અધ્યક્ષ કુલિન પ્રધાનએ લાઇબ્રેરીમાં પીવાના પાણીની અછતના પ્રશ્નને નિવારવા પોતાના પરિવાર વતી આર.ઓ પ્લાન્ટની સુવિધા બે દિવસમં થશે એમ ખાત્રી આપી હતી.

સુરતના મદદનીશ ગ્રંથપાલ ડી.સી.પટેલ કાર્યક્રમનું સ્વાગત પ્રવચન કરતા ઉપસ્થિત સૌ મહાનુભાવોને જિલ્લા પુસ્તકાલય અંગે જાણકારી આપતા કહ્યુ હતું કે, સરકારી જિલ્લા પુસ્તકાલય તાપી દ્વારા ૯૮ જેટલા ગ્રામ ગ્રંથાલયનું સંચાલન કરવામાં આવે છે. વાંચનાલય વિભાગમાં ૨૫,૯૧૭ પુસ્તકો, ૭ દૈનિક અખબારો, ૪૬ સામાયિકો, વાંચનખંડની સુવિધા, શૌચાલય, લાઇટ-પંખાની સુવિધા, બાળકો માટે ખાસ બાળવિભાગ, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા લોકો માટે ખાસ પુસ્તકોની સુવિધા ઉપલબ્ધ છે. વર્ષ દરમ્યાન વિવિધ વિસ્તરણ પ્રવૃતિઓનું આયોજન પણ કરવામાં આવે છે. વાંચનાલયમાં રોજ સરેરશ 300 થી 400 જેટલા વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી, અભ્યાસ કરે છે. તથા જિલ્લાન ૨૩૦૨ લોકો આ પુસ્તકાલયના સભ્યો છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં જિલ્લાના 350 થી વધારે વિદ્યાર્થીઓ ગ્રંથાલયનો લાભ લઈ સરકારી સેવાઓમાં વિવિધ વિભાગોમાં સેવા આપી રહયા છે. જે ખુબ ગર્વની બાબત છે.  

આ ૩૫૦ વિદ્યાર્થીઓ પૈકી પિયુષભાઇ ગામીત હાલ જિલ્લા પંચાયત તાપી ખાતે ચીટનીસ તરીકે ફરજ બજાવે છે તેઓએ પોતાના અભિપ્રાય આપતા જણાવ્યું હતું કે, આ લાયબ્રેરી શરૂ થઇ ત્યારે પુસ્તકોની ગોઠવણી થી લઇ ખુરશીઓના પ્લાસ્ટીક કવર કાઢવા સુધી તમામ કામગીરી રસ લઇને કરી હતી. આ લાયબ્રેરીના કારણે અમારા જેવા ઘણા વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક તૈયારી માટે પુસ્તકો અને વાંચનનો માહોલ મેળવી શક્યા છીએ. અને ઘણી બધી સ્પર્ધાત્મ્ક પરીક્ષાઓ પાસ કરી નોકરી મેળવી છે. સ્પર્ધાત્મક પરીક્ષા તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે જિલ્લા લાયબ્રેરીમાં ખાસ પુસ્તકો અને સમય સવારે ૮ થી રાત્રે ૧૨ વાગ્યા સુધીનો છે અને કોરોના દરમિયાન પણ આ લાયબ્રેરી રાત્રે ૧૦ વાગ્યા સુધી ચાલુ રહી છે. જેથી આ તમામ સુવિધાઓનો ભરપુર ઉપયોગ કરી પોતાની કારકિર્દી ઘડવા આહવાન કર્યું હતું. 

આ પ્રસંગે કલેકટરશ્રી તથા ઉપસ્થિત મહાનુભાવોએ આઝાદી પર્વને સંબંધિત સાહિત્ય અને શ્રી ઝવેરચંદ મેઘાણીના સહિત્યોના પ્રદર્શનમાં ભાગ લીધો હતો. કાર્યક્રમમાં લાયબ્રેરીની સુવિધાનો ઉપયોગ કરી સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરેલા વિદ્યાર્થીઓનું કલેકટરશ્રી સહિત મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. 

કાર્યક્રમના અંતે આભારદર્શન જિલ્લા ગ્રંથપાલ તાપી જિગ્નેશ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રદિપભાઇ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડાંગ સરકારી પુસ્તકાલયના ગ્રંથપાલ ગુલાબભાઇ પટેલ, જિલ્લા લાયબ્રેરીના કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, સાહિત્ય વાંચન પ્રિય જનતા સામાજિક અંતર જાળવી ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है