શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
ડેડીયાપાડા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નાં માર્ગદર્શન થી ખેડૂતો સ્ટ્રોબેરીની ખેતી તરફ વળ્યાં;
ડેડીયાપાડા તાલુકાના અણદુ ગામે વીરસીંગભાઈ એ પોતાના ખેતરમાં સ્ટ્રોબેરી નું સફળ વાવેતર કર્યું;
નર્મદા: સામાન્ય રીતે સ્ટ્રોબેરીનો પાક મહારાષ્ટ્રના મહાબળેશ્વર જેવા વિસ્તાર માં સરસ રીતે થાય છે, જયારે ગુજરાત ની પરિસ્થિતિ આથી તદ્ન વિપરિત છે. દક્ષિણ ગુજરાત માં ભારે જમીન અને ભારે વરસાદને કારણે ચોમાસામાં ખેતર માનાં સ્ટ્રોબેરીના છોડ નાશ પામે છે. તેવા વાતાવરણ માં નર્મદા જિલ્લામાં ભાગ્યેજ સ્ટ્રોબેરીની ખેતી અને પાક ઉત્પાદન જોવા મળે છે. ત્યારે ડેડીયાપાડા ખાતે આવેલ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડેડીયાપાડા ખાતે વૈજ્ઞાનિક અને વરિષ્ઠ વડા ડૉ. પ્રમોદકુમાર વર્માના માર્ગદર્શન હેઠળ સ્ટ્રોબેરીની ખેતીનો નવતર પ્રયોગ શરૂ કર્યો છે.
હાલ આ યોજના હેઠળ નર્મદાના ગ્રામ્ય ખેડૂતોને સ્ટ્રોબેરીના પ્લાન્ટ્સ આપતા ખેડૂતોએ પોતાના ખેતરમાં સ્ટ્રોબેરીનું વાવેતર કર્યું છે. જેમાં ડેડીયાપાડા તાલુકાના અણદુ ગામે વસાવા વીરસીંગભાઈ એ પોતાના ખેતરમાં સ્ટ્રોબેરીનું સફળ વાવેતર કર્યું છે. તૈયાર સ્ટ્રોબેરીના ફળ ઘર આંગણે બાળકો ચાખતા થયા છે.
આ અંગે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડેડીયાપાડા ખાતે વૈજ્ઞાનિક અને વરિષ્ઠ વડા ડૉ. પ્રમોદકુમાર વર્માએ જણાવ્યું છે કેસ્ટ્રોબેરીમાં વિટામિન સી પુષ્કળ માત્રા માં મળી શકે છે. એ ઉપરાંત વિટામિન કે પણ મળે છે. સાથે સાથે સ્ટ્રોબેરીમાં કેલ્શિયમ, પોટેશીયમ જેવા સૂક્ષ્મ પોષક તત્વો પણ હોવાથી સ્વાસ્થ્ય માટે ઉત્તમ ફળ છે. ત્યારે પોષક તત્વો અને વિટામિન થી ભરપૂર વિટામિન એ થી ભરપૂર એવા પોષણયુક્ત ફળો નર્મદાના બાળકોમાં કુપોષણની સમસ્યા દૂર કરવા ઉપયોગી બનશે.
આ અંગે વૈજ્ઞાનિક ડૉ.મીનાક્ષી તિવારીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં પણ સ્ટ્રોબેરીની શક્યતાઓ ખુબજ સારી રહેલી છે. એ સારા પરિણામો મેળવવા ઠંડુ વાતાવરણ હોવું જોઈએ. એની સાથે સાથે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડેડીયાપાડા ખાતે એક નીકરા યોજના ચાલુ છે. આ યોજના હેઠળ નર્મદાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ખેડૂતોને સ્ટ્રોબેરીના પ્લાન્ટ્સ આપ્યા છે. જેથી અહીંના ખેડૂતો પણ સ્ટ્રોબેરી પોતાના વિસ્તારોમાં કરી શકે અને આવક મેળવીને આત્મનિર્ભર બની શકે. અને ઘર આંગણે સ્ટ્રોબેરીનો સ્વાદ માણી શકે.
આ અંગે આદિવાસી ખેડૂત વીરસીંગભાઈ વસાવાએ જણાવ્યું હતું કે મને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડેડીયાપાડા નું માર્ગદર્શન અને પ્લાન્ટ મળતાં મેં મારા ગામમા સ્ટ્રોબેરીનું વાવેતર કર્યું છે, એક છોડ પર બે કિલો જેટલી સ્ટ્રોબેરી ઉતરે છે બજારમાં સ્ટ્રોબેરીનો કિલોના ૨૦૦રૂ. સારો ભાવ પણ મળે છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ના માર્ગદર્શન થી રાજપીપલાના વિજ્ઞાન લેખક અને પત્રકાર દીપક જગતાપે પણ પોતાના ટેરેસ ગાર્ડનમાં સફળ સ્ટ્રોબેરીનું વાવેતર કર્યું છે. ત્યા પણ સરસ સ્ટ્રોબેરી થાય છે.
આમ નર્મદા જિલ્લામા પણ પ્રગતિશીલ ખેડૂતો સ્ટ્રોબેરીની ખેતી કરતા થયાં છે. એ માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડેડીયાપાડા કટીબંધ્ધ છે. આમ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડેડીયાપાડાનો સ્ટ્રોબેરી નો નવતર પ્રયોગ નર્મદા જિલ્લામાં સફળ થયો છે. આ અંગે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડેડીયાપાડા ખાતે વૈજ્ઞાનિક અને વરિષ્ઠ વડા ડૉ. પ્રમોદકુમાર વર્માએ સૌ ખેડૂતોને પોતાના ખેતર વાડામાં સ્ટ્રોબેરી નું વાવેતર કરવા અનુરોધ કર્યો છે. આ અંગે ખેડૂત મિત્રોને જરૂરી માર્ગદર્શન આપવાની પણ ખાત્રી આપી છે.
રિપોર્ટર: સર્જન વસાવા, નર્મદા