
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
સામરપાડા નજીક બેડવાણ-અંકલેશ્વર એસટી બસ પલટી મારી, બાઈક ચાલક સહીત 59 લોકોને ઇજા;
સામરપાડા સીદી ગામે બાઈક ચાલકને બચાવવા જતા બસના ચાલકે સ્ટીયરિંગ ઉપરનો કાબુ ગુમાવતા બસ ઝાડ સાથે ધડાકાભેર ભટકાતા બસ પલટી મારી ગઈ!
બેડવાણથી અંકલેશ્વર જતી એસટી બસ નર્મદા જિલ્લાના સામરપાડા સીદી ગામે બાઈક ચાલકને બચાવવા જતા બસના ચાલકે સ્ટીયરિંગ ઉપરનો કાબુ ગુમાવતા બસ ઝાડ સાથે ધડાકાભેર ભટકાતા બસ પલટી મારી ગઈ હતી. અકસ્માતમા બસ પલટી જતા બસમાં સવાર મુસાફરોએ બુમાબુમ કરતા હાઇવે રોડ પર લોક ટોળાં ભેગા થઈ ગયા હતા. જેમાં બાઈક ચાલક સહીત 59 લોકોને નાની મોટી ઇજાઓ પહોચતા સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, બનાવની જાણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ પર્યુષા વસાવા પોતાની તમામ મીટીંગ રદ કરી ઘટના સ્થળે પહોંચી ગયા હતા, જ્યાં ઇજાગ્રસ્ત લોકોને 108 દ્વારા અને અને બસમાં પેસેન્જર વધુ હોવાના કારણે સમય ન બગડે તે માટે અન્ય ખાનગી વાહન કરીને પણ તાત્કાલિક ડેડીયાપાડા હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્ત લોકોને ઝડપથી સારવાર અપાવી વધુ સારવાર માટે ઇજાગ્રસ્તોને રાજપીપલા સિવિલ હોસ્પિટલ ખાતે ખાતે રીફર કરવામાં આવ્યા હતા. જેમાં બાઈક ચાલકની હાલત ગંભીર હોવાથી વધુ સારવાર અર્થે વડોદરા રીફર કરાયા હતા. સમય સૂચકતા અને ઝડપી સારવાર મળવાને કારણે ઈજાગ્રસ્તોને સમયસર સારવાર મળી જતા મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ બસમાં ડ્રાઈવર અને કન્ડકટર સહિત 58 જેટલા મુસાફરો સવાર હોવાનું જાણવા મળ્યું હતુ.