ધર્મ

ભોળાનાથનાં નિજમંદીરે ધ્વજારોહણ દ્વારા મેળાનો વિધીવત પ્રારંભ થયો :

અન્નક્ષેત્રોમાં હરીહરની હાકલ ગુંજી ઉઠીદિગંબર સંતોનાં દર્શન માત્રથી અભિભુત થતા ભાવીકો:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ 

: મહાશિવરાત્રીનો મેળો-જૂનાગઢ :

બરડો, આલેચ, હાલાર, ભાવેણા, ભાલ, બાબરીયાવાડ, નાઘેર, ગીર, ઘેડ, સોરઠ, કાઠીયાવાડમાંથી મનખો ઉમટ્યો

અન્નક્ષેત્રોમાં હરીહરની હાકલ ગુંજી ઉઠીદિગંબર સંતોનાં દર્શન માત્રથી અભિભુત થતા ભાવીકો:

ભવનાથનો મેળો ગુજરાતના જૂનાગઢમાં ગિરનાર પર્વતની તળેટીમાં સુવર્ણરેખા નદીના કિનારે યોજાય છે.  હવે આ ગામ જુનાગઢ મહાનગર પાલિકામાં ભેળવી દેવાયું છે. જુનાગઢ શહેરથી ભવનાથ ૭ કિ.મી. દુર આવેલું છે. પ્રસિધ્ધ ગીરનાર  પર્વતમાળાની તળેટીમાં વસેલું આ ગામ છે  જે  હિંદુ  અને  જેન ધર્મના અનુયાયીઓ માટેનું  મહત્વનું યાત્રાસ્થળ છે.

ભારતવર્ષ અનેક ભાતીગળ સાંસ્‍કૃતિક અસ્‍મિતાની ધરોહર છે. વન થી ગામ સુધી અને શહેર થી નગર સુધી પ્રત્‍યેક ભારતવાસી મેળાનાં માણીગર છે. મેળો એ સંસ્‍કારીતાની ધારા પ્રાંતે પ્રાંતમાં અવિરત વહેતી રહે છે.
ભાષા, ધર્મ કે પ્રાંતના વાડાનાં સિમાડા ઓળંગીને એકમેકની સાથે આતપ્રોત થવાનો અનેરો મહીમા એટલે જ મેળા,  મન મુકીને મહાલવાનો અનોખો શરવસર એટલે મેળો. આજે મહાવદી નોમનાં મ;ગળ પ્રભાતે શુભ
ચોઘડીએ ભવનાથ તિર્થક્ષેત્રનાં સંતગણ, ભક્તો, ભાવીકો, વહીવટીતંત્રનાં અધિકારીઓ, પદાધિકારીશ્રીઓની પ્રેરક ઉપસ્થિતીમાં ભગવાન ભવનાથની પુજા અર્ચના સાથે ભૈરવદાદાનાં સાંનિધ્યે ભોળાનાથનાં નિજમંદીરે ધ્વજારોહણ દ્વારા મેળાનો વિધીવત પ્રારંભ થયો હતો.
ગુજરાત રાજયમાં કુલ નાના મોટા ૧૫૨૧ જેટલા મેળા ભરાય છે. તેમાં સૌરાષ્‍ટ્ર પ્રદેશમાં ભવનાથ, માધુપુર, તરણેતરનાં મેળા તો જગ મશહુર છે. તેમાંય ભવનાથ તો ભકિત-ભોજન અને ભજનનો મેળો,
તરણેતર નર્તન અને રંગનો મેળો અને માધુપુરનો મેળો એટલે કિર્તન અને રૂપનો મેળો મનાય છે.
જૂનાગઢ જિલ્‍લામાં જ પરબવાવડી ખાતે અષાઢી બીજનો મેળો, સતાધારનો મેળો, ભગવાન સોમનાથનાં
દ્વાદશ જયોર્તિલીંગ ધામે કાર્તિકી પુનમે ભરાતો મેળો, લીલી પરિક્રમાનો કાર્તિકી એકાદશીનો મેળો,  તુલશીશ્‍યામનો મેળો, ચોરવાડનો ઝંડનો મેળો, ગુપ્‍તપ્રયાગનો મેળો વગેરે નાના અને મોટા મેળાઓ જૂનાગઢ અને આસપાસનાં પરગણામાં ભાતીગળ રીતે ભરાય છે.
જૂનાગઢ એટલે આમેય સંત શુરા અને સાવજની ભોમકા, અહીં જ કાઠીયાવાડનાં ખમિરવંતા ભોળા માનવે
ભગવાનને ” કાઠીયાવાડે કોક દી ભુલો પડ ભગવાન તને મોંધેરો કરૂ મહેમાન સ્‍વર્ગ ભુલાવુ શામળા”  ભોળા ભાવે
ભુલો પડી પોતાનાં ઘરે આતિથ્‍યભાવે નોતરૂ આપી શકે છે. અહીં અજાણ્‍યાને મીઠો આવકારો અપાય છે. ભુખ્‍યાને
ભોજન અને દુખીને સહાયની સરવાણી કાયમ વહેતી રહે છે. આથી જ સતદેવીદાસ અને અમરમાંના પરબ જેવા
ધામે સેવા-સરવાણી વહી હશે. શેઠ શગાળશા જેવા શાહ, દાનબાપુ કે આપા ગીગા જેવા સંતનાં બેસણા આ
જિલ્‍લામાં થયા હોય એવી ધરાનું કેન્‍દ્ર બીંદુ એટલે ગરવા ગીરનારની ગોદ એટલે શિવ અને જીવનો સંગમ, પ્રતિ
વર્ષ કુંભ મેળાની નાની આવૃતિ રૂપે મેળો ભરાય છે. શિવ સ્‍વંભુ અને પરબ્રહ્મ છે. એ અનાદી અને અનંત છે.
અગ્નીસ્‍તંભ રૂપે એ જે દિવસે પ્રગટયા એ દિવસ એટલે મહાશિવરાત્રી. આથી શિવપુજનનો એ મુખ્‍યદિવસ મનાયો છે.  એટલે જ શિવરાત્રી એ શિવની કલ્‍યાણકારી રાત્રી મનાઇ છે.

                                      “શંકર સુમિરન તે સદા, તુટે માયા તંત, જપત નિરંતર જોગીજન, સાધક સાધુ સંત,”

મહાદેવ શિવ પાતાળની તપશ્ચર્યા પુર્ણ કરી પર્વતાધિરાજ ગિરનારમાંથી કૈલાસ ગયા એ દિવસથી સિધ્‍ધક્ષેત્ર
ગિરનારની તળેટીમાં મહાશિવરાત્રીનો મેળો ભરાતો હોવાનું લોકજીભે ચર્ચાય છે. બ્રહ્મલીન ભોજાબાપા આ મેળાને કમંડળ થી મંડળનો મેળો કહેતા. કમંડળ એટલે સાધુ સંતો, મહંતો, સન્‍યાસી, સિધ્‍ધો અને સાધકો અને મંડળ એટલે લોકસમુદાય-માનવ મહેરામણ આ બન્‍ને સમુદાયનો આ મેળો છે. ભવનાથ, ભભુતી, ભજન, ભવેશ્વર અને ભોજન એ  પાંચ “ભ” નો સમન્‍વયીત મેળો એટલે મહાશિવરાત્રીનો ભાતીગળ મેળો. ઠેક ઠેકાણે સાધુ સંતોની ધુણી ધખતી હોય, ભાવીકો મેળાનાં ભજનની સરવાણી પાન કરતા હોય, બાળકો, માતાઓ-બહેનો મેળાની સંસ્‍કારીતાની વાત રજુ કરે ત્યારે આ જૂનાણા(જૂનાગઢ)નો અમર વારસા સમો મેળો દૈદિપ્‍યમાન બની રહે છે. શિવ સાથે આમેય સોમનાથ થી ભવનાથ સુધીનો અનોખો મહિમા આ જીલ્‍લામાં રહ્યો છે. ચંદ્ર, શિવ અને સમુદ્રનો રોહીણી નક્ષત્રએ પ્રભાસ તિર્થક્ષેત્રે મિલાપ. આવોજ ઇશ્વર સાથે એકાકરનો અનેરો અવસર એટલે ભવનાથ ક્ષેત્રનો મહાશિવરાત્રીનો મેળો. અહીં પ્રતિ વર્ષ ૫ થી ૬ લાખ શ્રધ્‍ધાળુઓ ભવનું ભાથુ બાંધવા પધારે છે.  દેશભરમાંથી વિવિધ સંપ્રદાયનાં સાધુ સંતો મહંતો અખાડાનાં સન્‍યાસીઓ પોતપોતાનાં રસાલા સાથે ધર્મ ધ્વજા અને ધર્મ દંડ સાથે ભવનાથ તિથર્ક્ષેત્રમાં નિવાસ કરે છે. સર્વ સિધ્‍ધો, નાથયોગીઓ, ગેબમાં રહેતા અપ્રકટ વસતા અઘોરીઓ, ગુરૂ , દતાત્રેય, ગોપીચંદ, અશ્વત્‍થામા, ભૃતુહરી, ગોરખનાથ તેમજ શિવનાં ત્રણ ગણ કાળભૈરવ, બટુકભૈરવ અને ચંદ્રભૈરવ સદેહે આ સમય દરમ્‍યાન રેવતાચલ પર્વતની ગિરી તળેટીનાં શિવરાત્રીનાં મેળામાં વિહરતા હોવાની લોકમાન્‍યતાને કારણે લોક વિશાળ સમુદાયમાં દર વર્ષે પરંપરાગત ભાગ લેતા આવ્‍યા છે. સાધકોએ અખંડ બાર વર્ષ સુધી શિવરાત્રીની સાધનાં સિધ્‍ધક્ષેત્ર ગિરનારમાં કરવાની હોવાથી સાધકોની સંખ્‍યા પણ ઘણી મોટી હોય છે.
આ મેળામાં એક માન્‍યતા પ્રમાણે યક્ષનાં નામે સ્‍તંભારોપણ થયુ એમ મનાય છે. મહા વદ ૯ (નવમી)નાં
રોજ ભવનેશ્વર મહાદેવનાં મંદિરે ધ્‍વજારોપણથી મેળાનો વિધીવત પ્રારંભ થાય છે. તે મહા વદી ૧૪ (ચૌદશ)ની
અર્ધરાત્રીએ પુર્ણ થાય છે. આ દિવસો દરમ્‍યાન દરેક ઉતારે ભજન-ભોજન, કિર્તન, દુહા, છંદ, લોકવાર્તા અને સંત
સમાગમ થાય છે. અખાડાઓમાં ધુણીઓ તપતી હોય છે. સેવાર્થીઓ પોતપોતાનાં ઉતારામાં રાત-દિવસ અખંડ
સેવાઓ આપતા થાકતા નથી. મેળામાં બારસ-તેરસ અને ચૌદસ એ ત્રણ દિવસ તો ભરચક માનવ મહેરામણ
હિલોળા લેતું નજરે ચડે છે. કુંભમેળાનું નાનકડું રુપ એટલે આપણો ગરવા ગુજરાતનો આ મેળો. અહીં સાધુ સંતો
કેન્‍દ્ર સ્‍થાને છે. સ્‍કંદપુરાણ, હરિવંશ અને વિષ્‍ણુપુરાણમાં ગીરનારનું મહાત્‍મય અને વર્ણન પ્રસિધ્‍ધ હોવાથી
ગુજરાત ભરનાં મેળાઓમાં આ મેળો અનોખું સ્‍થાન ધરાવે છે. શિવરાત્રીનાં દિવસે વહેલી સવારથી જ
મૃગીકંડને તાળાબંધી પહેરો લાગી જતો હોય જેમાં દિવસભર પ્રવેશબંધી રહે, દિવસભર જટાધારી સંતો સાધુઓ
શિવપાર્વતિનાં વિવાહ મહિમાં ગાતા ગાતા સમાજ-ક્ષેત્રમાં ભ્રમણ કરતા રહે છે. દરેક ઉતારે સવારે ભાંગ-ફળાહાર- પ્રસાદ-ઉપવાસનું અયોજન થાય છે.
શિવરાત્રીનાં રાત્રે ૧૦ કલાકે જટાધારી, ભભુતધારી, દિગંબર, અતિપુરાતન સાધુઓ તો કોઇ ઉગતી
અવસ્‍થાવાળા વડવાઇ જેવી પગની ધુટી સુધીની પીળી જટા ને લાલઘુમ આંખોવાળા સાધુઓ સન્યાસીઓ,
સાધ્‍વીઓ, દેવીજીઓ અને નાની બાલ્‍યાવસ્‍થા વાળા મહાત્‍માઓ, સંતો, મહંતો હર હર મહાદેવ, બમ બમ ભોલે,
ઓમ નમઃશિવાયનાં જયઘોષ સાથે વિશાળ સરઘસ ભવનાથ મહાદેવનાં મંદિર પાછળ આવેલા દશનામી પંચ
અખાડામાંથી ભવ્ય શંખઘોષ, ડમરૂ, નાગફણી-ભેરીફુંકતા ભાલા તલવારો, ઢાલની પટૃાબાજી ખેલતા લાઠીનાં અને અંગકસરતનાં હેરતભર્યા પ્રયોગો કરતા નિશાન, ડંકા ઝાલર અને ધ્‍વજાઓ અને પાલખીઓ સાથે આગળ વધે છે. ભવનાથનાં નિયત કરેલા મેઇન રોડ પર ફરે છે. સરઘસમાં દશનામી પંચ અખાડાની ગુરૂદત્‍તાત્રેય પાલખી, અભાન અખાડાનાં ગાદીપતીની પાલખી, અગ્ની અદાડાની ગાયત્રીજીની પાલખી, એ પછી જુદા જુદા અખાડાઓના સાધુ આગળ વધે છે. મધરાત્રે ભવનાથનાં મંદિરનાં દ્વિતીય દરવાજેથી મૃગીકુંડમાં પહોંચે છે. ત્‍યાંની વિધી ગોપનીય હોય છે.

લોકમાન્‍યતા પ્રમાણે મૃગીકુંડમાં કાંઠે ઉભી સાધુઓ વરૂણપુજા કરે છે. ત્‍યારબાદ અમર આત્‍માઓ સ્‍નાન કરવા
પધારે છે. તેની પ્રતિતીરૂપે ત્રણ તરંગો સ્‍વંયભુ કુંડમાંથી પ્રગટે છે. ત્‍યારબાદ સાધુઓ એકી સાથે મૃગીકુંડમાં સ્‍નાન કરે છે.  કહેવાય છે કે એક સાધુ સીધા સ્વર્ગલોક સિધાવે છે. મોક્ષ પ્રાપ્ત કરે છે. !!!  મૃગીકુંડમાંથી બહાર નિકળી થોડા જ સમયમાં સાધુઓ મેળામાંથી અદ્રશ્‍ય થઇ જાય છે. સાધુઓનાં મૃગીકુંડનાં સ્‍નાન પછી મંદિરમાં આરતી ને મહાપુજા થાય છે. ને મેળાની પુર્ણાહુતી થાય છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है