વિશેષ મુલાકાત

તાપી જિલ્લામાં સેવા અને ફરજનું શ્રેષ્ઠ ઉદાહરણ એટલે ફાયર બ્રિગેડ અને આરોગ્ય વિભાગની ટીમ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

વ્યારા-તાપી:  સમગ્ર વિશ્વમાં ફાયર ફાયટરો તેઓની બહાદુરી ભર્યા કરનામા માટે જાણીતા છે. નાનામાં નાની ઘટના હોય કે કોઇ મોટી આકસ્મિક કે પછી માનવસર્જીત ઘટના હોય, ફાયર બ્રિગેડની ટીમ પોતાના જીવ જોખમમા મુકી સેવા કરતી હોય છે. કંઇક આ જ પ્રકારની કામગીરી આરોગ્ય વિભાગની પણ છે. કોઇપણ કપરી પરિસ્થિતી હોય અન્યના જીવ બચાવવા રાત દિવસ જોયા વગર ખડે પગે ફરજ બજાવતા આરોગ્ય કર્મચારીઓ પણ પોતાની ફરજ નિષ્ઠા માટે સદાય વખાણાતા હોય છે.
તાપી જિલ્લામાં આજે બનેલી નાની ઘટનાએ આ બન્ને વિભાગના કર્મચારીઓમા રહેલી અખુટ સેવાભાવના અને ફરજ પ્રત્યે નિષ્ઠા જેવા શ્રેષ્ઠ ગુણોને ઉજાગર કર્યા છે. જિલ્લાના કપુરા ગામે આવેલ ભકત ફળીયામાં મોટી ટાંકી ઉપર રિપેરીંગ કામ શરૂ કરવામાં આવ્યું હતું. ટાંકી ઉપર રહેલ મધપુડામાંથી માખીઓ અચાનક ઉડતા ચાર મજુરોને મધમાખીના ટોળાએ ડંખો માર્યા હતા. મધમાખીથી બચવા મજુરો જીવ બચાવવા પાણીની ખાલી ટાકીમાં કુદી ગયા હતા. જાગૃત નાગરિક દ્વારા આ ઘટના અંગે તાપી જિલ્લાના ફાયર બ્રિગેટ ટીમને જાણ કરાતા ટીમ તાત્કલિક ઘટના સ્થળે આવી પહોચી હતી. બચાવ કામગીરી દરમિયાન ફાયર ફાયટરોને વારંવાર મધમાખીઓના ટોળા ડંખમારી રહી હતી. પોતાની ચિંતા ન કરતા પહેલા મજુરોને સલામત સ્થળે ખસેડવા વધારે જરૂરી સમજી ફાયર ફાયટરોએ તમામ મજુરોને સલામત રીતે બહાર કાઢી લીધા હતા. ફાયર ફાયટરોએ તેઓનો યુનિફોર્મ, હેલ્મેટ, ગ્લવ્સ વગેરે પહેર્યા હોવા છતા “ભવરીયુ” મધમાખી જે ખુબ મોટી મધમાખી અને ખુબ જ ઝેરી ડંખ મારતી મધમાખી હોવાથી પાંચ ફાયર ફાયટરોને મધમાખીના વધુ ડંખથી ગંભીર ઇજા થવા પામી હતી. જેઓને તાત્કાલિક જિલ્લાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
સમગ્ર રાજ્ય સહિત તાપી જિલ્લાના ડોક્ટરો પણ હડતાલ ઉપર છે. પરંતું હડતાલ ઉપર હોવા છતા ગંભીર ઇજા પામેલા ફાયરના જવાનોને તાત્કાલિક સારવાર આપવાની શરૂઆત ઉપસ્થિત ડોકટઓની ટીમે કરી હતી. જવાનોના માથા અને શરીર પરથી મધમાખીના મોટા મોટા ડંખ જોઇ કોઇ પણ ડરી જાય એવી ગંભીર પરિસ્થિતીમાં જવાનોને મનોબળ આપી ડોકટરોની ટીમે ઉપચારની પ્રક્રિયા હાથ ધરી હતી.
ફાયર બ્રિગેડની ટીમના જેમ જ આરોગ્ય વિભાગની ટીમ પણ મજબુત ઇરાદા સાથે તમામ પરિસ્થિતીઓમાં સેવા આપવા કાર્યરત રહે છે. કદાચ આજ કારણે ડોક્ટરોને ધરતી ઉપરના ભગવાનનું બીરૂદ મળ્યું છે. આમ, તાપી જિલ્લાના ડોક્ટરોએ પોતાની હડતાલ બાજુએ મુકી પહેલા ઘવાયેલા દર્દીઓને સારવાર આપી ડોકટર તરીકેની ફરજ અદા કરી હતી.
ફાયર બ્રિગેડની ટીમના ફાયર ઓફિસર નારણ બાંધીયાએ આ અંગે જણાવ્યું હતું કે, “ફાયર ફાયટરોની કામગીરીમાં આગ કાબૂમાં લેવા સિવાય, તબીબી સેવા, માનવો, પશુ પક્ષીઓના જીવન બચાવવા, પર્યાવરણ બચાવવા સહિતના નાના મોટા આકસ્મિક અને માનવસર્જીત તમામ ઘટનામાં બચાવ કામગીરી કરવાની હોય છે. ફાયર ફાયટરોમાં સાહસ અને બહાદુરી અખુટ હોય છે. આજે અમારી ટીમ એ સાબીત કર્યું છે કે નાની મોટી કોઇ પણ ઘટના બને અમે ખડે પગે નાગરિકોની સેવા માટે તૈયાર છીએ.”
તાપી જિલ્લા વહીવટી તંત્રે જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ફાયર બ્રિગેડની ટીમ અને આરોગ્ય વિભાગની ટીમની ઉત્કૃષ્ટ કામગીરીની સરાહના કરી હતી. આજે તાપી જિલ્લામાં સેવા અને ફરજનું શ્રેષ્ઠ ઉદાહરણ ફાયર બ્રિગેડની ટીમ અને આરોગ્ય વિભાગની ટીમએ દર્શાવ્યું છે. સૌને પોતાની અલગ અલગ સેવા માટે બીરદાવવા જરૂરી છે. તાપી જિલ્લામાં કર્મનિષ્ઠ અધિકારી/કર્મચારીઓના કારણે તાપી જિલ્લાને તેજસ્વી તાપી તરીકે ઓળખવામાં આવે છે. 

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है