
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ
ફ્લાઇટ ટિકિટ બુકિંગના નામે વેટરિનરી ડોક્ટર સાથે રૂ.૧૬,૦૫૦ની સાયબર છેતરપિંડી:
દિનકર બંગાળ, આહવા: સોશિયલ મીડિયા પરની ફ્લાઇટ બુકિંગની જાહેરાત પર વિશ્વાસ કરવો આહવામાં વેટરિનરી ડોક્ટર તરીકે ફરજ બજાવતા ૨૮ વર્ષીય પાવનભાઈ હિતેશકુમાર પંચાલને ભારે પડ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. સુરતથી ગોવા અને ગોવાથી સુરતની બે રિટર્ન ફ્લાઇટ ટિકિટ બુક કરાવવાના બહાને અજાણ્યા શખ્સે અલગ-અલગ ચાર્જ વસૂલ કરી ફરિયાદી પાસેથી કુલ રૂ.૧૬,૦૫૦ ઓનલાઇન પડાવી લીધા હોવાની ફરિયાદ આહવા પોલીસ મથકે નોંધાઈ છે.
ફરિયાદ મુજબ, તા.૨૬ મે ૨૦૨૬ના રોજ ઇન્સ્ટાગ્રામ પર ફ્લાઇટ બુકિંગની જાહેરાત જોતા તેમાં દર્શાવાયેલા મોબાઇલ નંબર પર વોટ્સએપ મારફતે સંપર્ક કરવામાં આવ્યો હતો. સામેની વ્યક્તિએ રૂ.૧૨,૦૦૦માં બે વ્યક્તિઓની રિટર્ન ફ્લાઇટ ટિકિટ બુક કરી આપવાની ખાતરી આપી QR કોડ મોકલ્યો હતો.
વોટ્સએપ પર મોકલાયેલા QR કોડ મારફતે ફરિયાદીએ પ્રથમ રૂ.૨,૦૦૦ અને ત્યારબાદ રૂ.૧૦,૦૦૦ મળી કુલ રૂ.૧૨,૦૦૦નું UPI પેમેન્ટ કર્યું હતું. રકમ મળ્યા બાદ વધુ GST ચાર્જ પેટે રૂ.૩,૨૫૦ ભરવાનું કહેવામાં આવતા ફરિયાદીએ તે રકમ પણ ઓનલાઇન ચૂકવી હતી. ત્યારબાદ પેમેન્ટ પેન્ડિંગ હોવાનું દર્શાવતી ફ્લાઇટ ટિકિટની PDF મોકલવામાં આવી હતી. ટિકિટ બુકિંગ પૂર્ણ કરવા માટે વધુ રૂ.૮૦૦ એજન્ટ ચાર્જ ભરવાનું કહેવામાં આવતા ફરિયાદીએ આ રકમ પણ ચૂકવી હતી. આમ, ટિકિટ બુકિંગ, GST અને એજન્ટ ચાર્જ સહિત કુલ રૂ.૧૬,૦૫૦ ચૂકવ્યા છતાં વાસ્તવિક ફ્લાઇટ ટિકિટ બુક થઈ ન હતી. બાદમાં ટિકિટ મોકલવાની ખાતરી આપનાર વ્યક્તિ વોટ્સએપ પરથી ઓફલાઇન થઈ ગઈ હતી અને ફરિયાદીના મેસેજનો કોઈ જવાબ આપ્યો ન હતો.
સમગ્ર ઘટનામાં પોતાની સાથે ઓનલાઇન છેતરપિંડી થઈ હોવાનું જણાતાં પાવનભાઈએ તા.૨૭ મે ૨૦૨૬ના રોજ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન ૧૯૩૦ પર સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ તા.૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ અજાણ્યા શખ્સ વિરુદ્ધ આહવા પોલીસ મથકે લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદના આધારે આહવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.બી.શાંખલા દ્રારા બી.એન.એસ.ની કલમ ૩૧૮(૪) તથા આઇ.ટી. એક્ટની કલમ ૬૬(d) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા ઓનલાઇન નાણાકીય વ્યવહારો, UPI વિગતો, મોબાઇલ નંબર, સોશિયલ મીડિયા એકાઉન્ટ તથા અન્ય ડિજિટલ પુરાવાના આધારે સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે.


