
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
ભૂટાનના રાજા દ્વારા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ને “ઓર્ડર ઓફ ધ ડ્રુક ગ્યાલ્પો”થી નવાજવામાં આવ્યા:
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ભૂટાનની મુલાકાતે છે. આ દરમિયાન, શુક્રવારે ભૂટાનના રાજા જિગ્મે વાંગચુકે વડાપ્રધાન મોદીને સર્વોચ્ચ ‘ઓર્ડર ઓફ ડ્રુક ગ્યાલપો’ એવોર્ડથી સન્માનિત કર્યા હતા. મોદીએ કહ્યું કે તેઓ આ સન્માન 140 કરોડ ભારતીયોને સમર્પિત કરે છે.
મોદીએ કહ્યું, “એક ભારતીય તરીકે મારા જીવનનો આજનો દિવસ ખુબ મહત્વનો છે. તમે મને ભૂટાનના સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કર્યો છે. દરેક એવોર્ડ વિશેષ હોય છે, પરંતુ જ્યારે કોઈ બીજા દેશ તરફથી એવોર્ડ મળે છે ત્યારે એવું લાગે છે કે આપણે બંને દેશ સાચી દિશામાં આગળ વધી રહ્યા છીએ.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને થિમ્પુના ટેન્ડ્રેલથાંગ ખાતે એક જાહેર સમારંભમાં મહામહિમ ભૂટાનના રાજા દ્વારા ભૂટાનનો સર્વોચ્ચ નાગરિક ખિતાબ, “ઓર્ડર ઓફ ડ્રુક ગ્યાલ્પો” એનાયત કરવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રી મોદી પ્રથમ વિદેશી નેતા છે જેમને આ પ્રતિષ્ઠિત એવોર્ડ આપવામાં આવ્યો છે.
ભૂટાનના મહામહિમ રાજાએ ડિસેમ્બર 2021માં તાશિછોડઝોંગ, થિમ્પુ ખાતે આયોજિત ભૂટાનના 114મા રાષ્ટ્રીય દિવસની ઉજવણી દરમિયાન આ પુરસ્કાર આપવાની જાહેરાત કરી હતી. આ પુરસ્કાર ભારત-ભૂટાન મિત્રતા અને તેમના લોકો કેન્દ્રિત નેતૃત્વને મજબૂત કરવામાં પ્રધાનમંત્રી મોદીના યોગદાનને માન્યતા આપે છે. ઉમેર્યું હતું કે આ પુરસ્કાર તેમના નેતૃત્વ હેઠળ વૈશ્વિક શક્તિ તરીકે ભારતના ઉદયને પણ સન્માનિત કરે છે અને ભારત સાથે ભૂટાનના વિશેષ બંધનની ઉજવણી કરે છે. પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વએ ભારતને પરિવર્તનના માર્ગ પર મૂક્યું છે અને ભારતની નૈતિક સત્તા અને વૈશ્વિક પ્રભાવ વધ્યો છે.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ પુરસ્કાર ભારતના 1.4 અબજ લોકોને આપવામાં આવેલ સન્માન છે અને બંને દેશો વચ્ચેના વિશિષ્ટ અને અનોખા સંબંધોનું પ્રમાણપત્ર છે.
રેન્કિંગ અને પ્રાધાન્યતા મુજબ, ઓર્ડર ઓફ ધ ડ્રુક ગ્યાલ્પોની સ્થાપના જીવનભરની સિદ્ધિઓના ખિતાબ તરીકે કરવામાં આવી હતી અને તે તમામ ઓર્ડર, ખિતાબ અને મેડલ પર અગ્રતા લેતા ભૂટાનમાં સન્માન પ્રણાલીની ટોચ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજધાની થિમ્પુના તાશિચો ઝોંગ પેલેસ પહોંચ્યા હતા. અહીં મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેઓ ભૂટાનના રાજા જિગ્મે વાંગચુકને મળ્યા હતા. ભૂટાનના વડાપ્રધાન શેરિંગ ટોબગેએ પારો એરપોર્ટ પર મોદીને ભેટીને તેમનું સ્વાગત કર્યું હતું. ભૂતાનના વડાપ્રધાન ટોબગેએ મોદીને કહ્યું, ‘મારા મોટા ભાઈનું સ્વાગત’ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું.