બ્રેકીંગ ન્યુઝ

હવે “e – FIR દ્વારા નાગરિકોના સમયનો બચાવ થશે અને ફરીયાદોનો ત્વરીત નિકાલ થશે:” જિલ્લા કલેક્ટરશ્રી

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર 

“e – FIR દ્વારા નાગરિકોના સમયનો બચાવ થશે અને ફરીયાદોનો ત્વરીત નિકાલ થશે:” જિલ્લા કલેક્ટરશ્રી એચ.કે.વઢવાણિયા

“આજના મોબાઇલ યુગમાં ટેકનોલોજી સાથે ગુનાના પ્રકાર પણ બદલાયા છે.: આ અંગે જાગૃતતા કેળવવી ખુબ જરૂરી છે: જિલ્લા પોલીસ અધીક્ષકશ્રી રાહુલ પટેલ

e – FIR નોંધાયાના ૪૮ કલાકમાં પોલીસ ફરીયાદીનો સંપર્ક કરશે અને વાહન ચોરી / મોબાઇલ ફોન ચોરીના બનાવની જગ્યાની મુલાકાત લેશે તથા ૨૧ દિવસની અંદર જ તપાસ પૂર્ણ કરી કોર્ટમાં રીપોર્ટ મોકલશે.


વ્યારા-તાપી : તાજેતરમાં ગુજરાત પોલીસના ‘સીટીઝન ફર્સ્ટ’ એપ અને પોર્ટલ ઉપર e-FIR સેવા ઉપલબ્ધ કરાઈ છે. જેના અનુસંધાને તાપી જિલ્લામાં વ્યારા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડીયા, જિલ્લા પોલીસ અધીક્ષકશ્રી રાહુલ પટેલની ઉપસ્થિતીમાં એક દિવસીય સેમીનારનું આયોજન કરાયું હતું.

આ પ્રસંગે અધ્યક્ષસ્થાનેથી જિલ્લા કલેક્ટરશ્રી એચ.કે.વઢવાણિયાએ ઉપસ્થિત સૌને સંબોધતા જણાવ્યું હતું કે, ટેકનોલોજીએ આપણા સૌના જીવનને સરળ બનાવ્યું છે. પરંતુ તેના ખોટા ઉપયોગના કારણે નાગરિકો ક્યારેક સીધી રીતે તો ક્યારેક આડકતરી રીતે ગુનાનો ભોગ બને છે. જેથી જાગૃત રહેવું ખુબ જરૂરી છે. તેમણે ઉપસ્થિત સૌ વિદ્યાર્થીઓ અણે એનજીઓના સભ્યોને એક પ્રતિનિધી તરીકે સરકાર અને પ્રજા વચ્ચે એક કડી સમાન ભાગ ભજવી સમાજને આ અંગે જાગૃત કરવા ખાસ અનુરોધ કર્યો હતો. તાપી જિલ્લામાં એકંદરે ગુનાનું પ્રમાણ ઓછુ છે. પરંતું સાવચેતી રાખવાથી આપણે સૌ તાપી જિલ્લાને વધારે સુરક્ષિત બનાવી શકીશુ એમ ઉમેર્યું હતું. અંતે તેમણે e – FIR દ્વારા નાગરિકોના સમયનો બચાવ થશે અને ફરીયાદોનો ત્વરીત નિકાલ થશે એમ જિલ્લા અને ગુજરાત પોલીસ વિભાગ વતી વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.


આ પ્રસંગે જિલ્લા પોલીસ અધીક્ષકશ્રી રાહુલ પટેલે પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે, આજના મોબાઇલ યુગમાં ટેકનોલોજી સાથે સાથે ગુનાના પ્રકાર પણ બદલાયા છે. જેમાં લોટરી માટે ફોન કે એસએમએસ, ઓટીપી માંગવા, ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કે બેંકમાથી ફોન જેવી મીસલીડીંગ ફોન કે મેસેજ આવવા જેવા અનેક ફ્રોડના બનાવો બને છે ત્યારે આ અંગે જાગૃતતા કેળવવી ખુબ જરૂરી છે. તેમણે ‘સીટીઝન ફર્સ્ટ’ એપ સાથે સાથે ગુજરાત પોલીસના વિવિધ ઓનલાઇન આયમોનો ઉપયોગ કરવા ખાસ અનુરોધ કર્યો હતો.


સેમીનારમાં પી.આઇશ્રી કે.બી.ઝાલાએ ‘સીટીઝન ફર્સ્ટ’ ગુજરાત પોલીસ મોબાઇલ એપમાં E-FIRના ઉપયોગ અંગે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે, નાગરિકોને આંગણીના ટેરવે પોલીસ વિભાગની વિવિધ સેવાઓ મળે અને ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને પોલીસ સ્ટેશન આવવુ ના પડે તે માટે E-FIRની શરૂઆત કરવામાં આવી છે. તેમણે E-FIR ના ઉપયોગ માટે ગુગલ પ્લે સ્ટોરમાં જઇ ‘સીટીઝન ફર્સ્ટ’ એપ ડાઉનલોડ કરવા અને તેમા સામેલ વિવિધ સેવાઓ માંથી E-FIRનો ઉપયોગ કરવા ખાસ અપીલ કરી હતી.
આ ઉપરાંત સાઇબર સુરક્ષા અને ટ્રાફિક અવેરનેશ માટે પણ વિસતૃત જાણકારી આપી સૌને જાગૃત બની નિયમોના પાલન કરવા અનુરોધ કર્યો હતો.
સેમીનારમાં ‘સીટીઝન ફર્સ્ટ’ ગુજરાત પોલીસ મોબાઇલ એપમાં E-FIR અંગે, ટ્રાફિક અવેરનેસ, સાયબર સુરક્ષા, રોડ સેફ્ટી અંગે વિવિધ વિડિયો ક્લીપ નીહાળી હતી.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન લોટરવા પ્રા.શાળાનાશ્રી જીલેશભાઇ એ અને આભારદર્શન ડીવાયએસપીશ્રી ચંદ્રસિંહ જાડેજાએ કર્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં ‘સીટીઝન ફર્સ્ટ’ એપ ડાઉનલોડ કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

આવો વિગતે જાણીએ શુ છે e-FIR:
વાહન ચોરી અને મોબાઇલ ચોરી જેવા બનાવોમાં નાગરિકોની ફરિયાદ દાખલ કરવામાં વિલંબ ન થાય અને આવી ફરિયાદ કરવા માટે નાગરિકોને પોલીસ સ્ટેશનોના ધક્કા ન ખાવા પડે તે માટે e-FIRની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. રાજ્યના નાગરિકોએ આ સેવાનો ઉપયોગ કરવા માટે ગુજરાત પોલીસના ‘સીટીઝન ફર્સ્ટ’ એપ અથવા પોર્ટલ ઉપર જવાનું રહેશે અને તેમાં e – FIR કરવાની રહેશે. e – FIR નોંધાયાના ૪૮ કલાકમાં પોલીસ ફરીયાદીનો સંપર્ક કરશે અને વાહન ચોરી / મોબાઇલ ફોન ચોરીના બનાવની જગ્યાની મુલાકાત લેશે તથા ૨૧ દિવસની અંદર જ તપાસ પૂર્ણ કરી કોર્ટમાં રીપોર્ટ મોકલશે.

આ ઓનલાઈન ફરીયાદ નોંધાયા અંગેની તથા તપાસમાં થયેલ પ્રગતિની જાણ પણ ફરીયાદીને Email / SMS થી કરવામાં આવશે. સાથે – સાથે પોલીસ દ્વારા વીમા કંપનીને પણ Email / SMS દ્વારા જાણ કરાશે જેથી ફરીયાદીને તેના વાહન / મોબાઇલ ચોરી અંગેના વીમાનો ક્લેઈમ સરળતાથી મળી શકે. e – FIR ઓનલાઈન સેવા હોવાથી લોકોને પોલીસ સ્ટેશન જઈ ફરીયાદ નોંધાવાની જરૂર નહી રહે. નાગરિકોના સમયનો બચાવ થશે અને ફરીયાદોનો ત્વરીત નિકાલ થશે. આમ, ટેક્નોલોજી આધારિત આ ફેસલેસ વ્યવસ્થાથી નાગરિકોની સુગમતામાં વધારો થશે અને વધુ ઝડપથી અને વધુ પારદર્શી રીતે પોલીસ સેવા લોકો સુધી પહોંચાડી શકાશે.

હાલમાં પણ ઘરઘાટીની નોંધણી, ભાડુઆતની નોંધણી, ગુમ વ્યક્તિની જાણ, અલગ પ્રકારના લાઇસન્સ જેવી અનેક પ્રકારની પોલીસ સેવાઓની ઓનલાઇન કામગીરી માટે ગુજરાત પોલીસના ‘સીટીઝન ફર્સ્ટ’ એપ અને પોર્ટલ ઉપર ઉપલબ્ધ છે. જેમાં વધુ એક સેવા એવી e- FIR નો ઉમેરો થયો છે. e – FIR સેવાનું રાજ્ય કક્ષાના CCTV કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર સાથે સંકલન કરવામાં આવેલ છે. જેથી e – FIR નોંધાય એટલે તેની જાણ CCTV કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરને થાય છે. જેથી બાદમાં જ્યારે પણ ચોરાયેલ વાહનો કોઈ ગુનેગાર લઈને જાહેર રસ્તા પરથી પસાર થતાં હોય ત્યારે તે વાહન નંબર CCTV કમાંડ એન્ડ કંટ્રોલ ખાતે તરત જ ફલેશ થશે અને તેના થકી ચોરીનું વાહન અને આરોપીની ઓળખ થઇ શકવાથી ગુનો જલ્દી ઉકેલી શકશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है