
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
મહિલા અભયમ-181 તાપી અને બારડોલીની સંયુક્ત ટીમે આપઘાત કરવા જતી યુવતીનું જીવન બચાવ્યું હતું;
એક પક્ષીય લાગણીના સંબંધો ધરાવતી યુવતી યુવક દ્વારા નકારાતા આપધાત કરવા રેલ્વે ટ્રેક પહોંચી ગઈ: મહિલા અભયમ ટીમ દ્વારા જીવનનું મુલ્ય સમજાવી આબાદ બચાવ કર્યો;
વ્યારા-તાપી : તાપી જિલ્લાની અભયમ ટીમ મહિલાઓના પ્રશ્નોને વાચા આપવા માટે હંમેશા ખડેપગ રહે છે અને છેલ્લા થોડાક મહિનાઓમાં અભયમની ટીમે જે ઉત્કૃષ્ટ કામગીરી કરી છે તે ખુબ જ સરાહનિય છે. તાજેતરમાં 181 અભયમ હેલ્પલાઈન નંબર પર થર્ડ પાર્ટી દ્વારા કોલ આવ્યો હતો. જેમના જણાવ્યા મુજબ સોનગઢના એક ગામની યુવતી નીનાબેનને (નામ બદલેલ છે) બારડોલીમાં રહેતા યુવક સાથે લાગણી બંધાઈ હતી. યુવતી પરિવારને જાણ કર્યા વગર બારડોલી આવી હતી. પરંતુ જ્યારે યુવકે યુવતીના પ્રેમને નકારી નીકળી જતા યુવતીને લાગી આવતા તે રેલ્વે પાટા પર જીવન ટૂંકાવવાના ઇરાદાથી પહોચી હતી. તે વખતે સ્થાનિક વ્યક્તિને શંકા જતા તેને યુવતી સાથે વાત કરી હતી. પરંતુ યુવતીના હાવભાવથી તે વ્યક્તિએ મદદની ભાવનાથી બારડોલીની 181 મહિલા હેલ્પલાઈન નંબર પર કોલ કરીને આ બાબતની જાણ કરતા મહિલા અભયમની ટીમ તાત્કાલિક યુવતી પાસે પહોંચી કાઉન્સલિંગ કરી હકીકત જાણવાનો પ્રયાસ કર્યો હતો.
વાતચીતમાં માલુમ પડ્યુ કે યુવતી એક પક્ષીય લાગણીના સંબંધો ધરાવતી હતી. ઉદાસીમાં યુવતીએ આપઘાત કરવાનો ઇરાદો કરીને નીકળી હતી. આ બધી વાત જાણીને અભયમની ટીમે યુવતીને હિંમત આપી અને અમૂલ્ય જીવનને આમ વેડફી ના નાખી જીવનમાં આગળ વધવા સમજાવી હતી. જે બાદ યુવતી પરિવાર પાસે પરત ફરવા તૈયાર થઈ હતી. આમ વ્યારાની ટીમના સહયોગથી યુવતીને પરિવાર સુધી પહોંચાડવામાં આવી હતી. પરિવારને દીકરી ફરી મળતા પરિવારના આંખોમાંથી આંસુ આવ્યા અને તેમને અભયમ ટીમની સેવાને બિરદાવી આભાર માન્યો હતો.