શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જન વસાવા
નર્મદા નિગમ અને SVPRETનાં સંયુકત ઉપક્રમે કેવડીયા ખાતે ફરજ બજાવતા ૨૬૦૨ કર્મચારીઓનો COVID19(RTPCR) ટેસ્ટ કરાયો.
કર્મચારીઓનાં સારા સ્વાસ્થ્યની કામના સાથે સઘન કોરોના ફ્રી કેવડીયાની ઝુંબેશ હાથ ધરવામાં આવી,
રાજપીપલા, હાલ સમગ્ર વિશ્વ covid19 મહામારીનો સામનો કરી રહ્યું છે.ત્યારે અસરકારક ટેસ્ટિંગ થકી કોરોનાને જરૂર નાથી શકાય છે, જેથી કેવડિયા ખાતે ફરજ બજાવતા કર્મચારીઓનાં સ્વાસ્થ્યની ચિંતા કરીને પ્રત્યેક કર્મચારીનાં covid19(RTPCR) ટેસ્ટ કરવાનો નિર્ણય નર્મદા નિગમના વહીવટી સંચાલક અને ગુજરાતના વન વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી ડૉ. રાજીવકુમાર ગુપ્તાનાં અમૂલ્ય માર્ગદર્શન હેઠળ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં મુખ્ય વહિવટદારશ્રી મનોજ આર.કોઠારીની આગેવાનીમાં લેવાયો હતો, તે મુજબ આજે કેવડીયાનાં ૧૦ અલગ-અલગ કેન્દ્ર પરથી ખાસ મેડીકલ ટીમ મારફતે આ કામગીરી સંપન્ન કરાઇ હતી.
ગત રોજ સવારના ૮:૦૦ કલાકથી કેવડિયા કોલોનીમાં ૧૦ અલગ અલગ કેન્દ્રો પર ૨૬૦૨ કર્મચારીઓનો covid19(RTPCR) ટેસ્ટ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.આ ટેસ્ટ ઝુંબેશમાં કેવડિયા ખાતે ફરજ બજાવતા સરદાર સરોવર નર્મદા નિગમ લી.,સ્ટેચ્યુ ઓફ યુનિટી, વનવિભાગ કેવડિયા,ગુજરાત પ્રવાસન વિકાસ નિગમ લી., GSECL,જિલ્લા કલેકટર કચેરી તેમજ L&T અને ટર્નરનાં તમામ કર્મચારીઓ તેમજ અધિકારીઓ તથા માધ્યમકર્મીઓનાં પણ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ માટે નાયબ મુખ્ય વહીવટદારશ્રી નિલેશ દુબેનાં વડપણ હેઠળ સૂક્ષ્મ આયોજન ઘડી કાઢવામાં આવ્યુ હતુ. તે મુજબ પ્રત્યેક કેન્દ્ર પર સોશિયલ ડિસ્ટન્સ સહિતની કાળજી રખાઇ હતી. ટેસ્ટિંગ પ્રક્રિયામાં જરૂરી વ્યવસ્થા ઉભી કરીને એક પણ કર્મચારી ટેસ્ટીંગથી વંચિત ન રહી જાય તે માટે ખાસ વ્યવસ્થા કરાઇ હતી. સમગ્ર આયોજન સફળતાપૂર્વક પાર પડે તે માટે વિવિધ ૧૨ ટીમનું ગઠન કરાયુ હતુ તેમજ ટેસ્ટિંગ માટે ૫૦થી વધુ મેડિકલ ટીમોએ ભાગ લીધો હતો.
ટેસ્ટીંગ પ્રકિયા દરમ્યાન સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં મુખ્ય વહિવટદારશ્રી અને જીલ્લા કલેકટર શ્રી મનોજ આર.કોઠારીએ નાયબ મુખ્ય વહીવટદારશ્રી નિલેશ દુબેની સાથે જંગલ સફારી,ડેમ વ્યુ પોઇન્ટ નંબર-૩ ખાતેનાં કેન્દ્રોની મુલાકાત લીધી હતી અને જરૂરી માર્ગદર્શન પણ પૂરૂ પાડયુ હતુ.
આ અંગે માધ્યમકર્મીઓ સાથેની વાતચીતમાં મુખ્ય વહિવટદારશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી મનોજ કોઠારીએ જણાવ્યુ હતુ કે, કેવડીયા ખાતે ફરજ બજાવતા સરકારી અને આઉટસોર્સીંગ કર્મચારીઓનાં સારૂ સ્વાસ્થય જળવાઇ રહે તે આશયથી કોરોનાં ટેસ્ટ કરવા માટેની સઘન ઝુંબેશ હાથ ધરાઇ હતી, અમે સૌ કર્મચારીઓનાં સારા સ્વાસ્થયની કામના કરીએ છે.